ડીસામાં પ્રતિબંધ છતાં ચાઇનીઝ દોરી વેચતા બે ઝડપાયા
પાલનપુર: બનાસકાંઠા જિલ્લામાં ચાઈનીઝ દોરી અને પતંગ પર પ્રતિબંધ મુકાયો હોવા છતાં તેનું અનેક જગ્યાએ વેચાણ થઈ રહ્યું છે. ત્યારે ડીસા શહેર દક્ષિણ પોલીસે ડીસામાં ચાઈનીઝ દોરી વેચતા એક ઈસમને ઝડપી તે જ્યાંથી દોરી વેચવા લાવેલ હતો તે વેપારીના ઘરે પણ રેડ કરી વેપારીને પણ ઝડપી લીધો હતો. પોલીસે કુલ 9000નો મુદ્દા માલ જપ્ત કર્યો હતો.
ડીસામાં આગામી મકર સંક્રાંતિના પર્વને અનુલક્ષીને પતંગ દોરીના વેપારીઓ અને તેના ગ્રાહકો લોકો માટે જીવલેણ બની રહેતી ચાઇનીઝ – પ્લાસ્ટીક દોરી અને ચાઇનીઝ તુક્કલો – પતંગ વેચવા કે ખરીદવા પર બનાસકાંઠા જિલ્લા પ્રશાસને જાહેરનામા દ્વારા પ્રતિબંધ મુક્યો હોવા છતાં ડીસામાં તેનું ધુમ વેચાણ થઇ રહ્યું છે.
છૂટક વેપારીને પકડી હોલસેલ વેપારીના રહેણાંક મકાનમાં પોલીસે દરોડો પાડયો
આ અંગેની વિગતો એવી છે કે, ડીસા ડીવાયએસપી ડો. કુશલ ઓઝાના માર્ગદર્શન હેઠળ ડીસા શહેર દક્ષિણ પી.આઈ.એસ.એ. ગોહિલ ની સૂચનાથી પી.એસ.આઇ. એસ.એમ. મેણાત સહિતની ટીમે ચાઈનીઝ દોરી પકડવાની ઝુંબેશ હાથ ધરી ડીસાના ચંદ્રલોક રોડ પરથી લિયો સ્કૂલ પાસે છૂટક દોરી નું વેચાણ કરતા અને ડીસા ના સ્વાગત રો હાઉસ, સી. એલ પાર્ક, હેપ્પી નર્સરી સામે રહેતા મદનલાલ ઘનશ્યામદાસ મહેશ્વરી ત્રણ ફીરકી સાથે ઝડપી લીધો હતો. તેણે આ દોરી સિંધી કોલોનીમાં રહેતા અને ડીસા લાયન્સ હોલ નજીક આવેલ કિશન સીઝન નામની દુકાનના વેપારી દિલીપ નેચરદાસ સિંધી પાસેથી ખરીદી હોવાનું જણાવતા પોલીસે દિલીપ સિંધીના રહેણાંક ઘરે પણ રેડ કરી હતી.
આ પણ વાંચો :IND vs SL : રાજકોટમાં રમાશે ત્રીજી T20 પહેલા જાણો પીચ રિપોર્ટ, હવામાન અને સંભવિત પ્લેઈંગ ઈલેવન
રૂા .9000 ની 33 ફિરકીઓ ઝડપાઇ
જેમાં પોલીસને વેપારી દિલીપ સિંધીના ઘરેથી 30 નંગ પ્રતિબંધિત ચાઈનીઝ દોરીની ફીરકીઓ મળી આવી હતી. આમ પોલીસે કુલ 33 નંગ ફીરકી કિંમત રૂપિયા 9,000 ની કિંમતની ચાઈનીઝ દોરી પકડી બંનેની ધરપકડ કરી તેમની આઇ.પી.સી. ૧૮૮ મુજબ ગુનો નોંધ્યો હતો .