ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

બિલ્કિસ બાનો કેસમાં વધુ બે દોષિતોએ સુપ્રીમ કોર્ટના ખખડાવ્યા દરવાજા

  • 11માંથી 3 આરોપીએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી સરેન્ડર કરવા માટે સમય માંગ્યો

નવી દિલ્હી, 18 જાન્યુઆરી: બિલ્કિસ બાનો કેસના 11 શકમંદોમાંથી 3 દોષિત ગોવિંદભાઈ નાઈ, રમેશ રૂપાભાઈ ચાંદના અને મિતેશ ચીમનલાલ ભટે કોર્ટ પાસે સરેન્ડર કરવા માટે સમય માંગ્યો છે. આરોપી ગોવિંદભાઈ નાઈ દ્વારા બુધવારે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી જ્યારે અન્ય બે આરોપીઓ દ્વારા આજે એટલે કે ગુરુવારે અરજી કરવામાં આવી છે. આ બે આરોપીઓમાંથી એક દોષિતે 6 અઠવાડિયા અને બીજાએ 4 અઠવાડિયાની મહેતલ આપવા માગણી કરી છે. ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટ પણ દોષિતોની સુનાવણી કરવા માટે રાજી થઈ ગઈ છે. આ કેસની સુનાવણી આવતીકાલે 19 જાન્યુઆરીએ થશે. આ અંતર્ગત હવે ગુનેગારોએ 21 જાન્યુઆરી સુધીમાં આત્મસમર્પણ કરવું પડશે.

ઉલ્લેખનીય છે કે, આ પહેલા 8 જાન્યુઆરીના રોજ સુપ્રીમ કોર્ટે આ કેસમાં 11 દોષિતોને માફી આપવાના રાજ્ય સરકારના નિર્ણયને રદ્દ કરી દીધો હતો અને દોષિતોને બે સપ્તાહની અંદર જેલમાં મોકલવાનો નિર્દેશ આપ્યો હતો.

સુપ્રીમ કોર્ટ દોષિતોને સાંભળવા તૈયાર થઈ ગઈ

ઉલ્લેખનીય છે કે, 2002ના રમખાણો દરમિયાન બિલ્કિસ બાનો પર ગેંગરેપ થયો હતો અને તેના પરિવારના સાત સભ્યોની પણ હત્યા કરવામાં આવી હતી. આ જ કેસમાં રાજ્ય સરકારે 11 દોષિતોની સજામાં ઘટાડો કર્યો હતો, જેને સુપ્રીમ કોર્ટે ફગાવીને નવો આદેશ જારી કર્યો હતો. જસ્ટિસ બી.વી. નાગરત્ના  અને ઉજ્જવલ ભુયાનની બેન્ચે જણાવ્યું હતું કે, ગુજરાત સરકારનો સજા માફી આપતો આદેશ યોગ્ય વિચારણા કર્યા વિના પસાર કરવામાં આવ્યો હતો અને પૂછવામાં આવ્યું હતું કે, શું “મહિલાઓ સામેના જઘન્ય અપરાધોના કેસોમાં સજાની માફી માન્ય છે”, પછી ભલે તે મહિલા કોઈપણ ધર્મ અથવા સંપ્રદાયનું પાલન કરતી હોય.

