ટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડ

એમ્પિલ વાવાઝોડાને કારણે જાપાનમાં પરિસ્થિતિ વણસી, 600થી વધુ ફ્લાઇટ્સ રદ્દ; હાઈ-સ્પીડ ટ્રેન સેવાને અસર

Text To Speech
  • સરકારે લગભગ 10,000 ઘરોને ખાલી કરવાની સલાહ આપી 

ટોક્યો, 16 ઓગસ્ટ: એમ્પિલ તોફાનની અસર જાપાનમાં દેખાવા લાગી છે. આ તોફાન જાપાનના મુખ્ય ટાપુ તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે. વાવાઝોડાને કારણે એર ટ્રાફિકને અસર થઈ છે. તોફાનના કારણે સરકારે ભૂસ્ખલન અને પૂરની ચેતવણી પણ જારી કરી દીધી છે. હવામાન વિભાગે લોકોને ઘરની અંદર રહેવા અને જોખમોથી સાવચેત રહેવાની સલાહ આપી છે. કંપનીઓએ કર્મચારીઓને વહેલા ઘરે પરત ફરવા વિનંતી કરી છે. વાવાઝોડાને કારણે ભારે પવન છે અને 600થી વધુ સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ રદ્દ કરવામાં આવી છે તેમજ હાઈ-સ્પીડ ટ્રેન સેવાને પણ અસર થઈ છે.

 

પવન તેજ ગતિએ ફૂંકાઈ રહ્યો છે

તોફાનને કારણે જાપાનમાં સેંકડો ફ્લાઈટ્સ રોકી દેવામાં આવી છે અને લગભગ 10,000 ઘરોને ખાલી કરવાની સલાહ આપવામાં આવી છે. એમ્પિલ વાવાઝોડાને “ખૂબ જ મજબૂત” શ્રેણીમાં રાખવામાં આવ્યું છે. તોફાન ટોક્યો નજીક પહોંચી ગયું છે. વાવાઝોડાને કારણે 216 કિલોમીટર પ્રતિ કલાક (134 માઈલ પ્રતિ કલાક)ની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. આ દરમિયાન અનેક વિસ્તારોમાં વીજળી પણ ખોરવાઈ ગઈ છે. લગભગ 120,000 મુસાફરોને અસર કરતી 600થી વધુ સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ રદ્દ કરવામાં આવી છે. તોફાનના કારણે ટોક્યો અને નાગોયા વચ્ચેની હાઇ-સ્પીડ શિંકનસેન ટ્રેન સેવાઓ પણ અટકાવી દેવામાં આવી છે.

જાપાનમાં ભૂકંપ આવ્યો

મહત્ત્વપૂર્ણ છે કે, તાજેતરમાં જ જાપાનમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.9 માપવામાં આવી હતી. ભૂકંપના કારણે સુનામીની ચેતવણી પણ જારી કરવામાં આવી હતી. દક્ષિણ જાપાનમાં આંચકા અનુભવાયા હતા. ભૂકંપના કારણે જાપાનના દરિયાકાંઠાના વિસ્તારો મિયાઝાકી, કોચી, ઈહિમે, કાગોશિમા અને આઈતામાં પણ સુનામીની ચેતવણી જારી કરવામાં આવી હતી.

આ પણ જૂઓ: કલકત્તામાં દુષ્કર્મ-હત્યા કેસના ગુજરાતમાં પડઘા પડ્યા, તબીબોએ ભેગા થઈ વિરોધ કર્યો

Back to top button