રાજકોટમાં તબીબ સહિત બે યુવાનોના હાર્ટ એટેકથી મોત
રાજકોટમાં વધુ બે યુવા હૃદય ધબકારા ચુકી ગયાની ઘટના સામે આવી છે. શહેરમાં મોરબી રોડ ઉપર રહેતા અને ખાનગી હોસ્પિટલમાં ફરજ બજાવતા 22 વર્ષીય તબીબનું હાર્ટ એટેકથી મોત થયું છે. આ ઉપરાંત કોઠારીયા રોડ નંદા હોલ પાસે રહેતો યુવાન પણ બે દિવસથી ઘરમાં બેભાન પડેલો હોય હોસ્પિટલમાં ખસેડાતા મોતને ભેટ્યો હોવાનું જણાવાયું હતું.
મળતી વિગત મુજબ, રાજકોટના મોરબી રોડ પર ડી.કે. સ્કૂલ પાછળ, સેટેલાઇટ ચોકમાં આવેલ ધારા એવન્યુમાં રહેતા ડો.અવિનાશ ગોરધનભાઈ વૈષ્ણવ (ઉ.વ.22) શહેરની ખાનગી હોસ્પિટલમાં મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવતા હતા. તેઓ શાપર ખાતે આરોગ્ય કેન્દ્રમાં ઇન્ટરનશીપ પણ કરતા હતા. ખાનગી હોસ્પિટલમાં મુખ્યત્વે નાઈટ ડ્યુટી રહેતી હોવાથી શનિવારે રાત્રે નાઈટ ડ્યુટી કરી ગત રોજ સવારે 9 વાગ્યે ઘરે આવ્યા હતા. ઘરે આવી હવે બપોરે મને ન ઉઠાડતા તેમ કહી તે સુઈ ગયા હતા.
દરમિયાન સાંજે 7 વાગ્યે તેમને પિતા ગોરધનભાઇ ઉઠાડવા જતા ઉઠતા ન હોવાથી બેભાન થઈ ગયાનો ખ્યાલ આવતા પરિવારજનો દ્વારા તુરંત તેઓને તેમની જ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જેથી ડોક્ટરે તત્કાલ સારવાર કરી અવિનાશનું હૃદય ફરી ધબકતું કરવા મથામણ કરી હતી પણ તેમણે દમ તોડી દીધો હોય, મૃત જાહેર કરાતા હોસ્પિટલ સ્ટાફ સ્તબ્ધ થઈ ગયો હતો જ્યારે પરિવારમાં કલ્પાંત છવાયો હતો.
આ અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી. પ્રાથમિક તપાસમાં મૃતકના પિતાએ જણાવ્યા મુજબ, ડો.અવિનાશ બે ભાઈમાં નાના હતા. આયુર્વેદ સારવારની બી.એ.એમ.એસ. ડીગ્રી મેળવ્યા બાદ તેઓ ખાનગી હોસ્પિટલમાં મેડીકલ ઓફિસર તરીકે નોકરી કરતા. તેમને કોઈ બીમારી નહોતી. પિતાએ પોલીસને આપેલ નિવેદન મુજબ ડો.અવિનાશને નખમાં પણ રોગ નહોતો. છતાં અચાનક આ રીતે મૃત્યુ થતા મૃતદેહ પીએમ અર્થે ખસેડાયો હતો. પ્રાથમિક તારણ મુજબ હાર્ટ એટેકથી મોત થયાનું તબીબોનું માનવું છે.
બીજા બનાવમાં કોઠારીયા રોડ નંદા હોલ પાસે ભારતીનગર-૧માં રહેતાં વિપુલભાઇ મગનભાઇ કેરાળીયા (ઉ.વ.૪૧)ની ઘરમાંથી લાશ મળતાં અરેરાટી વ્યાપી ગઇ હતી. તેઓ બે ભાઇમાં નાના અને અપરિણીત હતાં. એકલા જ રહેતાં હતાં. બે દિવસથી લાશ ઘરમાં હોવાની પોલીસને જાણ થતાં ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી કરી હતી. ફોરેન્સિક પોસ્ટમોર્ટમ થતાં હાર્ટએટેક આવી ગયાનું ખુલ્યું હતું. ભક્તિનગર પોલીસે કાર્યવાહી કરી હતી.