અમદાવાદગુજરાત

મેળાઓ બંધ થતા બે સંચાલકો હાઈકોર્ટ પહોંચ્યાઃ AMCએ કહ્યું, કોર્ટના નિર્દેશ બાદ બંધ કરાવ્યા

અમદાવાદ, 11 જૂન 2024, રાજકોટ TRP ગેમ ઝોન અગ્નિકાંડમાં 27 લોકોના મોત બાદ શહેરોમાં મેળાઓ અને રાઈડ્સ બંધ કરાવી દેવામાં આવી છે. જે લોકો પાસે પૂરતી પરમિશન છે તેમના પણ મેળા બંધ કરાવવામાં આવ્યા હતા. અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ઉપર મેળો નાખનાર સંચાલક અને દેવ ઇવેન્ટ્સ ગુજરાત હાઈકોર્ટ પહોંચ્યા છે. તેમનું કહેવું છે કે, તેમની પાસે જરૂરી તમામ પરમિશન હોવા છતાં ઓથોરિટીએ મૌખિક સૂચના આપીને તેમનો મેળો બંધ કરાવી દીધો છે. આ મુદ્દે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરતા સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં હાઈકોર્ટે રાજ્ય સરકારને નોટિસ પાઠવી હતી.કોર્ટે આ મુદ્દે 18 જૂનના રોજ વધુ સુનાવણી રાખી છે.

સરકારને રજૂઆત છતાં પ્રત્યુત્તર આપવામાં આવ્યો નથી
અરજદારે જણાવ્યું હતું કે, આ સમય દરમિયાન તેને 1 કરોડનું નુકસાન થયું છે. તેને મંજૂરી મળતા 66 દિવસ લાગ્યા હતા. જેમાં ઇલેક્ટ્રિક, ફાયર NOC, રાઈડ ફિટનેસ સર્ટિફિકેટ, રોડ અને બિલ્ડિંગ વિભાગનું ક્લિયરન્સ વગેરે બાબતોનો સમાવેશ થાય છે. તેઓએ 16 મેના રોજ મેળો શરૂ કર્યો હતો અને 25 મેના રોજ રાજકોટમાં TRP ગેમ ઝોનની દુર્ઘટના બનતા તેમનો મેળો પણ ઓથોરિટીએ બંધ કરાવ્યો છે. આ મેળો નાખવા તેમને 1.64 કરોડનું રોકાણ કર્યું છે. જમીનનું ભાડું, આશરે 135 લોકોનો પગાર, લાઈટ બીલ વગેરે જોઇએ તો રોજના 9 લાખ રૂપિયા જેટલો ખર્ચ થાય છે. આ મેળાની મંજુરી 23 જૂન સુધીની છે. સરકારને રજૂઆત કરી હોવા છતાં કોઈ પ્રત્યુતર આવ્યો નથી. જેથી હાઈકોર્ટમાં અરજી દાખલ કરવી પડી છે. કેટલાક ઓફિસરોની ભૂલની સજા બધા શા માટે ભોગવે? અમારા મેળા ખુલ્લા ગ્રાઉન્ડમાં છે, જ્યાં અકસ્માત બનવાની શક્યતા ઓછી છે.

મેળો બંધ કરવા ઓથોરિટીએ કોઈ કારણ આપ્યું નથી
AMC અને રિવરફ્રન્ટ વતી ઉપસ્થિત થયેલા વકીલે કોર્ટને જણાવ્યું હતું કે, ગુજરાત હાઈકોર્ટે રાજકોટ TRP ગેમ ઝોનમાં આગની દુર્ઘટના બાદ સુઓમોટો પિટિશન દાખલ કરી હતી. જેમાં 27 મેના રોજ અપાયેલા આદેશમાં ઓથોરિટીને આગળનો આદેશ ના થાય ત્યાં સુધી તમામ ગેમ ઝોન બંધ કરાવવા નિર્દેશ આપ્યા છે. જેથી અરજદારના રાઇડિંગ ઝોન બંધ કરાવવામાં આવ્યા છે.ખાન એમ્યુઝમેન્ટ દ્વારા હાઈકોર્ટના નિર્દેશ છતાં કોઈપણ મંજૂરી વગર ફરી ગેમ ઝોન શરૂ કરતા તેને સીલ કરવામાં આવ્યો છે. કોર્ટે ટિપ્પણી કરી હતી કે, રાજકોટની દુર્ઘટનામાં કેટલાક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. ત્યારે દરેકની પોતાની જવાબદારી બને છે. બધા સમાચાર વાંચતા જ હોય છે. બધાને કોર્ટના ઓર્ડર વિશે ખબર હોય જ. તમારી રજૂઆત તમારે સુઓમોટો પિટિશન સાંભળતી ડિવિઝન બેન્ચ સમક્ષ રજૂ કરવી જોઇએ. નુકસાન બાબતે અરજી કરી શકાય છે.

આ પણ વાંચોઃઅમદાવાદ શહેરમાં સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર રિવરફ્રન્ટ, જાણો AMCને કેટલી થઇ આવક

Back to top button