ટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડ

‘ટ્રુડોનો ખેલ આગામી ચૂંટણીમાં ખતમ થઈ જશે’ ટ્રમ્પની જીત સાથે ઈલોન મસ્કે કરી ભવિષ્યવાણી

  • અમેરિકી પ્રમુખની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પની ઈલોન મસ્કે ઘણી મદદ કરી હતી

ન્યૂયોર્ક, 8 નવેમ્બર: ટેસ્લાના CEO અને અબજોપતિ ઈલોન મસ્કે કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો વિશે મોટી ભવિષ્યવાણી કરી દીધી છે. તેમણે કહ્યું છે કે, ઓકટોબર 2025 અથવા તે પહેલાં યોજાનારી કેનેડાની સામાન્ય ચૂંટણીમાં જસ્ટિન ટ્રુડો સત્તા ગુમાવશે. ઉલ્લેખનીય છે કે, મસ્કે અમેરિકી પ્રમુખની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પની ઘણી મદદ કરી હતી અને આગામી અમેરિકી પ્રમુખ ટ્રમ્પે પોતાની જીતના સંબોધનમાં ખાસ કરીને ઈલોન મસ્કનું નામ લીધું હતું. હવે ટ્રુડોને લઈને મસ્કની આગાહી બાદ કેનેડામાં રાજકીય તાપમાન વધવાની સંભાવના છે.

 

‘આગામી ચૂંટણીમાં ખેલ ખતમ થઈ જશે’

મસ્કે એક પોસ્ટ પર પ્રતિક્રિયા આપી અને કહ્યું કે, “તેને (ટ્રુડો) આગામી ચૂંટણીમાં હાંકી કાઢવામાં આવશે.”ઉલ્લેખનીય છે કે, X પર એક યુઝરે પોસ્ટ કરી હતી કે, જર્મનીની સમાજવાદી સરકાર પડી ભાંગી છે અને વહેલી ચૂંટણીને લઈને ચર્ચા શરૂ થઈ ગઈ છે. જેના જવાબમાં, મસ્કે પોસ્ટ કર્યું કે ‘ઓલાફ મૂર્ખ છે.’ મસ્ક જર્મન ચાન્સેલર ઓલાફ શોલ્ઝ તરફ ઇશારો કરી રહ્યા હતા. મસ્કના જવાબમાં રોબર્ટ રોનિંગ નામના વ્યક્તિએ લખ્યું કે, ‘અમે ટ્રુડોથી છૂટકારો મેળવવા માટે તમારી મદદ ઈચ્છીએ છીએ.’ જેના જવાબમાં મસ્કે લખ્યું કે, આગામી ચૂંટણીમાં ટ્રુડોને હાંકી કાઢવામાં આવશે. મહત્ત્વપૂર્ણ છે કે, 2025ની ચૂંટણીમાં ટ્રુડોની જીતવાની શક્યતાઓ ઘણી ઓછી છે.

ટ્રુડોનું ભારત પ્રત્યેનું વર્તન ‘દુશ્મન’ જેવું

ઉલ્લેખનીય છે કે, છેલ્લા ઘણા મહિનાઓથી જસ્ટિન ટ્રુડોનું ભારત પ્રત્યેનું વર્તન દુશ્મન જેવું રહ્યું છે. કેનેડાએ ભારત પર આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યાનો આરોપ લગાવ્યો ત્યારથી બંને દેશો વચ્ચેના સંબંધો તંગ બન્યા છે. તાજેતરના કિસ્સામાં, ભારતે ગુરુવારે કહ્યું કે કેનેડાએ વિદેશ પ્રધાન એસ. જયશંકર અને તેમના ઓસ્ટ્રેલિયન સમકક્ષ પેની વોંગની પ્રેસ કોન્ફરન્સના પ્રસારણના કલાકો પછી આ ઇન્ટરવ્યૂ લેનાર ઓસ્ટ્રેલિયન મીડિયા આઉટલેટને પ્રતિબંધિત કરી નાખ્યું હતું. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું કે, સોશિયલ મીડિયા હેન્ડલ અને ‘ઓસ્ટ્રેલિયા ટુડે’ના કેટલાક પેજને બ્લોક કરવાની કેનેડાની કાર્યવાહી અભિવ્યક્તિની સ્વતંત્રતા પ્રત્યે દંભની નિશાની છે.

જર્મનીના રાજકારણમાં હલચલ મચી ગઈ

મહત્ત્વપૂર્ણ છે કે, જર્મનીના ચાન્સેલર ઓલાફ શોલ્ઝે બુધવારે કહ્યું કે તેમણે નાણા મંત્રી ક્રિશ્ચિયન લિંડનરને બરતરફ કરી દીધા છે. શોલ્ઝની આ જાહેરાત શાસક ત્રણ-પક્ષીય ગઠબંધનના તૂટવાના સંકેત આપે છે, જેને લિંડનરના પક્ષનું સમર્થન પણ છે. દેશના બિમાર અર્થતંત્રને કેવી રીતે પુનર્જીવિત કરવું તે અંગે ગઠબંધન ભાગીદારો વચ્ચે અઠવાડિયાના ઝઘડા પછી શોલ્ઝે પ્રેસ કોન્ફરન્સમાં આ પગલાની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે, તેઓ જાન્યુઆરીમાં વિશ્વાસ મતનો પ્રસ્તાવ મૂકશે. જર્મનીમાં સામાન્ય ચૂંટણી સપ્ટેમ્બર 2025માં યોજાવાની છે પરંતુ શોલ્ઝના પગલાથી મધ્યસત્ર ચૂંટણીની શક્યતા વધી જાય છે.

આ પણ જૂઓ: ડોનાલ્ડ ટ્રમ્પની જીતથી ગભરાયા કેનેડીયન PM ટ્રુડો, સ્પેશિયલ કેબિનેટ કમિટી બનાવી

Back to top button