ગુજરાતટોપ ન્યૂઝમધ્ય ગુજરાત

બોરસદમાં કચરામાંથી EVM મશીનના બે બેલેટ યુનિટ મળી આવ્યા,તંત્રની ગંભીર બેદરકારી

Text To Speech

આણંદ, 2 જુલાઈ 2024, ચૂંટણી પૂર્ણ થયા બાદ EVM ચૂંટણીપંચના વેરહાઉસમાં રાખી દેવાતાં હોય છે. પરંતુ આણંદના બોરસદમાં બે બેલેટ યુનિટ કચરામાંથી મળી આવતાં ગંભીર બેદરકારી સામે આવી છે. આ બંને બેલેટ યુનિટનો 2018માં અમિયાદ ગ્રામપંચાયતની પેટાચૂંટણીમાં ઉપયોગ થયો હોવાનું જાણવા મળ્યું છે. કચરા સુધી બેલેટ યુનિટ કઈ રીતે પહોંચ્યા એને લઈ કલેકટર દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે.

EVM મશીનના બે બેલેટ યુનિટ સહિત અન્ય સામગ્રી જપ્ત
બોરસદમાં આવેલ જૂની શાકમાર્કેટ પાછળ કચરાના ઢગલામાંથી આજે બે EVMના બેલેટ યુનિટ મળી આવ્યાં હતાં. આ અંગેની માહિતી મળતાં બોરસદના પ્રાંત અધિકારી, મામલતદાર સહિત સમગ્ર વહીવટી તંત્ર તાબડતોડ બોરસદ શાકમાર્કેટ પાસે પહોંચી ગયું હતું અને કચરાના ઢગલામાંથી EVM મશીનના બે બેલેટ યુનિટ સહિત અન્ય સામગ્રી જપ્ત લીધી હતી. EVM મશીન જેવી અત્યંત અગત્યની ચૂંટણીલક્ષી સામગ્રી બિનવારસી મળતાં તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યાં છે. EVMના બેલેટ યુનિટમાં બે ઉમેદવાર અશોકભાઈ રાવજીભાઈ ચૌહાણ અને મફતભાઈ ચંદુભાઈ ચૌહાણના નામ લખેલા મળી આવ્યાં છે.

પ્રાથમિક અહેવાલ કલેકટરને મોકલી આપ્યો
આ EVM મશીન વર્ષ 2018માં અમિયાદ ગ્રામપંચાયતના વોર્ડ નંબર 9ની પેટાચૂંટણીમાં ઉપયોગમાં લેવાયાં હોવાનું જણાઈ આવ્યું છે. એ પેટાચૂંટણી યોજાયાનાં 6 વર્ષ બાદ બિનવારસી હાલતમાં કચરાના ઢગલામાંથી મળી આવતાં અનેક તર્કવિતર્ક પણ થઈ રહ્યા છે. આ મામલે બોરસદના પ્રાંત અધિકારી અમિત પટેલે જણાવ્યું હતું કે સવારે ટેલિફોનિક મેસેજ મળતાં અમે સ્થળ મુલાકાત લીધી હતી. ચકાસણી કરતાં 2018માં અમિયાદ ગ્રામપંચાયતમાં યોજાયેલી પેટાચૂંટણીમાં બેલેટ યુનિટનો ઉપયોગ થયો હતો. વિગતે તપાસ કરી પ્રાથમિક અહેવાલ બનાવી કલેકટરને મોકલી આપ્યો છે.

આ પણ વાંચોઃરાજકોટ અગ્નિકાંડઃ પૂર્વ TPO સાગઠિયાની ઓફિસમાંથી 5 કરોડ રોકડા અને સોનુ મળ્યુ

Back to top button