અમદાવાદમાં બે લોકોએ બચત મંડળીઓના નામે રૂ.7 કરોડની છેતરપિંડી કરી
- બન્ને શખ્સોએ વોટ્સએપ પર બે ક્લિપ મોકલીને ધમકી આપી
- બહેરામપુરામાં બે શખ્સોએ બચત મંડળીઓમાં 7 કરોડનું રોકાણ કરાવ્યું
- બાજીદખાન અને અકબરખાન વિરૂદ્ધમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી
અમદાવાદમાં બે લોકોએ બચત મંડળીઓના નામે રૂ.7 કરોડની છેતરપિંડી કરી છે. જેમાં બે શખ્સોએ સાત વ્યક્તિને મંડળીઓમાં રોકાણ કરાવ્યું હતુ. બન્ને શખ્સોએ વોટ્સએપ પર બે ક્લિપ મોકલીને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી. જેમાં રોકાણકારોને રૂપિયાની જરૂરીયાત હોવાથી બચતની રકમ પરત માંગતા ધમકીઓ આપી હતી.
બહેરામપુરામાં બે શખ્સોએ બચત મંડળીઓમાં 7 કરોડનું રોકાણ કરાવ્યું
બહેરામપુરામાં બે શખ્સોએ સાત વ્યકિત પાસે અલગ અલગ બચત મંડળીઓમાં 7 કરોડનું રોકાણ કરાવી ઠગાઈ આચર્યાની ફરિયાદ નોંધાઈ છે. રોકાણકારોને રૂપિયાની જરૂરીયાત હોવાથી બચતની રકમ પરત માંગતા બન્ને શખ્સોએ ગલ્લા તલ્લા કરીને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકીઓ આપી હતી. ઉસ્માનપુરામાં રહેતા અલ્પાબેન રાજેશભાઇ પટેલ અને પરિવારના સભ્યોને તેમના ભાઇ ધર્મેશે કહ્યુ કે, તેમના પરિચત બાજીદખાન મુસાભાઇ પઠાણ બહેરામપુરા ખાતે રહે છે અને તેઓ બચત મંડળીઓનું કામકાજ કરે છે. જેથી અલ્પાબેન સહિત અન્ય વ્યકિતઓ બાજીદખાને મળ્યા ત્યારે તેણે બચત મંડળીમાં 20 સભ્યોનું ગ્રૂપ છે અને અલગ અલગ મંડળીઓ ચલાવે છે. જે સભ્યને ડ્રો લાગે તેણે બચત મંડળના સભ્યોના તે મહિનાના રૂપિયા મળશે અને જો ન લાગે તો અંતે તમામ રકમ પરત મળશે. આથી અલ્પાબેને 97.50 લાખ, તેમના ભાઇ ધર્મેશ 1.04 કરોડ, પ્રેમ 1 કરોડ, દર્શનાબેન 1.04 કરોડ, અશોક કાકાણી 1.04 કરોડ, કૃણાલ મહેતા 1.04 કરોડ, યજ્ઞ 1 કરોડ અને નરેશ જવરે 6.50 લાખ મળીને અલગ અલગ બચત મંડળીમાં જાન્યુઆરી 2024માં રોકાણ કર્યુ હતુ.
બાજીદખાન અને અકબરખાન વિરૂદ્ધમાં 7 કરોડ રૂપિયાની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી
થોડા મહિનાઓ પહેલા અલ્પાબેનના ભાઇ સામે નારોલ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાતા તે હાલમાં જેલમાં છે અને રૂપિયાની જરૂરિયાત હોવાથી અલ્પાબેન, ધર્મેશના પત્ની દર્શનાબેન સહિતના બચતના રૂપિયા બાજીદખાન અને તેના ભાગીદાર અકબરખાન પઠાણે રૂપિયા આપવા મામલે ગલ્લા તલ્લા કરી રહ્યા હતા. આ ઉપરાંત, બન્ને શખ્સોએ વોટ્સએપ પર બે ક્લિપ મોકલીને ધમકી આપી કે, વ્યાજના રૂપિયાની ઉઘરાણી કરી ત્રાસ આપતા હોવાથી આપઘાત કરી લેશે અને ખોટા કેસમાં ફસાવી દઇશુ. આ અંગે અલ્પાબેને ક્રાઇમ બ્રાન્ચમાં બાજીદખાન અને અકબરખાન વિરૂદ્ધમાં 7 કરોડ રૂપિયાની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.