US પ્રમુખ બાઈડને પોતાના પુત્રના ગુનાઓને માફ કરતાં ટ્રમ્પે આપી પ્રતિક્રિયા, કહ્યું: Miscarriage of Justice
નવી દિલ્હી, 02 ડિસેમ્બર, 2024: US પ્રમુખ જો બાઈડને તેમના પુત્ર હન્ટરના ગુનાઓને માફ કરવા માટે તેમની પાવરનો ઉપયોગ કર્યો છે. પ્રમુખ બાઈડને પુત્ર સામે નોંધાયેલા તમામ ગુનાહિત કેસ રદ્દ કર્યા છે. આવી સ્થિતિમાં ડોનાલ્ડ ટ્રમ્પે પ્રમુખ બાઈડન પર નિશાન સાધ્યું છે અને તેને સત્તાનો દુરુપયોગ ગણાવ્યો છે. અમેરિકાના નવા ચૂંટાયેલા પ્રમુખ ટ્રમ્પે પૂછ્યું કે, શું બાઈડન દ્વારા તેમના પુત્ર હન્ટરને માફી આપી? તેમાં J-6 કેદીઓ પણ સામેલ છે? જેઓ વર્ષોથી જેલમાં છે. ન્યાયનો કેવો દુરુપયોગ!
પ્રમુખ બાઈડને એક નિવેદન જારી કરીને કહ્યું હતું કે, આજે મેં મારા પુત્ર હન્ટરને માફ કરી દીધો છે. જ્યારથી મેં પ્રમુખ પદ સંભાળ્યું છે ત્યારથી મેં કહ્યું છે કે, હું ન્યાય વિભાગના નિર્ણયોમાં દખલ નહીં કરું અને મેં આ વચન પાળ્યું છે. પરંતુ મેં જોયું કે મારા પુત્રને નિશાન બનાવવામાં આવી રહ્યો છે અને અન્યાયી રીતે કાર્યવાહી કરવામાં આવી રહી છે. તેના પર લગાવવામાં આવેલા આરોપો રાજકીય રીતે પ્રેરિત હતા.
ટ્રમ્પનો ઈશારો કોની તરફ?
હકીકતમાં, J-6 કેદીઓ દ્વારા ટ્રમ્પનો ઈશારો US કેપિટલમાં 6 જાન્યુઆરી, 2021ના રોજ થયેલા રમખાણોથી હતો, જેમાં ઘણા ટ્રમ્પ સમર્થકોની તોફાનો કરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી અને જેઓ હજુ પણ જેલમાં છે.
પ્રમુખ બાઈડને વધુમાં કહ્યું કે, કોઈપણ સમજદાર વ્યક્તિ જે હન્ટરના કેસને અનુસરશે તે સમજી શકશે કે તેને જાણી જોઈને નિશાન બનાવવામાં આવ્યો હતો. પ્રમુખ બાઈડને કહ્યું કે, તેમણે આ સપ્તાહના અંતમાં જ આ નિર્ણય લીધો છે. મને લાગે છે કે અમેરિકનો સમજી શકશે કે પિતા અને રાષ્ટ્રપતિએ આ નિર્ણય કેમ લીધો.
આ માફીનો અર્થ શું છે?
આ માફીનો અર્થ એ છે કે, હન્ટર બાઈડનને તેના ગુનાઓ માટે સજા કરવામાં આવશે નહીં, અને તે તેને જેલમાં મોકલવાની શક્યતાને દૂર કરે છે. તેમના કેસની દેખરેખ રાખતા જજ હવે સજાની સુનાવણી રદ્દ કરશે. ઉલ્લેખનીય છે કે, પ્રમુખ બાઈડનનો આ નિર્ણય તેમના વચન પર યુ-ટર્ન છે, જેમાં તેમણે પોતાના પરિવારના લાભ માટે પોતાની સત્તાનો ઉપયોગ ન કરવાનું કહ્યું હતું.
આ પણ જૂઓ: US પ્રમુખ જો બાઈડને પુત્ર હન્ટરને બિનશરતી માફી આપી, કહ્યું: આશા છે કે લોકો સમજશે