બનાસકાંઠામાં કોરોનાથી બેના શંકાસ્પદ મોત
- ધાનેરાના એક દર્દીને ફેફસાની, બીજાને તાવ અસર હતી
પાલનપુર : બનાસકાંઠા જિલ્લામાં કોરોનાએ ફરી માથું ઉચક્યું હોય તેમ પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થયેલા બે વ્યક્તિઓના શુક્રવારે સાંજે સારવાર દરમિયાન મોત નિપજયા હતા. લોકોને વેક્સિનેશન કરાયા પછી જિલ્લામાં કોરોના ના કારણે મોતની આ પ્રથમ ઘટના છે. ત્યારે લોકોએ સાવધાની રાખવાની જરૂર છે.
કોરોનાથી સાવધાની રાખવા માટે તંત્ર દ્વારા વારંવાર અપીલ કરવામાં આવી રહી છે. જોકે ડર રાખવાના બદલે સચેત રહેવાની જરૂર છે. ત્યારે બનાસકાંઠા જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા પણ રોજેરોજ સેમ્પલ લેવામાં આવી રહ્યા છે. જેમાં શુક્રવારે સાંજે કોરોનાના કારણે ધાનેરા અને થરાદના બે દર્દીઓના પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન શંકાસ્પદ મોત થયાની ઘટના સામે આવી છે.
જેમાં ધાનેરા તાલુકાના અનાપુર છોટા ગામના મેઘવાળવાસમાં રહેતા 25 વર્ષના યુવકને છેલ્લા બે વર્ષથી ફેફસા અને શ્વાસની તકલીફ હતી. અને તેને ક્ષયની સારવાર અમદાવાદ સિવિલ તેમજ ખાનગી હોસ્પિટલમાં સારવાર કરાવી હતી પરંતુ ગત તારીખ તારીખ 17 જાન્યુ.’23 ના રોજ યુવક આ યુવકને છાતીમાં દુ:ખાવો શરૂ થયો હતો. જેથી તેને પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો. જેનું બે દિવસની સારવાર બાદ શુક્રવારે મોત નિપજ્યુ હતું. જ્યારે થરાદ તાલુકા તાખુવા ગામમાં એક ખેડૂતના ત્યાં રાજસ્થાનના ખેડૂત ભાગીયા તરીકે કામ કરતા હતા. જેમનો પુત્ર રાજસ્થાન થી તાખુવા ખાતે આવ્યો હતો. જેને તાવ આવતા થરાદની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયો હતો. બાદમાં તે રાજસ્થાન પરત જતો રહ્યો હતો. પરંતુ ફરીથી આ યુવકને તકલીફ થતા તારીખ 9 જાન્યુઆરી 23 ના રોજ પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયો હતો. જેનો આરટીપીસીઆર ટેસ્ટ કરાતા તેનો રીપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેનું પણ શુક્રવારે સાંજે સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. આમ એક જ દિવસે કોરોનાના કારણે બે વ્યક્તિઓના મોત થયા હતા. જેને લઈને લોકોમાં ચિંતાનો માહોલ છે.પરંતુ લોકોએ કોરોનાની ગાઈડ લાઈન મુજબ વર્તવાની અને સાવધાની રાખવાની જરૂર છે.
વધુ બે દર્દી પોઝિટિવ
આરોગ્ય વિભાગના સૂત્રોએ જણાવ્યું છે કે, બનાસકાંઠા જિલ્લામાં શનિવારના રોજ આરટીપીસીઆરના 966 એન્ટીજન ના 589 મળીને કુલ 1555 જેટલા સેમ્પલ લેવામાં આવ્યા છે. જેમાં ધાનેરા અને લાખણીના એક એક વ્યક્તિના ટેસ્ટ કોરોના પોઝિટિવ આવ્યા છે.