વર્લ્ડ કપ ફાઇનલમાં ભારતની હારથી નિરાશ થઈને બે યુવકોએ જીવન ટુંકાવ્યું
કોલકાતા, ઓડિશા: વર્લ્ડ કપ ફાઈનલમાં ભારતની કારમી હારના લીધે તમામ દેશવાસીઓ નિરાશ થઈ બેઠા હતા. બીજી તરફ, ક્રિકેટ વર્લ્ડ કપ ફાઇનલમાં ભારત ઓસ્ટ્રેલિયા સામે હારી ગયા બાદ પશ્ચિમ બંગાળના બાંકુરા અને ઓડિશાના જાજપુરમાં કથિત રીતે બે વ્યક્તિઓએ આત્મહત્યા કર્યા હોવાનું બહાર આવ્યું છે.
અમદાવાદમાં ઓસ્ટ્રેલિયા સામે ભારતની છ વિકેટની હાર બાદ 23 વર્ષીય રાહુલ લોહારે રવિવારે રાત્રે 11 વાગ્યાની આસપાસ બાંકુરાના બેલિયાતોર પોલીસ સ્ટેશન વિસ્તારમાં સિનેમા હોલ નજીક આત્યંતિક પગલું ભર્યું હતું. પોલીસના જણાવ્યા અનુસાર, લોહારના સાળા ઉત્તમ સુરે જણાવ્યું હતું કે પરિણામથી દુઃખી થઈને તેણે પોતાના રૂમમાં ગળેફાંસો ખાઈને આપઘાત કર્યો હતો. તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ ટેસ્ટ માટે હોસ્પિટલ મોકલવામાં આવ્યો હતો. આ સાથે જ અકુદરતી મૃત્યુનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો.
રાહુલને રવિવારે ટીમ ઇન્ડિયાની જીતને લઇને તેને પૂરો વિશ્વાસ હતો, પરંતુ તે ભારતની હારથી ઘણો દુ:ખી હતો. તે ડિપ્રેશનમાં જતો રહ્યો હતો અને રાત્રે પોતાના ઘરમાં જ ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. મોડી રાત્રે ભાઈ પોતાના રૂમમાં ગયા ત્યારે તેને ફાંસીએ લટકતો જોવા મળ્યો હતો.
ઓડિશામાં પણ કંઈક આવો જ એક કિસ્સો બન્યો હતો. રવિવારે રાત્રે મેચના પરિણામ બાદ 23 વર્ષીય દેવ રંજન આઘાતમાં સરી પડ્યો હતો. તેણે ટેરેસ પર ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. પોલીસને મળેલી માહિતી અનુસાર, તે ઈમોશનલ ડિસઓર્ડર સિન્ડ્રોમ માટે સારવાર હેઠળ હતો. ફાઈનલ હાર્યા પછી તે નિરાશ થઈને ઘરેથી નિકળ્યો હતો. પોલીસે અકુદરતી રીતે મૃત્યુનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો: વર્લ્ડ કપ ફાઈનલના દિવસે એરપોર્ટ પર 40 હજાર મુસાફરો નોંધાયા, જાણો વિદેશથી કેટલા આવ્યા