કચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝ

જૂનાગઢના વંથલી નજીક બે બસ અને કાર અથડાઈ, 12 વિદ્યાર્થીનીઓ ઈજાગ્રસ્ત

Text To Speech

જૂનાગઢ, 9 જાન્યુઆરી 2024, જિલ્લાના વંથલી નજીક સ્કૂલની વિદ્યાર્થીનીઓને પ્રવાસે લઈ જવા માટે નીકળેલી બસ સહિત ત્રણ વાહનો વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં બસમાં સવાર 12 વિદ્યાર્થીનીઓને નાની મોટી ઈજાઓ પહોંચી હતી. અકસ્માત થતાં આસપાસના લોકોએ બસમાં ફસાયેલી વિદ્યાર્થીનીઓને બહાર કાઢી હતી. અકસ્માતને પગલે હાઈવે પર ટ્રાફિક જામ થઈ જવા પામ્યો હતો. ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક પોલીસનો કાફલો પહોંચી ગયો હતો અને ટ્રાફિકને હળવો કર્યો હતો. તેમજ ઈજાગ્રસ્ત વિદ્યાર્થીનીઓને જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી.

અન્ય એક બસ અને કાર વચ્ચે અકસ્માત થયો હતો
પ્રાપ્ત વિગતો પ્રમાણે આંકલાવ તાલુકાના આસોદર ગામની વિદ્યાર્થીનીઓને પ્રવાસે લઈ ગયેલી બસ સોમનાથથી પરત ફરી રહી હતી. આ દરમિયાન જૂનાગઢના વંથલી નજીક અન્ય એક બસ અને કાર વચ્ચે અકસ્માત થયો હતો. આ અકસ્માતને પગલે વિદ્યાર્થીનીઓમાં ચીચીયારીયો શરૂ થઈ ગઈ હતી. બસમાં ફસાઈ ગયેલી વિદ્યાર્થીનીઓને બહાર કાઢવા માટે અન્ય વાહન ચાલકોએ જહેમત ઉઠાવી હતી. આ અકસ્માતમાં સદનસીબે કોઈ જાનહાની થઈ નથી.

10 થી 12 વિદ્યાર્થિનીઓને સામાન્ય ઈજા પહોંચી
આણંદ જિલ્લાના આંકલાવ તાલુકાના આસોદર ગામની હાઈસ્કૂલની 53 વિદ્યાર્થિનીઓ સાથે પ્રવાસે નીકળેલી બસને વંથલી નજીક અકસ્માત નડ્યો હતો. બસમાં સવાર શાળાના શિક્ષકોએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, વંથલી નજીક એક કાર અને અન્ય બસ વચ્ચે અકસ્માત થતા અન્ય બસ પલટી ગઈ હતી. જે અમારી બસ સાથે અથડાતા અમારી બસ રસ્તાની નીચે ઉતરી ગઈ હતી. જેમાં 10 થી 12 વિદ્યાર્થિનીઓને સામાન્ય ઈજા પહોંચી છે.

આ પણ વાંચોઃ પશ્ચિમ રેલવે: બોટાદ-ગાંધીગ્રામ-બોટાદ દૈનિક ટ્રેન 14 જાન્યુઆરી સુધી રદ

Back to top button