ગુજરાતબિઝનેસ

બે વર્ષ બાદ આ વર્ષે અક્ષય તૃતિયા વેપારીઓને ફળી; સોના-ચાંદીમાં ઘરાકી જોવા મળી, વાહનોનું વેચાણ પણ વધ્યું

Text To Speech

કોરોનાને કારણે છેલ્લા બે વર્ષ લોકોના ભારે કપરા ગયા છે. ત્યારે આ બે વર્ષનું સાટું મંગળવારે વળી ગયું હોય તેવું લાગી રહ્યું છે. અખાત્રીજના દિવસનો પણ મહિમા અનેરો હોય છે. ખેડૂતો આજે પોતાના ખેતરમા હળ જોડીને પૂજા કરતા હોય છે. સાથે સાથે ઘરમા નવી વસ્તુની ખરીદી કરવી પણ શુભ માનવામા આવે છે. ખાસ કરીને જ્વેલર્સ અને ઓટો બિઝનેસ સાથે સંકળાયેલા લોકોને આ વર્ષે અક્ષય તૃતિયા ફળી છે. અક્ષયતૃતિયા જવેલર્સના વેપારીઓને લક્ષ્મી વર્ષા કરાવી છે. અખાત્રીજ નિમિત્તે જિલ્લામાં સોના અને ચાંદીના ઘરેણાંનું 60 ટકા વેચાણ થયું હોવાનું વેપારીઓએ જણાવ્યું છે. તેમાં મોટાભાગની ખરીદી લગ્નસરાની જોવા મળી હતી.

અક્ષય ત્રીજના દિવસ સુવર્ણ ખરીદવું શુભ
અક્ષય તૃતિયાના દિવસે સોના કે ચાંદીની વસ્તુની ખરીદી કરવી શુભ મનાય છે. આથી લગ્નના સોના ચાંદીના દાગીના ઓર્ડરની ડિલેવરી પણ અખાત્રીજે લેવામાં આવે છે. વેપારીઓએ જણાવ્યું કે અખાત્રીજ નિમિત્તે સોનાની 30 ટકા અને ચાંદીની 30 ટકા ખરીદી નિકળી હતી. આથી સોના ચાંદીની 60 ટકા ખરીદીથી આગામી સમય સારો રહેશે.

ગત વર્ષ કરતાં ભાવ વધુ છતાં ખરીદી વધી
ગત વર્ષે અખાત્રીજે પ્રતિ તોલા સોનાનો ભાવ 48000ની સામે હાલમાં પ્રતિ તોલા સોનાનો ભાવ 52500નો છે. જ્યારે ચાંદીનો પ્રતિ કિલોનો ભાવ 61000ની સામે હાલમાં 63000નો ભાવ છે. સોના અને ચાંદીના ભાવમાં વધારો હોવા છતાં લોકોએ મન મૂકીને સોના અને ચાંદીની ખરીદી કરી હતી.

2021-22માં કેન્દ્ર સરકાર દ્વારા પોસ્ટલ વિભાગ અને નેશનલાઇઝ બેન્કના માધ્યમથી ગોલ્ડ બોન્ડનું વેચાણ કરવામાં આવતું હતું. પરંતુ 2022-23માં ગોલ્ડ બોન્ડનું વેચાણ શરૂ કરવામાં આવ્યું નથી. આથી અખાત્રીજ નિમિત્તે સોના ચાંદીના દાગીના, લગડી, વીંટી, દોરો, પાયલ, કડલી સહિતની ખરીદી લોકોએ કરી હતી.

પેટ્રોલના ભાવની આસમાને છતાં અખાત્રીજે 7.77 કરોડનાં વાહનો વેચાયાં
​​​​​​​પેટ્રોલ-ડીઝલના વધતા ભાવ વચ્ચે ગાંધીનગર જિલ્લામા એક જ દિવસમા 7.77 કરોડના 400 વાહનો વેચાયા હતા.અખાત્રીજના દિવસે ગાંધીનગર જિલ્લામા એક દિવસમા 400 વાહનોનુ વેચાણ થયુ હતુ. જેમા ટુ વ્હીલર, ફોર વ્હીલર અને થ્રી વ્હીલરનો સમાવેશ થયો હતો. શુભ દિવસે ખાસ કરીને ટુ વ્હીલરનુ બમ્પર વેચાણ સામે આવ્યુ હતુ. તમામ કંપનીના બાઇક, મોપેડ અને ઇલેક્ટ્રીક સહિત 2.52 લાખની કિંમતના 315 ટુ વ્હીલરનુ વેચાણ થવા પામ્યુ હતુ. જ્યારે તમામ કંપનીની 75 કારનુ વેચાણ વધારે સામે આવ્યુ હતુ, જેમા મારૂતિ અને હ્યુંડાઇ કંપનીની કારનુ વધારે વેચાણ થયુ હતુ. તેની સાથે મહિન્દ્રા, ટાટા, ટોયોટા, ફોર્ડ, એમજી સહિતની કારનુ વેચાણ થયુ હતુ. તે ઉપરાંત થ્રી વ્હીલરમા બજાજ રીક્ષા સહિત કુલ 10 રીક્ષાનુ વેચાણ થયુ હોવાનું જાણવા મળે છે.

Back to top button