બિપરજોયના કારણે માંગરોળમાં ભાઈ-બહેને ગુમાવ્યો જીવ; ભારે પવનના કારણે ગયો જીવ
માંગરોળ: આજે જૂનાગઢના માંગરોળ તાલુકાના શેખપુર ગામમાં બિપરજોયના કારણે અકસ્માત સર્જાયો છે. શેખપુર ગામમાં ભારે પવન ફૂંકાતા એક બાળકી કેનાલમાં ખાબકી હતી. બાળકીને બચાવવા માટે તેનો ભાઈ પણ કેનાલમાં કૂદી પડ્યો હતો. જોકે કમનસીબે બંનેનાં મોત નીપજતા બાળકોનાં પરિવારજનો અને ગામમાં શોકનો માહોલ છવાઇ ગયો છે.
માંગરોળ તાલુકાના શેખપુર ગામમાં રહેતા અર્શદ અને કૌશર નામના ભાઈ બહેન સ્કૂલમાં રમવા માટે ગયાં હતાં. બંને કેનાલ નજીકથી પસાર થઈ રહ્યાં હતાં ત્યારે જ ભારે પવન ફૂંકાતા કૌશર ખેંચાઇને કેનાલમાં પડી ગઈ હતી. કૌશરે બૂમાબૂમ કરતા તેનો ભાઈ અર્શદ પણ કેનાલમાં તેને બચાવવા માટે કૂદી પડ્યો હતો. જોકે અર્શદની ઉંમર પણ નાની હોવાથી તે બેનને તો બચાવી શક્યો નહીં પરંતુ તે પોતે પણ ડૂબી ગયો હતો. ભાઈ-બહેનના મૃત્યુથી પરિવારજનો અને ગ્રામજનોમાં શોકનો માહોલ છવાયો છે.
રાજ્ય સરકારે બે દિવસ સુધી સાવધાની રાખવાની અપીલ કરી છે. હમ દેખેગે ન્યૂઝ પણ અપીલ કરી રહ્યું છે કે, નાના ભૂલકાઓ અને શાળાએ જતાં બાળકોનેબે દિવસ બહાર ન જવા દેવામાં જ ભલાઇ છે.
આ પણ વાંચો- બિપરજોય ચક્રવાત: કુદરતી આફત સમયે સેટેલાઇટ ફોન ઉપયોગ કેવી રીતે કરાય છે? જાણો તમામ માહિતી
ચક્રવાત બિપરજોય 15 જૂન, 2023 ના રોજ ગુજરાતના દરિયાકાંઠે ત્રાટકે તેવી શક્યતા છે. ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર, શક્તિશાળી ચક્રવાત બિપરજોય 15 જૂનની સાંજે જખૌ બંદર પર પહોંચવાની સંભાવના છે. IMD દ્વારા અત્યાર સુધી શેર કરવામાં આવેલી માહિતી મુજબ, બિપરજોય અરબી સમુદ્ર પર ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધશે અને 15 જૂનની સાંજ સુધીમાં ગુજરાતના જખાઉ બંદર નજીકથી પસાર થશે.
આ દરમિયાન રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ચક્રવાત બિપરજોય ને લઈને ગાંધીનગરમાં અધિકારીઓ સાથે સતત મેરેથોન બેઠકો યોજી રહ્યાં છે. તે ઉપરાંત તેઓ કેન્દ્ર સાથે પણ સતત કોન્ટેક્ટમાં હોવાનું કહેવામાં આવી રહ્યું છે. તો બીજી તરફ દરિયાકાંઠા વિસ્તારના અધિકારીઓ પાસેથી સતત સ્થિતિનો તાગ મેળવી રહ્યાં છે. આ ઉપરાંત હર્ષ સંઘવી પણ દરિયાકાંઠાના વિસ્તારોની રૂબરૂ મુલાકાત લઈને જાનહાનિ ટાળવા માટેની તૈયારીમાં વ્યસ્ત છે.
આ પણ વાંચો- બિપરજોયની ભારે અસર: દ્વારકાધીશ મંદિરની ધજા થઈ ખંડિત, વર્ષો જૂની પરંપરા પણ તૂટી