ભાવનગરઃ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરવાના બે કેસ, સગીરા અને બે વર્ષની દીકરી સહિત ત્રણનાં મોત
ભાવનગરમાં ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરવાના બે બનાવો પ્રકાશમાં આવ્યા છે. જેમાં બે વર્ષની બાળકી સહિત ત્રણના મોત થતા ચકચાર મચી ગઈ છે. આત્મહત્યાનો એક બનાવ ભાવનગર શહેરમાં બન્યો છે, જયારે બીજો બનાવ ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં બન્યો છે.
બ્લેડ વડે MY LIFE MY RULES લખી આત્મહત્યા કરી
ભાવનગર શહેરમાં રહેતી સગીર વયની દીકરીએ ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું છે. તમન્ના અંજાર નામની સગીરા ધોરણ-9માં અભ્યાસ કરી રહી હતી, બોરતળાવ આંબેડકર નગર પાસેના વિસ્તારમાં રહેતી હતી. આ સગીરાએ કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું છે. આ સગીરાએ પોતાના હાથમાં બ્લેડ વડે ચેકા પાડી MY LIFE MY RULES લખ્યું હતું. હાલ બનાવવા અંગેનું કોઈ ચોક્કસ કારણ સામે આવ્યું નથી, જો કે ધોરણ-9ની વિદ્યાર્થીનીએ કરેલ આ આત્મહત્યા અંગે અનેક તર્કવિતર્કો ચાલી રહ્યા છે. સમગ્ર બનાવને લઇ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.
મહુવામાં બે વર્ષની દીકરીને ગળેફાંસો આપી પિતાએ આત્મહત્યા કરી
આત્મહત્યાનો બીજો બનાવ ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના રતનપર નવાગામ ખાતે બન્યો છે. અહીં બે વર્ષની દીકરીને ગળેફાંસો આપી પિતાએ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી છે. શૈલેષભાઈ બાંભણિયા નામના પિતાએ પોતાની બે વર્ષની દીકરી નિશાને ઝાડ સાથે લટકાવી, ગળેફાંસો આપી પોતે પણ ગળાફાંસો ખાઇ લીધો છે. પિતા પુત્રીના આપઘાતને લઇ સમગ્ર ગામમાં શોકનો માહોલ ફેલાયો છે. બંનેના મૃતદેહને પોસ્ટમોર્ટમ હોસ્પિટલ ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરાઇ છે. ક્યા કારણોસર આત્મહત્યા કરી છે તે તપાસ બાદ બહાર આવશે.
આ ઘટનામાં મૃતક શૈલેષભાઈ નામના પતિ વિરુદ્ધ તેમના પત્નીએ તેમની દીકરીની હત્યા અંગેનો 302 મુજબ ગુનો નોંધ્યો છે. સમગ્ર બનાવ અંગે બગદાણા પોલીસ સ્ટેશનને જાણ કરાતા પોલીસની ટીમ ઘટના સ્થળ પર પહોંચી હતી અને બનાવ અંગેની હાલ તજવીજ હાથ ધરાઈ છે.