ગુજરાતદક્ષિણ ગુજરાત

ગુજરાત પોલીસના જાસૂસીકાંડમાં સંડોવાયેલા બે પોલીસકર્મીઓ સસ્પેન્ડ, જાણો કઈ રીતે બુટલેગરોને કરતા મદદ

Text To Speech

ગુજરાતમાં દારૂ જુગારની પ્રવૃતિ સામે છેલ્લા કેટલાક સમયથી અસરકારક ઝુંબેશ શરૂ કરી બુટલેગરો સાથે ભ્રષ્ટ પોલીસ કમર્ચારીઓ અધિકારીઓની પણ ઉંઘ હરામ કરી દેનાર સ્ટેટ મોનીટરીંગ સેલના વડા નિર્લિપ્ત રાય સહિતના 15 જેટલા પોલીસ અધિકારીઓની પોલીસ દ્વારા જ જાસૂસી થતી હોવાનો ઘટસ્ફોટ થતા પોલીસ બેડામાં ભારે ખળભળાટ મચી જવા પામેલ છે. આ મામલાને રાજ્યના ગૃહ વિભાગે ગંભીરતાથી લઈ ખાતાકીય તપાસના આદેશ આપવામાં આવ્યા છે અને ભરૂચના બે પોલીસ કોન્સ્ટેબલને તાકીદની અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે અને બન્ને સામે ગુનો પણ દાખલ કરવામાં આવી રહ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.

600 જેટલા લોકેશન બુટલેગરોને શેર કરી દીધાનું બહાર આવ્યું

ટોચના સુત્રોના કહેવા મુજબ સ્ટેટ મોનીટરીંગ સેલના અધિકારીઓ કોઈ સ્થળે દરોડા પાડવા જાય તે પહેલા તેના અધિકારીઓના લોકેશન બુટલેગરો સુધી પહોંચી ગયા હતાં. કુલ 15 જેટલા ઉચ્ચ પોલીસ અધિકારીની જાસુસી થયાનું બહાર આવ્યું છે. આ અંગે શંકાના આધારે છેલ્લા ત્રણેક માસથી ખાતાકીય આંતરીક તપાસ ચાલી રહી હતી અને તેમાં ત્રણ માસમાં જ અમુક સ્થાનિક પોલીસ કર્મચારીઓએ સ્ટેટ મોનીટરીંગ સેલના અધિકારીઓના 600 જેટલા લોકેશન બુટલેગરોને શેર કરી દીધાનું બહાર આવ્યું હતું.

ક્યાં કર્મચારીઓને કરાયા સસ્પેન્ડ ?

આ અંગે સ્ટેટ મોનીટરીંગ સેલના વડા ડો.નિર્લિપ્ત રાયનો સંપર્ક કરતાં તેમણે આ વાતને સમર્થન આપ્યું હતું અને જણાવ્યું હતું કે, આ મામલો અમારા ધ્યાને આવતાં અમારા તરફથી પણ તપાસ થઈ રહે છે અને ડિપાર્ટમેન્ટ દ્વારા પણ સમાંતર તપાસ ચાલી રહી છે. આ જાસુસીકાંડમાં ભરૂચ ટેકનીકલ સર્વેલન્સ સ્કવોડના કર્મચારીઓ મયુર ખુમાણ અને અશોક સોલંકીને સસ્પેન્ડ કરાયા હોવાનું જાણવા મળે છે. બન્નેએ ગુજરાત પોલીસના 15 જેટલા ઉચ્ચ અધિકારીના લોકેશન બુટલેગરને શેર કરી દેતા હોવાનું ખુલ્યું છે. આગામી દિવસોમાં તપાસ દરમ્યાન મોટા ધડાકા ભડાકા થવાની શકયતા દર્શાવાઈ રહી છે અને પોલીસનું મોટુ જાસૂસીકાંડ બહાર આવવાની શકયતા જાણકારો દર્શાવી રહ્યાં છે.

Back to top button