બે મુખ્યમંત્રી આજે જામનગરની મુલાકાતે, સવારે ભૂપેન્દ્રભાઈ પટેલ તો બપોર પછી અરવિંદ કેજરીવાલ પહોંચશે


ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈને ભારે ધમધમાટ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને આપ પાર્ટી ચૂંટણીને લઈને ઘણી સક્રિય જોવા મળી રહી છે. હજુ ચૂંટણીની તારીખ જાહેર થઈ નથી ત્યાં આપ દ્વારા મતદારોને લુભાવવાની જાહેરાત તેમજ પોતાના કેટલાંક ઉમેદવાર પણ જાહેર કરી દીધા છે. તો દિલ્હીના CM અને આપ પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલની ગુજરાત મુલાકાત પણ વધી ગઈ છે. ત્યારે આજે કેજરીવાલ જામનગર પહોંચ્શે. જો કે આજે બે મુખ્યમંત્રીઓ જામનગરની મુલાકાત લેશે. સવારે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તો બપોર બાદ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ જામનગરમાં પહોંચશે.
અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક કરશે
CM ભૂપેન્દ્ર પટેલ લમ્પી વાયરસના વેક્સીન અને સારવાર સેન્ટરની મુલાકાત બાદ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક કરશે. મનપા સંચાલિત રસીકરણ અને સારવાર કેન્દ્રની પણ મુલાકાત લેશે. લમ્પી ગ્રસ્ત સારવાર લઈ રહેલા પશુ વિભાગની મુલાકાત લેશે. ત્યારબાદ CM કલેકટર કચેરી ખાતે અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક કરશે. જામનગરમાં CMના આગમનને પગલે ચાંપતો બંદોબસ્ત ગોઠવાયો છે.
AAPનો પ્રચાર પૂરજોશમાં
તો બીજી તરફ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ બપોર બાદ ઓશવાલ સેન્ટર ખાતે વેપારીઓ અને પ્રબુદ્ધ નાગરિકો સાથે સંવાદ કરશે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટીએ પોતાનો પ્રચાર પ્રસાર પૂરજોશમાં શરૂ કરી દીધો છે. દિલ્હીના CM અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ આજે ફરી ગુજરાતમાં આવશે અને લોકો સાથે મુલાકાત કરશે.
કેજરીવાલ વધુ એક મોટી જાહેરાત કરે તેવી શક્યતા
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ બે દિવસના ગુજરાત પ્રવાસે આવશે. આજે 1 વાગે અરવિંદ કેજરીવાલ જામનગર પહોંચશે. 3 વાગ્યે વેપારીઓ સાથે ટાઉનહોલ કાર્યક્રમમાં ભાગ લેશે. સાંજે 5 વાગે વડોદરા પહોંચશે. 7 તારીખે છોટાઉદેપુરના બોડેલીમાં સભા સંબોધશે. બોડેલીમાં ગુજરાતની જનતાને વધુ એક ગેરેંટી આપશે તેવી વાત ઈશુદાન ગઢવીએ કરી હતી.