વડોદરામાં ઈ-સિગારેટ વેચતા બે લોકોની અટકાયત, વિવિધ ફ્લેવરવાળી ઈ-સિગારેટનો જથ્થો મળી આવ્યો
વડોદરાઃ વડોદરાના યુનાઇટેડ વેના ગરબા ગ્રાઉન્ડમાં ગરબા રમતા રમતા પ્રતિબંધિત ઇ-સિગારેટનો કસ મારી ધૂમાડા કાઢતી એક યુવતીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જે બાદ આજે વકીલો દ્વારા યુવતી સામે કાર્યવાહી કરવાની માંગણી પણ પોલીસ કમિશનર પાસે કરવામાં આવી હતી. જે બાદ એક્શનમાં આવેલી પોલીસની PCB શાખાએ શહેરના અલકાપુરી વિસ્તારમાં ઈ-સિગારેટ વેચતા બે પાન પાર્લરના માલિકોની અટકાયત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
91 હજારની અનેક ફ્લેવરવાળી ઈ-સિગારેટ મળી
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, PCBની ટીમે શહેરના અલકાપુરી વિસ્તાર સ્થિત વિન્ડસર પ્લાઝામાં આવેલા પારસ પાન પાર્લર અને અમર પાન પાર્લર પર દરોડા પાડ્યાં હતા. આ દરોડાની કાર્યવાહી દરમિયાન PCBની ટીમને બન્ને પાન પાર્લરમાંથી 91 હજારથી વધુ રૂપિયાની અલગ-અલગ કંપનીની વિવિધ ફ્લેવરવાળી ઇ-સિગારેટ મળી આવી હતી.
બેની અટકાયત
પ્રતિબંધિત ઇ સિગારેટ મોટી માત્રામાં મળી આવતા પીસીબીની ટીમોએ પારસ પાન પાર્લરના માલિક જીતુભાઇ શ્યામભાઈ ખેરાજમલાણી તથા અમર પાન પાર્લરના માલિક દેવાનંદ રમેશભાઈ કોટવાણીની અટકાયત કરી હતી. હાલ તો બંને સામે પ્રોહીબિશન ઓફ ઇલેક્ટ્રોનિક સિગારેટ એકટ – 2019 ની કલમ – 7, 8 મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ચાલુ ગરબે ઈ-સિગારેટ પીતી યુવતીનો વીડિયો વાયરલ થયો હતો
હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઇ રહેલા આ વીડિયોએ વડોદરા શહેર સહીત સમગ્ર રાજ્યમાં ચર્ચા જગાવી છે. માતાજીની ભક્તિ અને શ્રદ્ધા સાથે જોડાયેલા નવરાત્રિના પવિત્ર પર્વમાં માતાજીના ચાચરચોકમાં ઈ-સિગારેટના ધુમાડા કાઢતી યુવતીના વીડિયોએ વડોદરા શહેરના નાગરિકોની ધાર્મિક ભાવનાને પણ ચર્ચાની એરણે મૂકી દીધી છે. તેમજ ગરબાને બદનામ કરવાનું કાવતરું હોવાની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.