ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

દિલ્હીમાં બે માળની નિર્માણાધીન બિલ્ડિંગ ધરાશાયી, કાટમાળ નીચે દબાઈને 2ના મૃત્યુ-1 ઘાયલ

  • આ મામલે યોગ્ય કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે: ઉત્તર પૂર્વ દિલ્હીના DSP

નવી દિલ્હી, 21 માર્ચ: દેશની રાજધાની દિલ્હીમાં એક મોટી દુર્ઘટના બની છે. દિલ્હીના કબીર નગરના વેલકમ વિસ્તારમાં બે માળની જૂની નિર્માણાધીન બિલ્ડિંગ ધરાશાયી થઈ ગઈ હતી. આ ઘટના રાત્રે લગભગ 2.16 વાગ્યાની આસપાસ બની હતી. આ ઘટનામાં કાટમાળ નીચે દટાઈને બે મજૂરોના મૃત્યુ થયા છે.આ  મૃતકોની ઓળખ અરશદ અને તૌહીદ તરીકે થઈ છે. જ્યારે અન્ય એક મજૂર રેહાનાની હાલત નાજુક છે. જેની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. ઉત્તર પૂર્વ દિલ્હીના DSP જોય તિર્કીએ કહ્યું કે, “આ મામલે યોગ્ય કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. વધુ તપાસ ચાલુ છે.” ફાયર બ્રિગેડના સ્ટેશન ઓફિસર અનુપનું કહેવું છે કે, બિલ્ડીંગ ધરાશાયી થવાની માહિતી મળતા જ અમારી ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ઘટનાસ્થળે ત્રણ મજૂરો કાટમાળ નીચે દટાયા હતા.

 

કોલકાતામાં પણ બિલ્ડિંગ ધરાશાયી થઈ

ઉલ્લેખનીય છે કે, આ પહેલા પશ્ચિમ બંગાળના કોલકાતાના દક્ષિણ વિસ્તારમાં 5 માળની એક નિર્માણાધીન બિલ્ડિંગ ધરાશાયી થઈ હતી. હકીકતમાં, આ અકસ્માત દક્ષિણ કોલકાતાના મેટિયાબ્રુઝ વિસ્તારમાં જોવા મળ્યો હતો. આ અકસ્માતમાં 4 લોકોના મૃત્યુ થયા હતા. આ અકસ્માતમાં 15 લોકોનો આબાદ બચાવ થયો હતો. આ અકસ્માત રવિવારે મોડી રાત્રે જોવા મળ્યો હતો. અધિકારીઓએ જણાવ્યું હતું કે, ગાર્ડન રીચ વિસ્તારમાં હજારી મોલ્લા બાગાનમાં પાંચ માળની બિલ્ડિંગ મધ્યરાત્રિના આસપાસ ધરાશાયી થઈ હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે, કાટમાળ નીચે દટાયેલા લોકોને બચાવવા માટે બચાવ અભિયાન ચાલી રહ્યું છે.

શુભેન્દુ અધિકારીએ શું કહ્યું?

આ અકસ્માત અંગે એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, ઘટનાસ્થળે એમ્બ્યુલન્સ તૈનાત છે અને કેટલાક લોકોને બચાવી લેવામાં આવ્યા છે. દરમિયાન, પશ્ચિમ બંગાળ વિધાનસભામાં વિપક્ષના નેતા શુભેન્દુ અધિકારીએ કહ્યું કે, હું પશ્ચિમ બંગાળના મુખ્ય સચિવ, ગૃહ વિભાગ અને કોલકાતાના કમિશનરને તાત્કાલિક સ્થળાંતર અને રાહત માટે પશ્ચિમ બંગાળ રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન ટીમને સામેલ કરવા વિનંતી કરું છું. મને સંભવિત જાનહાનિ વિશે ગભરાટભર્યા કોલ મળી રહ્યા છે. કૃપા કરીને કોઈપણ ટીમ મોકલો જે પીડિતોને બચાવવામાં મદદ કરી શકે, પછી તે અગ્નિશામક હોય, પોલીસ હોય કે અન્ય કોઈ ટીમ હોય.’ શુભેન્દુ અધિકારીએ બિલ્ડિંગ ધરાશાયી થવાના સ્થળની તસવીરો પણ શેર કરી છે.

આ પણ જુઓ: EDને કહો કે મારી ધરપકડ ન કરે: કેજરીવાલે ફરી HCનો દરવાજો ખખડાવ્યો

Back to top button