

બે વર્ષ બાદ ભગવાન જગન્નાથ, બળભદ્રજી અને બહેન સુભદ્રાજી નગરચર્યાએ નીકળ્યાં છે. સવારે 5.30 વાગ્યાની આસપાસ ત્રણેય ભગવાનને રથમાં બિરાજમાન કરવામાં આવ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભગવાન જગન્નાથ સહિત બળભદ્રજી અને બહેન સુભદ્રાનાં દર્શન કરીને સોનાની સાવરણીથી કચરો વાળીને પહિંદવિધિ કરી હતી. તેમણે ત્રણેય રથનું પ્રસ્થાન કરાવ્યું હતું. હાલ ત્રણેય રથ મંદિરેથી પ્રસ્થાન કરી ચૂક્યા છે. ભગવાન જગન્નાથની રથયાત્રા ધીરે ધીરે રૂટ પર આગળ વધી રહી છે.



ભગવાન જગન્નાથ સહિત બહેન સુભદ્રા અને બળભદ્રજીના આંખેથી રેશમી પાટા ઉતારી લેવામાં આવ્યાં હતા અને સાથે જ ભગવાનને પ્રિય ખીચડો અને કોળા-ગવારના શાકનો ભોગ ધરાવવામાં આવ્યો હતો. હાઈકોર્ટના ચીફ જસ્ટિસ અરવિંદ કુમાર જગન્નાથ મંદિર પહોંચ્યા છે. આ ઉપરાંત પૂર્વ ગૃહમંત્રી અને ધારાસભ્ય જગન્નાથ મંદિર પહોંચ્યા છે અને ભગવાન જગન્નાથ સહિત ભાઈ બળભદ્ર અને બહેન સુભદ્રાના દર્શન કર્યા છે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સવારે 3.50 વાગ્યે જગન્નાથ મંદિરે પહોંચ્યા હતા. વહેલી સવારે 3:55 વાગ્યે ભગવાનના કપાટ ખુલ્યા હતા અને ચાર વાગ્યે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ભગવાનની મંગળા આરતી કરી હતી. વહેલી સવારથી જગન્નાથ મંદિરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. રથની આસપાસ RAFના જવાનો ગોઠવવામાં આવ્યા છે.

મંગળા આરતી બાદ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ અને મહેન્દ્ર ઝા દ્વારા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને પાઘડી પહેરાવી હતી. અમિત શાહની સાથે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ મંદિરે પહોંચ્યા છે. જય રણછોડ માખણચોરના નાદ સાથે મંદિર ગુંજી ઉઠ્યું છે. મંગળા આરતી કર્યા બાદ કેન્દ્રીય ગૃહમંત્રી રવાના થયા હતા. મંદિર પરિસરમાં ભક્તોએ ગરબા કર્યા હતા. તો મોડી રાતથી ભક્તોમાં નાથની નગરચર્યાને લઈને ઉત્સાહ છે. ગુરૂવારે ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજીનો સોનાવેશ કરાયો હતો. સવારે મંત્રોચ્ચાર વિધિ સાથે ભગવાનને સોનાના અલંકારો અર્પણ કરવામાં આવ્યા હતા.