મારી પોતાની તબિયત પણ સારી નથી : ગોવિંદભાઈ નાઈ

ગોવિંદભાઈ નાઈએ સુપ્રીમ કોર્ટમાં દાખલ કરેલી અરજીમાં જણાવ્યું કે, મારા પિતા 88 વર્ષના છે અને તેઓ બીમાર પણ છે. તેની હાલત એવી છે કે તે પથારીમાંથી ઉઠી પણ શકતા નથી અને કોઈપણ કામ માટે મારા પર નિર્ભર છે. આવી સ્થિતિમાં, હું એકલો જ મારા પિતાની સંભાળ રાખું શકું તેમ છું. આ ઉપરાંત હું પોતે પણ વૃદ્ધ થઈ ગયો છું. હું અસ્થમાથી પીડિત છું. તાજેતરમાં મારું પણ ઓપરેશન થયું છે અને એન્જિયોગ્રાફી પણ કરાવવી પડી છે. મારે પાઇલ્સની સારવાર માટે બીજું ઓપરેશન કરાવવું પડશે. મારી માતા 75 વર્ષની છે અને તેમની તબિયત પણ નબળી છે.” વધુમાં જણાવ્યું કે, તે બે બાળકોનો પિતા પણ છે. જેઓ તેમની આર્થિક અને અન્ય જરૂરિયાતો માટે સંપૂર્ણપણે તેમના પર નિર્ભર છે. નાઈએ પોતાની અરજીમાં કહ્યું છે કે, “મુક્તિના સમયગાળા દરમિયાન, મેં કોઈ કાયદાનું ઉલ્લંઘન કર્યું નથી અને છૂટ્ટના આદેશની શરતોનું સંપૂર્ણપણે પાલન કર્યું છે.” સાથે જ રમેશ રૂપાભાઈ ચંદનાએ તેમના પુત્રના લગ્નને ટાંકીને તો  મિતેશ ચીમનલાલ ભટે લણણીની સિઝન ટાંકીને આત્મસમર્પણ માટે વધુ 6 સપ્તાહનો સમય આપવાની માંગણી કરી છે.

ગુજરાતમાં રમખાણો દરમિયાન દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું

ઉલ્લેખનીય છે કે, ઘટના સમયે બિલ્કિસ બાનો 21 વર્ષની હતી. તે દરમિયાન બિલ્કિસ પણ 5 મહિનાની ગર્ભવતી હતી. પરંતુ ગોધરા ટ્રેન આગની ઘટના બાદ ગુજરાતમાં તોફાનો ફાટી નીકળ્યા હતા. આ દરમિયાન બિલ્કિસ બાનો પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. આ કેસમાં, ગુજરાત સરકારે 15 ઓગસ્ટ 2022ના રોજ તમામ દોષિતોને સજામાં માફી આપી હતી અને તેમને મુક્ત કર્યા હતા. તેના પર ખંડપીઠે કહ્યું, “અમે ગુજરાત સરકાર દ્વારા સત્તાના દુરુપયોગના આધારે સજાના ફેરફારના આદેશને રદ કરીએ છીએ.” 100થી વધુ પાનાનો પોતાનો ચુકાદો આપતાં બેન્ચે કહ્યું કે, “ગુજરાત સરકારએ સજામાં ફેરફાર કરવાનો આદેશ આપવા યોગ્ય સરકાર નથી.

સુપ્રીમ કોર્ટનો આદેશ

સર્વોચ્ચ અદાલતે સ્પષ્ટતા કરી હતી કે, જે રાજ્યમાં ગુનેગાર પર કેસ કરવામાં આવે છે અને સજા સંભળાવવામાં આવે છે તે જ રાજ્યને દોષિતોની સજા માફ કરવાની અરજી પર નિર્ણય લેવાનો અધિકાર છે. મહારાષ્ટ્રમાં ગુનેગારો સામે કાર્યવાહી કરવામાં આવી હતી. ખંડપીઠે કહ્યું, “અમારે અન્ય મુદ્દાઓ જોવાની જરૂર નથી. કાયદાના શાસનનું ઉલ્લંઘન થયું છે કારણ કે ગુજરાત સરકારે તેની પાસે ન હોય તેવી સત્તાનો ઉપયોગ કર્યો છે. જેના આધારે સજા માફીનો આદેશ પણ રદ કરવો જોઈએ.” સર્વોચ્ચ અદાલતે 13 મે, 2022ના રોજ ગુજરાત સરકારને સજા માફી માટે દોષિતોમાંથી એકની અરજી પર વિચાર કરવાનો નિર્દેશ આપતા તેની બેન્ચના અન્ય એક આદેશને ‘અમાન્ય’ ગણાવ્યો હતો અને કહ્યું હતું કે તે ‘કોર્ટ સાથે છેતરપિંડી’ સમાન’ અને ‘તથ્યો છુપાવીને’ હાંસલ કરવામાં આવ્યું છે.

આ પણ જુઓ :બિલ્કિસ બાનો કેસઃ એક આરોપીએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી, જાણો શું છે માગણી?

Back to top button