હમાસ હુમલામાં ભારતીય મૂળની બે મહિલા સૈનિક વીરગતિ પામી
- સંઘર્ષ દરમિયાન ફરજ બજાવતા થયા બંનેના મૃત્યુ
- ભારતીય મૂળની મહિલાનો માંડ-માંડ જીવ બચ્યો
- હુમલામાં અત્યાર સુધી 286 સૈનિકોએ જીવ ગુમાવ્યા
હમાસ દ્વારા કરાયેલા હુમલામાં ભારતીય મૂળની બે મહિલા સુરક્ષા અધિકારી વીરગતિ પામી છે. સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, હમાસના હુમલામાં અશદોદની હોમ ફ્રન્ટ કમાન્ડ તરીકે ફરજ બજાવતી 22 વર્ષીય ઑર મોસેસ અને પોલીસ ઇન્સ્પેક્ટર કિમ ડોકરકર માર્યા ગયાં છે. બંનેના મૃત્યુ 7 ઑક્ટોબરે ઇઝરાયેલ-હમાસ વચ્ચેના સંઘર્ષ દરમિયાન થયા હતા. ઇઝરાયેલની સેના તેમજ ઇઝરાયેલના ભારતીય સમુદાયે આ વાતની પુષ્ટિ કરી છે.
ઇઝરાયેલના ભારતીય સમુદાયનું કહેવું છે કે ભારતીય મૂળના મૃતકોની સંખ્યા વધી શકે છે, કારણ કે અત્યાર સુધી ઇઝરાયેલના ઘણા લોકોને હમાસે બંધક બનાવ્યા છે. સેનાના અધિકારીઓના જણાવ્યા અનુસાર ઈઝરાયેલ અને હમાસના આતંકવાદીઓ વચ્ચેના યુદ્ધમાં અત્યાર સુધીમાં 286 સૈનિકો અને 51 પોલીસ અધિકારીઓ માર્યા ગયા છે.
હુમલામાં બચી ગયેલી ભારતીય મૂળ યુવતીની આપવીતી
ભારતીય મૂળની 24 વર્ષીય મહિલા શહાફ ટોકર હમાસના હુમલામાંથી બચી ગઈ હતી. શહાફે હુમલા વિશે વાત કરતાં જણાવ્યું કે, 7 ઑક્ટોબરે હું મારા મિત્ર યાનિર સાથે એક પાર્ટીમાં પહોંચી હતી. ત્યારે અચાનક આકાશમાંથી બોમ્બ વરસ્યા. બચવા માટે અમે ભાગવા લાગ્યા. અમારું બચવું શક્ય ન હોતું. જીવ બચાવવા અમે કાર લઈને તેલ અવીવ જવા નીકળ્યા ત્યારે આતંકવાદીઓએ રસ્તો બ્લોક કરી દીધો હતો. અમને જોતાની સાથે જ ફાયરિંગ શરૂ કર્યું. જેમ-તેમ કરીને અમે ત્યાંથી નીકળ્યા છે. શહાફના પરિવારજનોનું કહેવું છે કે, આ ઘટનાને લીધે તે આઘાતમાં સરી પડી છે.
કેરળની નર્સ શીજા આનંદની હાલત સ્થિર
હુમલામાં ઘાયલ થયેલી કેરળની નર્સ શીજા આનંદની હાલત હવે સ્થિર છે. ઑક્ટોબર 7ના રોજ હમાસ દ્વારા ઉત્તરીય ઇઝરાયેલી શહેર એશકેલોન પર રોકેટ હુમલામાં તેને ઇજા થઇ હતી. તેને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી.
આ પણ વાંચો: ગાઝા પર કબજો એ ઇઝરાયેલ માટે મોટી ભૂલ હશે: બાઇડન