કર્ણાટકમાંથી શરમજનક ઘટના સામે આવી: હમ્પીમાં વિદેશી મહિલા પર્યટક સાથે દુષ્કર્મ,ત્રણ પુરુષ પર્યટકોને નહેરમાં ફેંકી દીધા

હમ્પી, 08 માર્ચ 2025: કર્ણાટકના પ્રસિદ્ધ ટૂરિસ્ટ સ્પોટ હમ્પીમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં અજાણ્યા લોકોએ એક વિદેશી મહિલા પર્યટક સહિત 2 મહિલાઓ સાથે દુષ્કર્મ કર્યું છે. તેમની સાથે આવેલા 3 પુરુષો સાથે મારપીટ કરી તેમને પાણીમાં ફેંકી દીધા હતા. તેમાંથી એક વ્યક્તિની ભાળ હજુ મળી નથી. પોલીસના જણાવ્યા અનુસાર, ગુરુવાર રાતે 11થી 11.30ની વચ્ચે આ ઘટના ઘટી હતી. હમ્પી પાસે લોકપ્રિય સોનાપુર ઝરણાના કિનારે અજાણ્યા શખ્સોએ એક 27 વર્ષિય મહિલા ઈઝરાયલી પર્યટક અને એક હોમસ્ટેની 29 વર્ષિય મહિલા સંચાલિક સાથે દુષ્કર્મ કર્યું. ઓડિશાના રહેવાસી એક પુરુષ પર્યટક જે ગુન્હાના સમયે બંને સાથે હતા, તે પણ ગુમ છે. ગુનેગારોએ તેને તુંગભદ્રા નહેરમાં ધક્કો મારી દીધો. જ્યારે અમેરિકા અને મહારાષ્ટ્રાન બે અન્ય પુરુષ પર્યટકો ઘાયલ થઈ ગયા છે. ઘાયલોને સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.
સનાપુર તળાવ પાસેનો કેસ
આ ઘટનામાં સંડોવાયેલા આરોપીઓને શોધવા માટે ખાસ પોલીસ ટીમ કામ કરી રહી છે. સનાપુર તળાવ હમ્પીથી લગભગ 4 કિમી દૂર છે અને વિદેશી પ્રવાસીઓમાં એક મુખ્ય આકર્ષણ છે. ગંગાવતી ગ્રામીણ પોલીસ સ્ટેશનમાં બીએનએસની કલમ 309 (6) (ચોરી અથવા ખંડણી), 311 (મૃત્યુ અથવા ગંભીર ઈજા પહોંચાડવાના ઈરાદાથી લૂંટ), 64 (બળાત્કાર), 70 (1) (સામૂહિક બળાત્કાર), 109 (હત્યાનો પ્રયાસ) હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. એફઆઈઆર મુજબ, આ ઘટના ત્યારે બની જ્યારે ચાર પ્રવાસીઓ અને હોમસ્ટેની મહિલા સંચાલક સનાપુર તળાવ પાસે સંગીતનો આનંદ માણી રહ્યા હતા.
આરોપીએ પેટ્રોલ પંપનું સરનામું પૂછ્યું
આ દરમિયાન, એક બાઇક પર ત્રણ લોકો તેમની પાસે આવ્યા અને પૂછ્યું કે પેટ્રોલ પંપ કેટલે દૂર છે? જ્યારે હોમસ્ટે સંચાલકે તેમને કહ્યું કે નજીકમાં કોઈ પેટ્રોલ પંપ નથી, ત્યારે ત્રણેયે તેમની પાસેથી રોકડ રકમની માંગણી કરી. જ્યારે પાંચેય પ્રવાસીઓએ પૈસા આપવાની ના પાડી તો કન્નડ અને તેલુગુ ભાષી બદમાશોએ તેમની સાથે દુર્વ્યવહાર અને હુમલો કરવાનું શરૂ કર્યું, ત્યારબાદ તેઓએ ત્રણ પુરુષ પ્રવાસીઓને નહેરમાં ધકેલી દીધા. ફરિયાદ નોંધાવનાર એક મહિલા પીડિતાએ જણાવ્યું હતું કે જ્યારે પુરુષ પ્રવાસીઓ નહેરમાંથી બહાર નીકળવા માટે સંઘર્ષ કરી રહ્યા હતા, ત્યારે ત્રણ આરોપીઓમાંથી બેએ તેની સાથે અને ઇઝરાયેલી મહિલા પ્રવાસી પર બળાત્કાર ગુજાર્યો હતો. એક પુરુષ પ્રવાસી ગુમ છે અને તેની શોધ ચાલી રહી છે. તેમજ આરોપીઓને પકડવાના પ્રયાસો ચાલી રહ્યા છે.
મહિલાની ફરિયાદના આધારે કેસ નોંધાયો
કોપ્પલના એસપી રામ એલ અરસાદીએ જણાવ્યું હતું કે, “અમને મળેલી માહિતી મુજબ, સનાપુર નજીક 5 લોકો પર હુમલો કરવામાં આવ્યો હતો. તેમાં બે મહિલાઓ અને ત્રણ પુરુષોનો સમાવેશ થાય છે. આમાંથી 2 વિદેશી (એક અમેરિકન પુરુષ અને એક ઇઝરાયલી મહિલા) છે. મહિલાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે તે બધાને માર મારવામાં આવ્યો હતો અને મહિલાઓ પર પણ જાતીય હુમલો કરવામાં આવ્યો હતો. આરોપીઓની ઓળખ કરવામાં આવી રહી છે. ખાસ ટીમ તપાસ કરી રહી છે.
આ ઘટના ગુરુવારે રાત્રે 11-11:30 વાગ્યાની આસપાસ બની હતી. મહિલાની ફરિયાદ પર તાત્કાલિક કાર્યવાહી કરીને, એફઆઈઆર નોંધવામાં આવી છે. તેનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું છે. અંતિમ રિપોર્ટ આવ્યા પછી બળાત્કારની પુષ્ટિ થશે, પરંતુ મહિલા આ દાવો કરી રહી છે. હમણાં તેમને સરકારી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા છે, જો તેઓ ઇચ્છે તો તેમને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવશે. અમે શક્ય તેટલી વહેલી તકે આરોપીઓને પકડી લઈશું.”
આ પણ વાંચો: મહિલાઓને સાયબર ક્રાઇમથી બચાવશે આ આઠ ઉપાયો, વાંચો વિસ્તારથી