ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

હમ ભારત કે પ્રજાજન વિષય ઉપર બે દિવસીય રાષ્ટ્રીય સેમિનારનો પ્રારંભ

  • ભારતીય વિચાર મંચ અને ગુજરાત યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્ર્મે કાર્યક્રમનું આયોજન
  • પ્રથમ દિવસે તામિલનાડુના રાજ્યપાલ આર.એન.રવિ ઉપસ્થિત રહ્યા

અમદાવાદ, 4 જાન્યુઆરી : ભારતીય વિચાર મંચ અને ગુજરાત યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્ર્મે ‘હમ ભારત કે પ્રજાજન’ વિષય સાથે બે દિવસીય રાષ્ટ્રીય સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં તામિલનાડુના રાજ્યપાલ આર.એન.રવિ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. ‘હમ ભારત કે પ્રજાજન’ કાર્યક્રમમાં તામીલનાડુના ગવર્નર આર.એન.રવિએ એકતા અને સાંસ્કૃતિક વારસા સાથે વર્તમાન સમયમાં ભારતીય બંધારણને ભારતીય દ્રષ્ટીથી જોવાની ટકોર કરી હતી.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ભારત એક રાષ્ટ્ર છે, રાજ્યોનો સમૂહ નથી, પરંતુ પશ્ચિમી વિચારધારાને અનુસરીને આપણે ભારતને India બનાવ્યું, રાષ્ટ્રને રાજ્ય બનાવ્યું, ધર્મને religion બનાવ્યું અને, વિવિધતાને વિભિન્નતામાં પરિવર્તિત કરી નાખ્યું હતું. ભારતીય બંધારણમાં લખેલી બાબતોનો ઉલ્લેખ કરતા, તામીલનાડુના ગવર્નરે જણાવ્યું હતું કે, આ બંધારણ ભારતીયો દ્વારા નિર્મિત છે, અને તેની પ્રસ્તાવનામાં સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, અમે ભારતીયો આ બંધારણને અપનાવીને તેને કાયદાનું રૂપ આપી, અમારી જાતને સમર્પિત કરીએ છીએ.

સનાતન ધર્મની વાત કરતા ગવર્નરે જણાવ્યું હતું કે, જોડે તે ધર્મ, જે કાર્ય લોકોને જોડવાનું કરે તે ધાર્મિક કાર્ય. અને સર્વ સમાવેશી સનાતન ધર્મ, મનુષ્યમાત્ર નહીં પરંતુ સમગ્ર સૃષ્ટિને જોડે છે, જે મનુષ્યનો આધાર છે. પરંતુ તેની રીલીજન (religion) નાં રૂપમાં સંકુચિત વ્યાખ્યા કરી નાખવામાં આવી છે.

ભારતીય બંધારણની સ્વીકૃતિની ૭૫ વર્ષની ઉજવણીના ભાગરૂપે આયોજિત સેમિનારમાં સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ આદર્શ કુમાર ગોયલ, પ્રજ્ઞા પ્રવાહના અખિલ ભારતીય સંયોજક જે. નંદકુમાર, ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા ગુરુ પ્રકાશ પાસવાન, ગુજરાત હાઈકોર્ટના વકીલ અવધૂત સુમંત, પ્રોફેસર ડૉ. નિયતિ પાંડે, મેરઠ વિશ્વવિદ્યાલયમાં રાજનીતીશાસ્ત્રના વિભાગાધ્યક્ષ પ્રો. સંજીવ કુમાર શર્મા તેમજ ઓર્ગેનાઈઝર વીકલીના સંપાદક પ્રફુલ કેતકર સહિત અનેક તજજ્ઞોએ સંવિધાન અંગે પોતાનું અધ્યયન રજૂ કરશે.

છેલ્લા 33 વર્ષથી દેશ અને સમાજને અસર કરતા કાર્યક્રમ આયોજિત કરતી સંસ્થા “ભારતીય વિચાર મંચ” દ્વારા નાગરિકોમાં સંવિધાન અને તેમાં વર્ણવેલ બાબતો અંગે જાગૃતિ આવે તે આશય સાથે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 700 થી વધુ લોકોએ ભાગ લીધો હતો, જેમાં યુવાઓની સંખ્યા વિશેષ રહી.

આ કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા ગુરુ પ્રકાશ પાસવાને બંધારણ ગ્રંથની મહત્તા જણાવતા કહ્યું હતું કે, ગુજરાતમાં વર્ષો પહેલા બંધારણ ગ્રંથની હાથીની અંબાડી પર શોભાયાત્રા નીકાળવામાં આવી હતી. અને બાબા સાહેબ આંબેડકરને યાદ કરતા તેમણે જણાવ્યું હતું કે, બાબા સાહેબના વિચારો પર રાજનીતિ કરવી સહેલી છે પરંતુ તેમના ચિંધ્યા માર્ગ પર ચાલવું મહત્વનું છે. બાબા સાહેબ કોઈ સમાજના જ નહીં પરંતુ ૧૪૦ કરોડ ભારતીયોના છે, કહી તેમણે પોતાના વક્તવ્યનું સમાપન કર્યું હતું.

આ પણ વાંચો :- ચીનમાં ફેલાયેલા નવા વાયરસ સામે ભારતમાં સતર્કતાનાં પગલાં લેનાર તેલંગણા પહેલું રાજ્ય બન્યું

Back to top button