ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

નેપાળમાં બે બસ ત્રિશૂલી નદીમાં વહી ગઈ! 7 ભારતીયોના મૃત્યુ, 50થી વધુ લાપતા

  • ભારે વરસાદ આવતા ઘણી જગ્યાએ હાઇવે તૂટી ગયા છે અથવા ઘણું નુકસાન થયું છે

કાઠમાંડુ, 12 જુલાઇ: નેપાળમાં ખરાબ હવામાનને કારણે ભારે ભૂસ્ખલનની ઘટનાઓ બની રહી છે. મળતી માહિતી મુજબ, મધ્ય નેપાળમાં મદન-અશ્રિત હાઈવે પર આજે શુક્રવારે સવારે મોટા ભૂસ્ખલનને કારણે લગભગ 63 મુસાફરોને લઈને જય રહેલી બે બસો ત્રિશુલી નદીમાં ખાબકી હતી. આ ઘટનામાં 7 ભારતીયોના મૃત્યુ થયા છે. જ્યારે 50થી વધુ લોકો ગુમ થયાં હોવાની માહિતી છે. રાહત અને બચાવ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને નદીમાં ડૂબેલા લોકોને બચાવવા માટે સ્થાનિક લોકોએ પણ પ્રશાસનને મદદ કરી હતી. પ્રારંભિક માહિતી મુજબ, બસ ડ્રાઇવરો સહિત કુલ 63 લોકો બંને બસમાં મુસાફરી કરી રહ્યા હતા. આ ઘટના સવારે સાડા ત્રણ વાગ્યે બની હતી.

 

 

છેલ્લા ઘણા દિવસોથી ભૂસ્ખલનની ઘટનાઓ બની રહી છે 

પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, ઘોર અંધકારને કારણે, ભૂસ્ખલનનો ભોગ બનેલી બંને બસો સવારે લગભગ 3.30 વાગ્યે ત્રિશુલી નદીમાં વહી ગઈ હતી. નેપાળમાં ચિતવનના મુખ્ય જિલ્લા અધિકારી ઇન્દ્રદેવ યાદવે જણાવ્યું હતું કે, ‘અમે ઘટના સ્થળે છીએ અને સર્ચ ઓપરેશન ચાલુ છે. ગુમ થયેલી બસોને શોધવાના અમારા પ્રયાસો સતત વરસાદને કારણે અવરોધાઈ રહ્યા છે.’ ઉલ્લેખનીય છે કે, નેપાળમાં છેલ્લા ઘણા દિવસોથી ભારે વરસાદ અને ભૂસ્ખલન ચાલુ છે. જેના કારણે અત્યાર સુધીમાં અનેક લોકોના મૃત્યુ થયા છે. ઘણી જગ્યાએ ભૂસ્ખલનને કારણે હાઇવે તૂટી ગયા છે અથવા નુકસાન થયું છે. આવી સ્થિતિમાં લોકોને વાહનવ્યવહારમાં અડચણોનો સામનો કરવો પડી રહ્યો છે. વરસાદ હજુ પણ અટકતો નથી.

 

નારાયણ ઘાટ પાસે સર્જાયો અકસ્માત 

શુક્રવારે નારાયણઘાટ-મુગલિંગ રોડ સેક્શન પર સિમલતાલમાં ભૂસ્ખલન બાદ આ ઘટના બની હતી. જેમાં બે પેસેન્જર બસો ધોવાઈ જતાં ઓછામાં ઓછા 60 લોકો ગુમ થઈ ગયા છે. ચિતવનના મુખ્ય જિલ્લા અધિકારીના જણાવ્યા અનુસાર, કાઠમાંડુ જતી એન્જલ ડીલક્સ અને ગણપતિ ડીલક્સ સવારે 3.30 વાગે અકસ્માતનો ભોગ બની હતી. પોલીસે જણાવ્યું હતું કે, કાઠમાંડુ જતી એક બસમાં 24 લોકો અને બીજી બસમાં 41 લોકો મુસાફરી કરી રહ્યા હતા. ગણપતિ ડીલક્સમાં મુસાફરી કરી રહેલા ત્રણ મુસાફરો વાહનમાંથી કૂદીને બચવામાં સફળ રહ્યા હતા. એક અલગ દુર્ઘટનામાં, તે જ રોડ સેકશન પર 17 કિલોમીટરમાં બીજી પેસેન્જર બસ પર પથ્થર પડતાં એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું.

આ પણ જૂઓ: તિરુપતિ જતી બસને નડ્યો અકસ્માત; 9ના મૃત્યુ, 15 થી વધુ ઘાયલ

Back to top button