ગુજરાતચૂંટણી 2022ટોપ ન્યૂઝ
જુનાગઢની વંથલી નગરપાલિકાના બે સભ્યો પક્ષાંતરધારા હેઠળ ગેરલાયક ઠેરવાયા
જુનાગઢની વંથલી નગરપાલિકાના ચુંટાયેલા બે સભ્યોને પક્ષાંતરધારા હેઠળ પક્ષની વિરુધ્ધમાં જઇને મતદાન કરવા થયેલ કાર્યવાહીમાં ગેરલાયક ઠેરવવામાં આવ્યા છે.
ભાજપમાંથી ચૂંટાયા, મત કોંગ્રેસના ઉમેદવારને આપ્યો
મળતી માહિતી મુજબ, ગાંધીનગરના નમોદિષ્ટ અધિકારી દિલીપ રાવલ દ્વારા વંથલી નગરપાલિકામાં ભાજપના નિશાન ઉપર ચૂંટાઈ આવેલા ઝાંઝીબેન રૂડાભાઈ હુંણ અને પ્રમોદભાઈ આલાભાઇ વાણવી બંન્ને નગરસેવકોને તેમના પાલિકાના સભ્ય પદેથી ગેરલાયક ઠેરવ્યા છે. કારણ કે, આ અંગે પાલિકામાં ભાજપના નગરસેવીકા અમીના ઈસ્માઈલભાઈ અગવાને વિવાદી અરજી કરીને બંન્ને સભ્યોને પક્ષાંતર ધારા હેઠળ ગેરલાયક ઠરાવવા માંગણી કરી હતી. જેમાં બંન્ને સભ્યો ભાજપના નિશાન પર ચૂંટાયા હોવા છતાં ગત તા.13-1-22 ના રોજ વંથલી પાલિકામાં નવા પ્રમુખ પદની ચૂંટણીની સામાન્ય સભામાં ભાજપના પ્રમુખ પદના ઉમેદવાર લિનાબેન ત્રાંબડીયા તરફે મતદાન કરવાનો પાર્ટીનો મેન્ડેટ હોવા છતાં બંન્ને સભ્યોએ કોંગ્રેસના પ્રમુખ પદના ઉમેદવાર લીલાવંતીબેનની તરફેણમાં મતદાન કર્યુ હતુ.
અરજદાર અને બંન્ને સભ્યોના વકીલોએ આધાર- પુરાવા રજુ કરી દલીલો કરી
જે અંગે કાર્યવાહી હાથ ધરાયેલ જેમાં અરજદાર અને બંન્ને સભ્યોના વકીલોએ આધાર- પુરાવા રજુ કરી દલીલો કરી હતી. જેને ધ્યાને લઈ ભાજપના બંન્ને સભ્યોને પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરી પોતાનો મૂળ રાજકીય પક્ષ ભાજપ સ્વેચ્છાએ છોડી દીધેલ હોવાનું પુરવાર થતુ હોવાથી બંન્ને સભ્યોને પાલિકાના સભ્ય તરીકે ગેરલાયક ઠરાવવાનો હુકમ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળેલ છે.