ગુજરાતટોપ ન્યૂઝમધ્ય ગુજરાત

વડોદરાના હરણી તળાવમાં બોટ પલટતા બે શિક્ષક અને 13 બાળકોના મૃત્યુ

Text To Speech

વડોદરા, 18 જાન્યુઆરી 2024, વડોદરા શહેરના હરણી ખાતે આવેલા મોટનાથ તળાવમાં મોટી દુર્ઘટના બની છે. વડોદરાની ન્યૂ સનરાઈઝ સ્કૂલના બાળકો મોટનાથ તળાવની મુલાકાતે પહોંચ્યા હતા. જ્યાં બોટિંગ દરમિયાન ક્ષમતા કરતા વધુ બાળકોને બોટમાં બેસાડી તળાવનો રાઉન્ડ મારવામાં આવી રહ્યો હતો. તે દરમિયાન અચાનક બોટ પલટી મારી જતા 23 વિદ્યાર્થી અને 4 શિક્ષકો ડૂબ્યાં હતા. આ ઘટનામાં બે શિક્ષક અને 13 બાળકોના મૃત્યુ થયા હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે અન્ય બાળકો હોસ્પિટલમાં દાખલ છે. બીજી તરફ એનડીઆરએફ સહિતની ટીમો ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને મોડી રાત સુધી શોધખોળ ચાલે તેવી શક્યતાઓ છે.

 

બાળકોના ડૂબવાની ઘટના અત્યંત હૃદયવિદારક: CM ભૂપેન્દ્ર પટેલ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વડોદરાની ગોઝારી ઘટના અંગે ટ્વિટ કરતા જણાવ્યું હતું કે, વડોદરાના હરણી તળાવમાં બોટ પલટી જતાં બાળકોના ડૂબવાની ઘટના અત્યંત હૃદયવિદારક છે. જાન ગુમાવનાર નિર્દોષ બાળકોના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરું છું. દુ:ખની આ ઘડીમાં તેમના પરિવારજનો પ્રત્યે આત્મીય સંવેદના વ્યક્ત કરું છું. પરમકૃપાળુ પરમાત્મા તેમને આ દુ:ખ સહન કરવાની શક્તિ આપે. તંત્ર દ્વારા બોટમાં સવાર વિદ્યાર્થીઓ અને શિક્ષકની બચાવ કામગીરી હાલ ચાલુ છે. દુર્ઘટનાનો ભોગ બનનારાને રાહત અને સારવાર તાકીદે મળે તે માટે તંત્રને સૂચના આપી છે.

સાત બાળકો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે
ડેપ્યુટી મેયર ચિરાગ બારોટે મીડિયાને જણાવ્યું હતુ કે, અહીંયા બાળકો બોટિંગ કરી રહ્યાં હતા તે બોટ ઊંધી વળી ગઈ છે એટલી જાણ છે પણ અન્ય બાબતની મને ખબર નથી. વડોદરાના કલેક્ટર એ.બી ગોરે મીડિયાને જણાવ્યું હતું કે, મારી જાણકારી મુજબ 23 ભુલકાઓ અને 4 શિક્ષકો હતા. તેમાંથી 11ને બચાવી લેવામાં આવ્યા છે. સાત બાળકો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને સુરક્ષિત છે.

અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા
ધારાસભ્ય કેયુર રોકડીયાએ જણાવ્યું હતું કે, આ ઘટના દુઃખદ, ખુબ જ ગોજારી કહેવાય. નાના બાળકો જે દેશનું ભવિષ્ય છે, તેની સાથે આ ઘટના બની છે. આ ઘટનામાં જે પણ નાની મોટી ચૂક હશે તેની ગંભીરતાની નોંધ લેવામાં આવશે. હાલમાં આ બાળકોને બચાવવાની પ્રથમિકતા છે. જે કોઈની ભૂલ હશે તેની સામે પગલા લેવામાં આવશે. બાળકોની સેફ્ટીને લઈ ચૂક થઈ હશે તો તે મામલે પણ તપાસ કરવામાં આવશે.વડોદરા શહેર પોલીસ કમિશનર, ઉચ્ચ અધિકારીઓ, કલેકટર, ધારાસભ્ય કેયુર રોકડીયા સહિતના અધિકારીઓ હાલ ઘટના સ્થળ પર હાજર થઈ ગયાં છે.

વિપક્ષ નેતાએ કહ્યું, બાળકોની સેફ્ટી માટે લાઈફ જેકેટ પણ નથી
વિપક્ષ નેતા ચંદ્રકાન્ત શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, આ ઘટનામાં બેદરકારી છે. નાના બાળકોને તેમના સ્કૂલના શિક્ષકો લાવ્યા હશે. કોન્ટ્રાક્ટર અને કોર્પોરેશન જવાબદાર છે. જ્યારે એક હોનારત આપણે ત્યાં થઈ હતી એના પરથી પણ ના સમજ્યા. બાળકો ઉપર સેફ્ટી માટેના લાઈફ જેકેટ પણ નથી તો જવાબદાર કોણ છે. ફક્ત ભ્રષ્ટાચાર અને રૂપિયા કમાવવાની લાલસા છે.

આનાથી ખરાબ દિવસ વડોદરા માટે નહીં: કોંગ્રેસ નેતા અમી રાવત
વિપક્ષના નેતા અમી રાવતે જણાવ્યું કે, સેફ્ટી પહેરાવી હોય તો પાણીમાં ડૂબે નહી. આ ક્રિમિનલ નેગ્લીજન્સી છે. આનાથી ખરાબ દિવસ વડોદરા માટે નહીં. માસૂમ બાળકોએ જીવ ગુમાવ્યા છે. અગાઉ પણ સુરસાગરમાં વર્ષો પહેલાં એક દુર્ઘટના ઘટી હતી. એના પરથી શીખ લઈને ચર્ચા કરીને નક્કી કરવામાં આવ્યું હતું કે, સેફ્ટીના તમામ સાધનો અહીં ઉપલબ્ધ રાખવામાં આવશે, પણ અહીં કેપેસિટી કરતા વધુ બાળકોને બેસાડ્યા હોવાના અહેવાલ છે.ઈશ્વરને એટલી પ્રાર્થના છે કે, હવે મૃત્યુઆંક વધે નહી. સાથે ચોકકસ કહેવા માગીશ કે, બાળકોની સેફ્ટી સાથે જે કોમ્પ્રોમાઈઝ થયું છે એ લોકોને માફ ન કરવા જોઈએ.

આ પણ વાંચોઃ વડોદરાની સ્કાય ડાઈવર યુવતીએ થાઈલેન્ડના આકાશમાં ‘જયશ્રી રામ’નું બેનર ફરકાવ્યું

Back to top button