સોનાલી ફોગાટના મોત મામલે ક્લબના માલિક સહિત વધુ બેની ધરપકડ
ગોવા પોલીસે અભિનેત્રી અને બીજેપી નેતા સોનાલી ફોગાટના મૃત્યુના સંબંધમાં અન્ય બેની ધરપકડ કરી છે. શનિવારે પોલીસે કર્લી ક્લબના માલિક અને ડ્રગ પેડલરની ધરપકડ કરી હતી. સાથે જ પોલીસને ક્લબના બાથરૂમમાંથી ડ્રગ્સ પણ મળી આવ્યું હતું. પોલીસે આ કેસમાં અત્યાર સુધીમાં ચાર લોકોની ધરપકડ કરી છે.
કોંગ્રેસ નેતાએ CBI તપાસની માંગ કરી
પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, આ કેસમાં પૂછપરછના આધારે, સોનાલીના પીએ સુધીર સાંગવાન અને સુખવિંદર સિંહની શુક્રવારે ધરપકડ કરવામાં આવી હતી. તે જ સમયે, બંનેની પૂછપરછ કર્યા પછી, પોલીસે શનિવારે સુખવિંદરને ડ્રગ્સ સપ્લાય કરનાર ડ્રગ પેડલરની ધરપકડ કરી. સુધીર સાંગવાન અને સુખવિંદર 22 ઓગસ્ટે સોનાલી સાથે ગોવા પહોંચ્યા હતા. આ દરમિયાન કોંગ્રેસ પાર્ટીએ પોલીસ પર મોટો આરોપ લગાવ્યો છે. ગોવામાં વિપક્ષના નેતા માઈકલ લોબોએ કહ્યું કે, પોલીસ આ મામલાને ઢાંકવાનો પ્રયાસ કરી રહી છે. આવી સ્થિતિમાં સોનાલી ફોગાટની કથિત હત્યાની તપાસ સેન્ટ્રલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (CBI) દ્વારા થવી જોઈએ.હકીકતમાં, સોનાલી ફોગાટનું મંગળવારે ગોવામાં રહસ્યમય સંજોગોમાં મૃત્યુ થયું હતું.
પહેલા હાર્ટ એટેકની વાત આવી
સોનાલી ફોગાટના મૃત્યુ પછી ખબર પડી કે તેનું મૃત્યુ હાર્ટ એટેકથી થયું હતું, પરંતુ બાદમાં કથિત હત્યાનો મામલો સામે આવ્યો હતો. કોંગ્રેસના નેતા માઈકલ લોબોએ કહ્યું કે, મામલાની દરેક એંગલથી તપાસ કરવાની જરૂર છે. ખરેખર, સોનાલી ફોગાટના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં સામે આવ્યું છે કે શરીર પર ઈજાના ઘણા નિશાન જોવા મળ્યા હતા.