વીજપોલ ઉભો કરતાં બે શ્રમિકોને કરંટ લાગ્યો, એકના તો પગ નીચે ભડકો થયો, ચમત્કારિક બચાવ
વડોદરા, 10 ઓગસ્ટ 2024 શહેરમાં મજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવતા બે શ્રમિકોને વીજપોલ ઉભો કરતાં કરંટ લાગ્યો હતો.બંને શ્રમિકોને સારવાર અર્થે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં બંનેની સ્થિતિ સારી હોવાનું જાણવા મળ્યું છે. બંને શ્રમિક કરંટ લાગતા પળવારમાં જમીન પર પટકાયા હતા અને અન્ય લોકો તેમને સારવાર માટે લઈ ગયા હતા. આ સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ ગઈ હતી.
વીજ કરંટ લાગતાં બંને જમીન ઉપર ઢળી પડ્યા
પ્રાપ્ત વિગતો પ્રમાણે શહેરની મકરપુરા GIDCમાં કોન્ટ્રાકટર દ્વારા વીજ થાંભલો ઊભો કરવાની કામગીરી કરવામાં આવી રહી હતી. તે દરમિયાન ક્રેન વડે લોખંડનો થાંભલો ઊભો કરવામાં આવી રહ્યો હતો. ત્યારે અચાનક નજીકથી પસાર થતાં વીજ તાર સાથે લોખંડનો થાંભલો અડી ગયો હતો. આ સમયે બે શ્રમિકોએ થાંભલો નીચેથી સપોર્ટ આપવા પકડ્યો અને વીજ કરંટ લાગતાં બંને જમીન ઉપર ઢળી પડ્યા હતા.મૂળ પંચમહાલના બંને શ્રમિકો હિંમત પગી અને સુરેશ ડામોરને કરંટ લાગ્યો હતો. બંને કર્મચારીઓને સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.આ બંનેની તબિયત સ્થિર છે અને હોસ્પટલમાંથી રજા આપવામાં આવી છે.
CCTVમાં કેદ થયેલી આ ઘટનામાં શું જોવા મળ્યું
CCTVમાં કેદ થયેલી આ ઘટનામાં જોવા મળ્યું હતું કે, એક ટ્રેક્ટરની ટ્રોલીમાં લોખંડના થાંભલા ભરેલા હતાં. આ ટ્રેક્ટર ચાલુ કરીને આગળ લઈ જવામાં આવ્યુ હતું. ટ્રોલીમાંથી ક્રેન દ્વારા થાંભલાઓ કાઢતા ટ્રોલી આગળ જતાં સરકવા લાગી હતી. આ દરમિયાન એક શ્રમિક પણ ટ્રોલીની પાછળની તરફ જાય છે અને ટ્રોલીમાંથી લોખંડનો થાંભલો સરકે છે. જેથી એક શ્રમિક દોડીને તેને પકડે છે. આ દરમિયાન ક્રેન થાંભલાને હવામાં ફેરવતી હોય છે. ત્યારે વીજ લાઈનને અડી જાય છે. જેથી પળવારમાં જ બંને શ્રમિકો થાંભલાને ચોંટી જાય છે અને તેમના પગ નીચે ભડકો થાય છે. બંને શ્રમિકો બેભાન થઈને નીચે પડી જાય છે. ત્યારે અન્ય શ્રમિકો દોડી આવે છે અને બંનેને CPR આપીને બચાવવા પ્રયાસ કરે છે.
આ પણ વાંચોઃવડોદરામાં સોસાયટીમાં ઘૂસેલા ખતરનાક મગરનું દિલધડક રેસ્ક્યૂ, જુઓ વીડિયો