ડીસાના જુનાડીસા હાઇવે ઉપર ટ્રકે રિક્ષાને ટક્કર મારતા બેના મોત
પાલનપુર: બનાસકાંઠા જિલ્લામાં ટ્રાફીક નિયમન માટે પોલીસના પ્રયાસો વચ્ચે હાઇવે ઉપર બેફામ ઝડપે વાહનો દોડી રહ્યા છે. તેથી ગમખ્વાર માર્ગ અકસ્માતોની વણઝાર સર્જાઈ છે. ત્યારે આજે વહેલી સવારે ડીસા નજીકના જુનાડીસા ગામના હાઇવે ઉપર સર્જાયેલ વધુ એક માર્ગ એક માર્ગ અકસ્માતમાં બે લોકોના અકાળે મોત નિપજ્યા છે.
જિલ્લામાં માર્ગ અકસ્માતોનો સિલસિલો યથાવત
ડીસા તાલુકાના ખરડોસણ ગામનો રાવળ પરિવાર શાકભાજી લઈને રિક્ષામાં ડીસાથી પરત ઘર તરફ જઈ રહ્યો હતો, તે સમયે જુનાડીસા પાસે સામેથી આવી રહેલી ટ્રકે રિક્ષાને ધડાકાભેર ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો.જેમાં રીક્ષાના કુરચે કુરચા ઉડી ગયા હતા અને ગંભીર રીતે ઇજાગ્રસ્ત રિક્ષાચાલક રમેશભાઇ રાવળનું ઘટના સ્થળે કરુણ મોત થયું હતું. જ્યારે રિક્ષામાં સવાર અન્ય મહિલા સહિત ત્રણ લોકોને ગંભીર ઈજા પહોંચી હતી. જેમાંથી એક વ્યક્તિનું સારવાર દરમ્યાન મોત નિપજ્યું છે. આમ આ ઘટનામાં 2 લોકોના મોત નોંધાયા છે. ઘટનાની જાણ થતા જ આજુબાજુના લોકો અને 108 એમ્બ્યુલન્સ વાન તાત્કાલિક અકસ્માત સ્થળે પહોંચી હતી. અને ઇજાગ્રસ્તોને સારવાર માટે ડીસાની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા. તેમજ ઇજાગ્રસ્ત લોકો હાલત વધુ નાજુક જણાતા વધુ સારવાર માટે પાલનપુર સિવિલ અને ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હોવાનું જાણવા મળ્યું છે.પોલીસે ફરાર ટ્રક ચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.