ગુજરાતબિઝનેસ

રાજકોટમાં ઠગાઈના બે નવા કિમીયા : કેરી અને તેલના ડબ્બા ખરીદી રૂપિયા ન આપ્યા

Text To Speech
રાજકોટ શહેરમાં ઠગાઈ આચારવાના બે નવા કિમીયા સામે આવ્યા છે. જેમાં બે વેપારી પાસેથી માલ મંગાવી રૂપિયા નહીં ચુકવી છેતરપીંડી આચરવામાં આવી હતી. આ અંગે પોલીસ ફરિયાદ નોંધવાઈ છે.
અભ્યાસ કરતા યુવકે કેરીનો ધંધો શરૂ કર્યો, ઓનલાઈન જાહેરાત આપી
મળતી માહિતી મુજબ, રાજકોટમાં કાલાવડ રોડ, વૃંદાવન સોસાયટીમાં ભાડેથી રહેતા અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા મુળ ગીર સોમનાથના મોરાજ ગામના કિશોર દાનાભાઇ પરમાર નામના યુવાને કેરીની સિઝનમાં કેરીનું વેચાણ કરતો હોય કેરી અંગેની સોશિયલ મીડિયામાં જાહેરાત પોસ્ટ કરી હતી. જે પોસ્ટ જોઈ એપ્રિલ મહિનામાં રમેશ ભંડેરીનો ફોન આવ્યો હતો અને તેને 500 બોક્સ કેરી ખરીદ કરવાની વાત કરી હતી.
કિશોરે એડવાન્સ એક લાખ આપવાનું કહેતા રમેશે 50 હજારનું કહ્યું
જેથી આટલા બધા બોક્સ નહિ હોવાનું અને પોતાની પાસે 200 બોક્સ કેરીની વ્યવસ્થા થઇ શકે તેમ હોવાની વાત કરી હતી. તે પેટે એડવાન્સમાં એક લાખ દેવાની વાત કરી હતી. જેથી રમેશ ભંડેરીએ આટલા બધા રૂપિયા હાલ નહિ હોવાનું અને તેની પાસે 50 હજાર હોવાની વાત કરી હતી. ત્યાર બાદ પોતાને દોઢસો ફૂટ રિંગ રોડ પર એડવાન્સ પેમેન્ટ લઇ જવાની વાત કરતા પોતે ત્યાં પહોંચ્યો હતો. આ સમયે તેને 50ને બદલે રૂ.30 હજાર આપી બાકીના રૂ.2.90 લાખ કેરીના બોક્સ મળી જાય પછી આપવાની વાત કરી હતી.
બોક્સ ગોડાઉનમાં ઉતાર્યા બાદ પેમેન્ટ માટે ચેકચાક વાળો ચેક આપ્યો
બાદમાં રમેશ ભંડેરીએ કેરીના બોક્સ નવાગામમાં આવેલા ગોડાઉનમાં ઉતારવાનું કહ્યું હતું. કેરીના બોક્સ ઉતારી દીધા બાદ રૂપિયાની માગણી કરતા તેને ચેક આપ્યો હતો. જે ચેક બીજા દિવસે બેંકમાં વટાવવા માટે નાંખતા ચેકમાં છેકછાક હોવાનું બેંક કર્મચારીએ કહી ચેક સ્વીકાર્યો ન હતો. જેથી રમેશ ભંડેરીને ચેક મુદ્દે વાત કરવા મોબાઇલ કરતા તેને ફોન રિસીવ કર્યો ન હતો. ત્યાર બાદ રમેશ ભંડેરીએ તેનો મોબાઇલ સ્વિચ ઓફ કરી દીધો હતો. આમ પોતાની સાથે રમેશ ભંડેરીએ રૂ.2.90 લાખની છેતરપિંડી કરી હોય માલવિયાનગર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
ટંકારાના ઓઈલમિલરને ફોન કરી 36 ડબ્બા સીંગતેલ મંગાવ્યું
બીજા બનાવમાં રાજકોટમાં રહેતા અને ટંકારાના હરીપર ગામે ઓઈલમિલ ધરાવતા કારખાનેદારને રાજકોટથી સંજય પટેલ નામના શખ્સે ફોન કરી 36 ડબ્બા સીંગતેલ મંગાવ્યું હતું. જેથી ઓઈલમિલર ચંદ્રકાન્તભાઈએ તેઓ પાસેથી સરનામું લેતા આ ડબ્બા મોરબી રોડ ઉપર આવેલ મારૂતિના સર્વિસ સ્ટેશન પાસેની સોસાયટીમાં મોકલવા જણાવ્યું હતું.
