ટ્રમ્પનું સંકટ હજુ પણ યથાવત, સેન્સેક્સ અને નિફ્ટી નીચે ખુલ્યા

મુંબઇ, તા. 1 ઓગસ્ટ, 2025: અમેરિકા દ્વારા ભારત 25 ટકા ટેરિફ લાદવાની ઘોષણાએ ગઇકાલે ભારતીય ઇક્વિટી બજારને પછાડ્યુ હતું. તેની અસર આજે પણ જોવા મળી છે. જેમાં સેન્સેક્સ અને નિફ્ટીનો નરમ પ્રારંભ થયો છે. આજે બજાર ખુલતા સેન્સેક્સ પાછલા બંધ 81,185 સામે 111 પોઇન્ટ નીચે ખુલીને હાલમાં 130 પોઇન્ટ નીચે ચાલી રહ્યો છે. જ્યારે નિફ્ટી 50 ઇન્ડેક્સ પણ પાછલા બંધ 24,768 સામે 34 પોઇન્ટ નીચે ખુલીને હાલમાં 48 પોઇન્ટ નીચે 24,720ના સ્તરે ચાલી રહી છે.
નિષ્ણાતોના અનુસાર હાલમાં બજાર અમેરિકા દ્વારા જાહેર કરાયેલી ટેરિફની અસરનું વિશ્લેષણ કરી રહ્યુ છે. ક્યાં કેટલી અસર પડશે તે સમય જ કહેશે. પરંતુ હાલમાં અસંમંજસભરી સ્થિતિ અને અનિશ્ચિતતા છવાયેલી હોવાના કારણે રોકાણકારોની મનોવૃત્તિ ખરડાઇ છે.
દરમિયાનમાં આજે સવારે 9.03 કલાકે ગિફ્ટ નિફ્ટી 0.37 ટકા કે 92 પોઇન્ટ નીચે 24,745ના સ્તરે ક્વોટ થઇ હતી. નોંધનીય છે ગઇકાલે ટ્રમ્પની ટેરિફ જાહેરાતને પગલે નિફ્ટી 50 ઇન્ડેક્સ 87 પોઇન્ટ ઘટીને 24,768 અને બીએસઇ સેન્સેક્સ 296 પોઇન્ટ ઘટીને 71,185 પર બંધ આવ્યો હતો.
એશિયન બજારો
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે 10 ટકાથી લઇને 41 ટકા સુધી વિવિેધ દેશો પરના રેસિપ્રોકલ ટેરિફ દરોમાં સુધારો કરતા એશિયા પેસિફિક માર્કેટમાં ઘટાડો નોંધાયો હતો. જેમાં જાપાનનો નિક્કેઇ 225 0.65 ટકા ઘટ્યો હતો, તો બ્રોડર ટોપીક્સ ફ્લેટ રહ્યો હતો. દક્ષિણ કોરિયાનો કોસ્પી 1.73 ટકા અને સ્મોલ કેપ કોસડેક 2.1 ટકા ઘટ્યો હતો.
અમેરિકન માર્કેટ
અમેરિકન રોકાણકારો હજુ પણ મોટી ટેક કંપનીઓના પરિણામોની સમીક્ષા કરતા હોવાથી જુલાઇના રોજગારી ડેટાની પ્રતીક્ષા કરી રહ્યા છે. તેની વચ્ચે એસએન્ડપી 500 ઇન્ડેક્સ 0.2 ટકા નીચે હતો, જ્યારે નાસડેક 100 ફ્યુચર્સ 0.3 ટકા ઘટ્યો હતો. તેની સાથે ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રીલ એવરેજ પણ 0.1 ટકા ઘટ્યો હતો.
બીજી બાજુ આજે આ શેરો પર નજર રહેશે. જેમાં કોલ ઇન્ડિયા, કે જેના નફામાં વાર્ષિક ધોરણે 20 ટકાનો ઘટાડો થયો છે. તેમજ આઇશર મોટર્સનો નફો અને આવક વધી છે જોકે માર્જિન પર દબાણ છે. તેની સાથે સ્વીગ્ગી, જેએસડબ્લ્યુ એનર્જી જેવા શેરોનો પણ સમાવેશ થાય છે.
આ પણ વાંચોઃ ટ્રમ્પ ટેરિફની અસરઃ ભારતની જીડીપીની ગતિ 0.40 ટકા ઘટી શકે છે












