રાધનપુરમાં તોફાની પવન સાથે પોણા બે ઈંચ વરસાદ ખાબક્યો, ખેતરમાં પાકને લઈ ખેડૂતોમાં ચિંતા
રાધનપુર, 26 નવેમ્બર: હવામાન વિભાગની આગાહી અનુસાર આજે વહેલી સવારથી પાટણ સહિત સમગ્ર ગુજરાતના વિવિધ જિલ્લાના વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો, ભારે પવન સાથે વરસાદ પડતાં ખેતરમાં ઉભેલા શિયાળુ પાકને પણ ભારે નુકસાન પહોંચ્યું છે. અનેક જગ્યાએ કરા સાથે વરસાદ પડતાં ખેતરોમાં ખેડૂતોના કાચા મકાનોમાં પણ નુકસાન થયું છે. પાટણ જિલ્લાના 9 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં રાધનપુર તાલુકામાં તોફાની પવન સાથે દિવસ દરમિયાન પોણા 2 ઈંચ વરસાદ ખાબક્યો છે.
રાઘનપુરમાં પોણા 2 ઈંચ વરસાદ ખાબક્યો, શિયાળુ પાકને ભારે નુકસાન
સ્ટેટ ઈમરજન્સી સેન્ટર દ્વારા રજૂ કરાયેલા આંકડા મુજબ, રાધનપુરમાં પોણા 2 ઈંચ ઉપરાંત સાંતલપુરમાં 1 ઈંચ વરસાદ વરસ્યો છે. આ સિવાય સરસ્વતીમાં 20 મિમી, પાટણ શહેરમાં 14 મિમી અને ચાણસ્મામાં 5 મિમી વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત સાંજે 4 થી 6 વાગ્યા સુધીમાં રાધનપુરમાં સવા ઈંચ વરસાદ ખાબક્યો છે. કમોસમી વરસાદના કારણે ઉત્તર ગુજરાતના ખેડૂતોને શિયાળુ પાકમાં ભારે નુકસાન થવા પામ્યું છે, જેના કારણે ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે.
કડાકા ભડાકા સાથે વીજળી પડતાં ઘાસચારો સળગ્યો
આજે વહેલી સવારથી જ રાજ્યભરમાં કડાકા ભડાકા સાથે અનેક જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદ ખાબક્યો છે. પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના ખારેડા ગામમાં વીજળી પડતાં ખેતરમાં પડેલો ઘાસ ચારો બળીને રાખ થઈ ગયો હતો. આ ઉપરાંત સમી તાલુકાના હરીપુરા ગામે ખેતરમાં કામ કરી રહેલા 4 લોકો પર વીજળી ત્રાટકી હતી. જેમાં તેઓ ગંભીર રીતે દાઝી જતાં તમામને સારવાર અર્થે રાધનપુરની રેફરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
છેલ્લા 6 કલાકમાં 156 તાલુકામાં વરસાદ થયો
રાજ્યમાં છેલ્લા 6 કલાકમાં 156 તાલુકામાં વરસાદ થયો છે. જેમાં સૌથી વધુ વરસાદ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં થતાં ખેડૂતોના શિયાળુ પાકને ભારે નુકસાન પહોંચ્યું છે. તલાળામાં દોઢ ઈંચ જ્યારે વંથલી અને અંકલેશ્વરમાં પોણા 2 ઈંચ વરસાદ ખાબકી ગયો છે. રાજ્યના પાંચ તાલુકાઓમા દોઢ ઈંચ કરતાં વધુ વરસાદ ખાબક્યો છે. જ્યારે 10 તાલુકાઓ એવા છે જેમાં એક ઈંચ કરતાં વધુ વરસાદ વરસ્યો છે.
હજી કાલે પણ હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગે અગાઉ આગાહી કરી હતી કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને બંગાળની ખાડીના પવનો ભેગા થવાથી 26થી 27 નવેમ્બર દરમિયાન અમદાવાદ સહિત રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં માવઠું થવાની શક્યતા છે, જે ખાસ કરીને 26મીએ બપોર પછી અમદાવાદમાં 1 ઈંચ જેટલો તેમજ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના કેટલાક વિસ્તારોમાં 3થી 5 ઈંચ વરસાદની સાથે કરા પડવાની શક્યતા છે.
આ પણ વાંચો: ગુજરાતમાં વીજળી પડતાં 14 લોકો સહિત 21 પશુઓના મોત, ખેતરમાં કામ કરતી આઠ મહિલાઓ દાઝી