ઓઈલમિલરે પોતાના ભાઈને ફોન કરી ચેક લેવા જણાવ્યું
આ ઓર્ડર અંગે ચંદ્રકાન્તભાઈએ રાજકોટ શહેરમાં પોતાના ભાઈ રોહિતને જાણ કરી હતી અને તેને કહ્યું હતું કે તે માણસ સાથે ડબ્બા મોકલે છે. તે તેની સાથે જઈ ડિલેવરી કરી પેમેન્ટ લઈ આવે. જેથી રોહિતે પણ તેઓને ઓર્ડર પહોંચાડી દેશે તેવું કહ્યું અને પછી માણસને ફોન કરી ઓર્ડર મોકલવાના સરનામે રાહ જોવા કહ્યું હતું.
ઓર્ડર આપનારે 34 ડબ્બા છકડોમાં મુકાવી બે અન્ય રીક્ષામાં રાખી ઘરે આવવા કહ્યું
ચંદ્રકાન્તભાઈનો માણસ તેલના ડબ્બા લઈ ઓર્ડર વાળા સરનામે પહોંચી ગયા બાદ તેણે રોહિતભાઈને ફોન કરી બોલાવતા તેઓ ત્યાં ગયા હતા તે સમયે ઓર્ડર આપનાર પણ ત્યાં હાજર હતા અને તેણે પોતાનું નામ સંજય પટેલ જણાવ્યું હતું. બાદમાં સંજયે 34 ડબ્બા તેલ પોતે કરી આવેલા છકડો રીક્ષામાં નંખાવી બે ડબ્બા એક અન્ય રિક્ષામાં રાખી તે પોતાના ઘરે લઈ જવાના છે તેમ કહીં બંને રીક્ષા રવાના કરી હતી તેમજ રોહિતભાઈ અને તેના માણસને ઘરે આવી પેમેન્ટ લઈ જવા કહ્યું હતું.
સોસાયટીના ગેટ પાસે રીક્ષા રખાવી પોતે બીજા ગેટેથી આવશે તેવું કહ્યું
સંજય પટેલ પોતાની કારમાં ત્યાં આવ્યો હતો જેથી તે કાર લઈ આગળ નીકળ્યો હતો અને રોહિતભાઈ તેમજ તેમનો માણસ રીક્ષામાં પાછળ આવતા હતા. દરમ્યાન આ રીક્ષા એક સોસાયટીના ગેટ પાસે રોકાવી તેઓને અંદર જવા અને પોતે બીજા ગેટેથી આવતો હોવાનું કહી ત્યાંથી નીકળી ગયો હતો.
15 મિનિટ સુધી નહીં આવતા ફોન કર્યો પણ આવું છું કહી સ્વીચ ઓફ કરી નાંખ્યો
રોહિતભાઈ અને તેનો માણસ રીક્ષા સાથે 15 મિનિટ સુધી સોસાયટીની અંદર ઉભા રહ્યા પછી તેઓએ સંજય પટેલને કોલ કરતા તેણે કહ્યું કે હું આવું જ છું પરંતુ તે વાતને પણ બીજી 15 મિનિટ થઈ જતા ફરી કોલ કર્યો હતો જો કે ત્યારબાદ ફોન સ્વીચ ઓફ આવવા લાગતા રોહિતભાઈને પોતાની સાથે છેતરપીંડી થઈ હોવાનું જણાતા ફરિયાદ નોંધાવી હતી.
Back to top button