જુનાગઢ મનપા ચૂંટણી પહેલાં કોંગ્રેસના બે સત્તાવાર ઉમેદવારોએ કેસરિયો ધારણ કરી લીધો


- 18 ફેબ્રુઆરીના રોજ મતગણતરી યોજવામાં આવશે
- મહેશ ગરાણિયા અને ક્રિષ્નાબેન વાઢેર ભાજપમાં જોડાયા
- વોર્ડ નંબર 3, 14 અને 8માં પણ ભાજપની બિનહરીફ જીત નોંધાઈ
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને તમામ પાર્ટીએ તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે. ત્યારે જુનાગઢમાંથી મોટા સમાચારે સામે આવી રહ્યાં છે. જુનાગઢ મનપા ચૂંટણી પહેલાં વોર્ડ નંબર 13ના કોંગ્રેસના બે સત્તાવાર ઉમેદવારોએ કોંગ્રેસ સાથે છેડો ફાડી કેસરિયો ધારણ કરી લીધો છે.
મહેશ ગરાણિયા અને ક્રિષ્નાબેન વાઢેર ભાજપમાં જોડાયા
કોંગ્રેસના ઉમેદવાર મહેશ ગરાણિયા અને ક્રિષ્નાબેન વાઢેર ભાજપમાં જોડાઈ ગયાં છે. નોંધનીય છે કે, આ અગાઉ વોર્ડ નંબર 3, 14 અને 8માં પણ ભાજપની બિનહરીફ જીત નોંધાઈ ચુકી છે. જુનાગઢમાં કોંગ્રેસના 60 ઉમેદવારોમાંથી મતદાન પહેલાં જ ભાજપના વોર્ડ નંબર 3, વોર્ડ નંબર 14 અને વોર્ડ નંબર 8ના કોંગ્રેસના ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચી લેતાં ભાજપની બિનહરીફ જીત થઈ છે.
18 ફેબ્રુઆરીના રોજ મતગણતરી યોજવામાં આવશે
વોર્ડ નં.12ના કોંગ્રેસના ઉમેદવારે ફોર્મ પરત ખેંચી લીધુ છે પરંતુ ત્યાં અન્ય ઉમેદવાર હોવાથી બેઠક બિનહરીફ નથી થઈ. ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગ કમિશનર ડો. એસ. મુરલી ક્રિષ્નાએ પ્રેસ કોન્ફરન્સ કરીને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તારીખો જાહેર કરી છે. જે અનુસાર, 16 ફેબ્રુઆરીના રોજ મતદાન થશે. જ્યારે 18 ફેબ્રુઆરીના રોજ મતગણતરી યોજવામાં આવશે.