ઉત્તર ગુજરાતગુજરાત

ડીસામાં વરસાદથી મુશ્કેલીઃ બાઈવાડા ગામમાં શાળામાંથી બાળકોને ટ્રેકટરમાં બેસાડી બહાર લવાયા

Text To Speech

પાલનપુર, 05 સપ્ટેમ્બર 2024, હવામાન વિભાગની આગાહીના પગલે ડીસા શહેર અને ડીસા પંથકમાં રાત્રે અને દિવસે પડેલ ભારે વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતાં સ્થાનિકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ડીસા પંથકમાં પડેલા વરસાદે વહીવટીતંત્રના પ્રિ – મોન્સુન પ્લાનની પોલ ખોલી નાખી છે.

પ્રિ-મોન્સુન પ્લાનની પોલ ખુલ્લી પડી ગઈ
ડીસા તાલુકાના બાઈવાડા ગામે મુશળધાર વરસાદને પગલે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. ગામમાં ઘૂંટણસમા પાણી ભરાતાં ગ્રામજનોએ શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને ડેરીએ દુધ ભરાવા જતાં પશુપાલકો ટ્રેકટરમાં બેસીને પાણીના પ્રવાહમાં અવર જવર કરવા મજબૂર બન્યા હતા. જેને લઇને સ્થાનિકોએ પણ વિડ્યો બનાવી ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો. જ્યારે બાઈવાડા ગ્રામ પંચાયતની પણ પ્રિ-મોન્સુન પ્લાનની પોલ ખુલ્લી પડી ગઈ હતી.

ખેતરોમાં રહેતાં ખેડુતો પણ મુશ્કેલીમાં મુકાયા
બીજી તરફ ડીસા તાલુકાના વ્હારા ગામે ભારે વરસાદના પગલે વિજળી પડતાં એક ભેંસનું મોત થતાં અરેરાટી પ્રસરી જવા પામી હતી. ભેંસનું મોત થતાં તાલુકા પંચાયતના પુર્વ પ્રમુખ પતિ સહિત તલાટી કમ મંત્રી અને પશુ ચિકિત્સા અધિકારી પણ ઘટનાસ્થળે પહોંચી મુત્યુ પામેલ ભેંસનું પોસ્ટમોર્ટમ કરી સરકારમાં રીપોર્ટ મોકલવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. જ્યારે ડીસા પંથકમાં પડેલ ભારે વરસાદના પગલે ઠેરઠેર તબાહી સર્જી છે અને અનેક ખેતરોમાં પણ વરસાદી પાણી ભરાતાં ખેતરોમાં રહેતાં ખેડુતો પણ મુશ્કેલીમાં મુકાયા હતા.

આ પણ વાંચોઃબનાસકાંઠામાં ધોધમાર વરસાદ, ડીસામાં ચાર કલાકમાં પોણા ત્રણ ઇંચ ખાબક્યો

Back to top button