ઉત્તર ગુજરાતગુજરાત

દાંતાની પ્રાથમિક શાળાના હિંચકે ઝૂલતી બે બાળકીઓને કરંટ લાગ્યો, બંનેના મૃત્યુ

અંબાજી, 05 એપ્રિલ 2024, ઉત્તર ગુજરાતના દાંતા તાલુકાની પ્રાથમિક શાળામાં હીંચકે ઝૂલતી 3 સગી બહેનોને અચાનક જોરદાર કરંટ લાગ્યો હતો. જે પૈકી 2 સગી બહેનોનાં કરુણ મૃત્યુ થયાં છે. જ્યારે અન્ય એક બહેનની હાલત ગંભીર છે. પ્રાથમિક તપાસ મુજબ, ભોગ બનનારી બાળકીઓ શાળામાં અભ્યાસ કરતી નથી. બે બાળકીના મૃતદેહને પીએમ માટે માંકડી સીએચસી ખાતે ખસેડવામા આવ્યા હતા. બાળકીઓનાં મૃત્યુથી પરિવારમાં શોકની લાગણી પ્રસરી હતી. આ ઘટના અંગે સ્થાનિક પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. પ્રાથમિક તપાસ મુજબ, લોખંડના હીંચકા નજીક પાણીના બૉર્ડનું સ્ટાર્ટર હોવાથી એમાં કરંટ આવતાં ઘટના બની હોવાનું મનાઈ રહ્યું છે.

પ્રાથમિક શાળાના મેદાનમાં હીંચકો ઝૂલવા માટે ગઈ હતી
બનાસકાંઠાના દાંતા તાલુકાના મોરડુંગરા ગામે સાંધોશીથી એક પરિવાર સામાજિક પ્રસંગે આવ્યો હતો. એ દરમિયાન આ પરિવારની ત્રણ માસૂમ દીકરીઓ 4 વર્ષીય કરણી ડાભી, 6 વર્ષીય દીવા ડાભી અને 8 વર્ષીય નમ્રતા ડાભી ગામની પ્રાથમિક શાળાના મેદાનમાં હીંચકો ઝૂલવા માટે ગઈ હતી. જ્યાં લોખંડના હીંચકામાં અચાનક કરંટ આવતાં ત્રણેય બાળકીને જોરદાર કરંટ લાગ્યો હતો. નમ્રતા ડાભી નામની બાળકી હાલ જીવન-મરણ વચ્ચે જ ઝોલાં ખાઈ રહી છે. દીવા ડાભી અને કરણી ડાભીનું વીજ કરંટ લાગતાં મૃત્યુ થયું હતું. ઘટનાની જાણ પરિવારને થતાં પરિવારજનો પર આભ ફાટી પડ્યું હતું. મૃતક બે બાળકીના મૃતદેહને પીએમ માટે માંકડી સીએચસી ખાતે ખસેડવામાં આવ્યા હતાં. જ્યારે અન્ય એકની હાલ સારવાર ચાલી રહી છે.

શાળાની બેદરકારીને લઈને બે બાળકી મૃત્યુ પામી
આ ઘટનામાં શાળાની ઘોર બેદરકારી સામે આવી છે. સ્થાનિકોનું કહેવું છે કે, જે શાળાની અંદર હીંચકો હોય અને બાળકો રમતાં હોય ત્યાં કોઈપણ જાતની વીજકરંટ જેવી વસ્તુઓ ન લગાવવી જોઈએ. જેથી ત્યાં રમતાં બાળકોને કોઈપણ જાતની ક્ષતિ ના પહોંચે. શાળામાં કોઈપણ કર્મચારીઓએ આવી બેદરકારી ન રાખવી જોઈએ. પરિવારજનોએ કહ્યું હતું કે, અમે આ ઘટનાને લઈને પોલીસ ફરિયાદ કરવાના છીએ. શાળાની બેદરકારીને લઈને બે બાળકી મૃત્યુ પામી છે. બાળકીના પરિવારના સભ્યએ જણાવ્યું હતું કે, હું શાળા પાસેથી પસાર થતો હતો. ત્યારે એક બાળકીએ મને બૂમો પાડી હતી. ત્યારે હું ત્યાં ગેટથી કૂદીને અંદર ગયો હતો. ત્યારે મેં તેમને ત્યાંથી ખસેડવાની કોશિશ કરી પણ મને પણ પહેલા કરંટ લાગ્યો હતો. ત્યાર બાદ મેં વાયરને છૂટા પાડતાં એ વીજ કરંટ બંધ થયો હતો. ત્રણેય બાળકીને મારી ગાડીમાં હોસ્પિટલ લઈ ગયો હતો.

આ પણ વાંચોઃપાલનપુરમાં પોલીસે કાફેમાંથી કપલરૂમ પકડ્યો, ડરેલી બે યુવતીઓ ત્રીજા માળેથી કૂદી

Back to top button