આજે તહેવારોનો ત્રિવેણી સંગમઃ ચૈત્ર નવરાત્રિ, ગુડી પડવો અને ચેટીચાંદ, જાણો શું છે મહત્ત્વ
ચૈત્ર નવરાત્રિનું પાવન પર્વ ચૈત્ર સુદ એકમથી નવ દિવસ માટે મનાવાય છે. ચૈત્રનો પહેલો દિવસ હિંદુ નવવર્ષનું આગમન માનવામાં આવે છે. સમગ્ર ભારતમાં ચૈત્રી નવરાત્રિનો તહેવાર ધૂમધામથી મનાવવામાં આવે છે. આજે તહેવારોનો ત્રિવેણી સંગમ છે. આજે નવરાત્રિની સાથે સાથે ગુડી પડવો અને ચેટીચાંદનો તહેવાર પણ ઉજવવામાં આવે છે.
કોણ ઉજવે છે ગુડી પડવાનો તહેવાર
ગુડી પડવો દક્ષિણ ભારત અને મહારાષ્ટ્રના સૌથી પ્રમુખ તહેવારોમાંથી એક છે. આ દિવસથી મરાઠી નવ વર્ષ શરૂ થાય છે. આ સાથે નવસંવત્સર પણ શરૂ થાય છે. દક્ષિણ ભારતના લોકો તેને ઉગાદી પર્વ પણ કહે છે. તે નવા પાકની શરૂઆતના પ્રતિકના રૂપમાં મનાવવામાં આવે છે.
ગુડી પડવાનું હિંદુ ધર્મમાં ખુબ મહત્ત્વ છે. મહારાષ્ટ્રમાં આ દિવસે પોતાના ઘર પર ગુડી ફરકાવવાની પરંપરા છે. એવી માન્યતા છે કે ઘરમાં ગુડી ફરકાવવાથી દરેક પ્રકારની નકારાત્મક શક્તિઓ દુર થાય છે. આ દિવસથી વસંત ઋતુનો આરંભ થાય છે અને દક્ષિણ ભારતના રાજ્યોમાં પાક ઉત્સવના રૂપમાં મનાવવામાં આવે છે. આ દિવસે સોનું ખરીદવું કે કાર ખરીદવી સારુ માનવામાં આવે છે. અલગ અલગ સ્થાનો પર તેને સંવત્સર, પડવો, ઉગાદી, ઉગાદિ, ચેતી, નવરેહના નામથી ઉજવવામાં આવે છે. આ દિવસે ભગવાન શ્રી રામે દક્ષિણની પ્રજાને અત્યાચારમાંથી મુક્ત કરાવી હતી . તેથી આ દિવસને એ રીતે પણ મનાવવામાં આવે છે.
કેવી રીતે બને છે ગુડી
સામાન્ય રીતે તાંબાના કળશને ગૂડા કહેવામાં આવે છે એક લાકડી ના છેડે તાંબાના કળશને એક રંગીન કપડા સાથે બાંધીને બારી બારણા પાસે ઉપર ઊંધો રાખવામાં આવે છે. તેનાથી નકારાત્મક શક્તિઓ ઘરમાં પ્રવેશતી નથી અને ભાગ્ય પ્રબળ રહે છે. એવી માન્યતા છે કે આ દિવસે રંગોળી કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ અને ખુશીઓ આવે છે. સાથે સાથે હળદર અને સિંદુરથી મુખ્ય દ્વાર પર સ્વસ્તિક પણ બનાવવામાં આવે છે. મહારાષ્ટ્રના ઘરોમાં આ દિવસે પુરણ પોળી બનાવીને ખાવામાં આવે છે.
સિંધી ભાઇ-બહેનો ઉજવે છે ચેટી ચાંદ
ભારતભરમાં વિવિધ ધર્મ, સમુદાય અને જાતિઓનો સમાવેશ છે, તેથી અહીં એકતામાં અનેકતાના દર્શન થાય છે. આપણા માટે આ ગર્વની વાત કહેવાય છે. અહીં દિવાળી, ઇદ, ક્રિસમસ હોય કે ચેટીચાંદ બધુ ધામધુમથી ઉજવવામાં આવે છે. સિંધી સમુદાયનો તહેવાર ભગવાન ઝુલેલાલનો જન્મોત્સવ ચેટીચાંદના રૂપમાં આખી દુનિયામાં હર્ષોલ્લાસ સાથે મનાવવામાં આવે છે. આ દિવસે સિંધી ભાઇઓ દરિયા લાલજી કે ઝૂલેલાલજીનું પૂજન કરે છે. આ તહેવાર સાથે જોડાયેલી પ્રમુખ માન્યતા એવી છે કે સિંધી સમુદાય વેપારી વર્ગ છે, તેઓ જ્યારે વેપાર માટે જળમાર્ગેથી પસાર થાય છે, ત્યારે અનેક આપત્તિઓનો સામનો કરવો પડે છે. આ સમયે તેઓ ભગવાન ઝુલેલાલને પ્રાર્થના કરે છે. વરુણદેવની સ્તુતિ કરે છે. ઝુલેલાલ જળના દેવતા કહેવાય છે. સિંધી લોકો તેમને આરાધ્ય દેવ માને છે.
આ પણ વાંચોઃ શું છે નવરોઝ અને કેમ ગૂગલે કેમ ડૂડલ દ્વારા ઉજવણી કરી? જાણો નવરોઝ વિશેની મહત્વની વાતો