ગુજરાતટોપ ન્યૂઝદક્ષિણ ગુજરાત

ઈમાનદાર AAPના બે કોર્પોરેટરોએ 10 લાખની લાંચ માંગી, સુરત ACBએ એકની ધરપકડ કરી

સુરત, 03 સપ્ટેમ્બર 2024, દેશમાં સૌથી મોટી ઈમાનદાર પાર્ટી હોવાનો દાવો કરતી આમ આદમી પાર્ટીના જ સુરતના બે કોર્પોરેટર સામે 10 લાખની લાંચ માગવા મામલે ACBએ ગુનો નોંધ્યો છે.બન્ને કોર્પોરેટરોએ મલ્ટી લેવલ ‘પે એન્ડ પાર્ક’ના કોન્ટ્રાક્ટરે શાકભાજી માર્કેટની જગ્યામાં દબાણ કર્યું હોવાનું જણાવી કોન્ટ્રાક્ટ રદ કરાવવાની ધમકી આપી 10 લાખની લાંચની માગ કરી હતી. હાલ ACBએ વિપુલ સુહાગિયાને ઝડપી લીધા છે અને જીતુ કાછડિયા હાલ ફરાર છે.

બંને કોર્પોરેટરોએ 11 લાખ આપવા પડશે તેવી માગણી કરી હતી
સુરત મહાનગરપાલિકાના મગોબ ગામની સીમમાં મલ્ટી લેવલ પે એન્ડ પાર્કની સુવિધા ઉભી કરવામાં આવી છે. આ પે એન્ડ પાર્કની સુવિધાવાળી જગ્યાની બાજુમાં મહાનગરપાલિકા દ્વારા શાક માર્કેટની જગ્યા પણ ફાળવવામાં આવી હતી. સુરત મહાનગરપાલિકાના પુણા વોર્ડ નં. 16 અને 17ના કોર્પોરેટર જીતુ કાછડિયા અને વિપુલ સુહાગીયાએ પે એન્ડ પાર્કના કોન્ટ્રાક્ટરને શાકભાજી માર્કેટની કોર્પોરેશનની જગ્યામાં ગેરકાયદેસર દબાણ કરેલાનું જણાવી ફરિયાદી સાથે તકરાર અને બોલાચાલી કરી હતી. આ અંગે પોલીસ ફરિયાદ અને કોન્ટ્રાક્ટ રદ કરાવી દેવાની ધમકી આપી હતી. કોન્ટ્રાક્ટર પાસે આ બંને કોર્પોરેટરોએ 11 લાખ આપવા પડશે તેવી માગણી કરી હતી.

ACB દ્વારા પ્રાથમિક તપાસ હાથ ધરવામાં આવી
આ અંગે બંને કોર્પોરેટરોએ કોન્ટ્રાક્ટ સાથે રૂબરૂમાં તથા મોબાઈલ ફોન પર લાંચની માગણી અંગેની વાત કરી અને લંબાણપૂર્વકની રકઝક બાદ 10 લાખ રૂપિયા આપવાનું નક્કી થયું હતું. આ સમગ્ર વાતચીતનું કોન્ટ્રાક્ટર દ્વારા ઓડિયો રેકોર્ડિંગ કરી લેવામાં આવ્યું હતું. આ વાતચીતમાં આરોપીઓ નાણાંને બદલે ડોક્યુમેન્ટ કોર્ડવર્ડ રાખ્યો હતો. જે અંગે વાતચીતમાં જ ડોક્યુમેન્ટ એટલે નાણાં એવી સ્પષ્ટતા આરોપીઓ દ્વારા કરવામાં આવી હતી.આ અંગે પે એન્ડ પાર્કના કોન્ટ્રાક્ટર પોતે આ લાંચના આપવા માંગતા ન હતા. જેથી તેમણે વાતચીતના રેકોર્ડિંગની CD સાથે ACBમાં અરજી કરી હતી. જેના આધારે ACB દ્વારા પ્રાથમિક તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસમાં બંને કોર્પોરેટરોએ લાંચ માંગી હોવાની પુષ્ટી થઈ હતી.

વૈજ્ઞાનિક ઢબે તપાસ કરતાં મળેલા પુરાવાઓના આધારે ધરપકડ
સુરત ACBના ACP આર.આર. ચૌધરીએ જણાવ્યું હતું કે, આ અરજીની વૈજ્ઞાનિક ઢબે તપાસ કરતાં મળેલા પુરાવાઓના આધારે આ બંને કોર્પોરેટર જીતુ ઉર્ફે જીતેન્દ્ર પાંછાભાઇ કાછડિયા અને વિપુલ વશરામભાઇ સુહાગિયા સામે પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટ હેઠળ ગુનો બનતો હોવાનું ફલિત થતાં આ અંગે સુરત શહેર ACB પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર કલ્પેશ ધડુકે સરકાર તરફી ફરિયાદી બની 10 લાખની લાંચની માંગણી અંગેનો ગુનો નોંધ્યો છે. બે આરોપીમાંથી વિપુલની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે જીતુ ફરાર છે. ટૂંક સમયમાં તેની પણ ધરપકડ કરવામાં આવશે.

આ પણ વાંચોઃઅમદાવાદ: એસજી હાઇવે સ્ટંટકેસમાં ફરાર મુખ્ય આરોપી મનીષ ગોસ્વામી ઝડપાયો

Back to top button