ભજન, ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ એટલે ગિરનારની લીલી પરિક્રમા
પ્રકૃતિના ખોળે વિહેરવાની સાથો સાથો પુણ્યનું ભાથું બાંધવાનો અવસર અને ભજન, ભોજન તથવા ભક્તિનો સમન્વય એટલે ગિરનાર લીલી પરિક્રમા. આ પાવની પરિક્રમાનો કારતક સુદ-૧૧ (દેવ દિવાળી) એટલે કે, આવતીકાલે તા.૪-૧૧-૨૦૨૨ના રોજ મધ્યરાત્રીએ વિધિવત રીતે સાધુ સંતો- પદાધિકારીઓની ઉપસ્થિતિમાં પ્રારંભ કરવામાં આવશે. મહત્વનું છે કે, ગત બે વર્ષ કોરોના મહામારીના કારણે ગિરનાર પરિક્રમા યોજી શકાય ન હતી, ત્યારે આ વર્ષે મોટી સંખ્યમાં ઉમટી પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. જેને ધ્યાને રાખી જિલ્લા કલેક્ટર રચિત રાજના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પરિક્રમાર્થીઓ માટે પ્રાથમિક સુવિધાઓ સહિત જરૂરી તમામ આગોતરી તૈયારીઓ કરી દેવામાં આવી છે.
સોરઠ-સૌરાષ્ટ્રની સંસ્કૃતિને ઉજાગર કરતા અન્નક્ષેત્રો ધમધમવા લાગ્યાં
ગિરનાર પરિક્રમા માટે લાખોની સંખ્યામાં ભાવિકો ઉમટી પડે છે. ત્યારે સેવાભાવી સંસ્થાઓ પણ પરિક્રમાર્થીઓની સેવા માટે આગળ આવે છે. ખાસ કરીને યાત્રિકોની ભોજન સેવા માટે હોંશે-હોંશે સેવાકીય સંસ્થાઓ આગળ આવે છે. આમ, સોરઠ-સૌરાષ્ટ્ર સંસ્કૃતિને ઉજાગર કરતાં આ સેવાકીય સંસ્થાઓ પૂરા ભાવ સાથે પરિક્રમાર્થીઓને ભોજન કરાવે છે.
પરિક્રમા રૂટ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત
આ તકે જિલ્લા પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમ શેટ્ટીના દિશાનિર્દેશ મુજબ સમગ્ર ગિરનાર પરિક્રમા પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ખાસ સમગ્ર પરિક્રમા દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ અધિકારીઓને જવાબદારી સોંપી દેવામાં આવી છે. ગિરનાર પરિક્રમાને ધ્યાને રાખી વધારાનું પોલીસ બળ પણ તૈનાત કરી દેવામાં આવ્યું છે.
પરિક્રમાર્થીઓ માટે સરકારી દવાખાના કાર્યરત
ગિરનાર પરિક્રમાનો રૂટ ૩૬ કિ.મી. જેટલા લાંબો હોવાની સાથે કઠિન ચઢાણ વાળો છે, ત્યારે પરિકમાર્થીઓને આરોગ્ય સંબંધિત નાની મોટી તકલીફો થવાની સંભાવનાઓ રહેતી હોય છે. જેને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ગિરનાર પરિક્રમાના રૂટ ઉપર ઝીણાબાવાની મઢી, મારવેલા, બોરદેવી અને ભવનાથમાં સરકારી દવાખાના ઉભા કરવામાં આવ્યા છે. ગિરનાર પરિક્રમા દરમિયાન ઇમરજન્સી સેવા માટે એમ્બ્યુલન્સ સહિતની આરોગ્ય સુવિધાઓ પણ પરિક્રમાર્થીઓ માટે કાર્યરત ઉપલબ્ધ રાખવામાં આવી છે.
વન વિભાગ દ્વારા પરિક્રમાર્થીઓની સેવા માટે ૧૬ રાવટીઓ ઉભી કરાઈ
પરિક્રમાથીઓની સુવિધાઓ માટે ગિરનાર પરિક્રમાના કુલ ૩૬ કિ.મી.ના રૂટ ઉપર ૧૬ જેટલી રાવટીઓ ઉભી કરવામાં આવી છે. જે એક પ્રકારે યાત્રિકો માટે હેલ્પ સેન્ટરનું પણ કામ કરશે. અહીંયા વાયરલેસ ટોકી સાથે કર્મચારી ગણ સેવારત રહેશે. ઉપરાંત પ્રાથમિક સારવાર માટેની કીટ અને જરૂરી દવાઓ પણ ઉપલબ્ધ રાખવામાં આવશે. આમ, યાત્રાળુઓનું આરોગ્ય ન જોખમાય તે માટે તંત્ર દ્વારા પૂરતી તૈયારીઓ કરવામાં આવી છે.
પ્લાસ્ટિકની બેગના બદલામાં ઈકો ફ્રેન્ડલી બેગનું વિતરણ
ગિરનાર પરિક્રમાં અભયારણ્ય વિસ્તારમાં યોજાઈ છે, ત્યારે પર્યાવરણ પ્રકૃતિને હાનિ ન પહોંચે તેની વિશેષ કાળજી લેવી જરૂરી છે. આ માટે ભવનાથમાં ગિરનાર પરિક્રમા પ્રવેશ દ્વાર નજીક એક સેવાકીય સંસ્થા દ્વારા યાત્રિકો પાસેથી પ્લાસ્ટિકની થેલી જમા લઈને પ્રકૃતિને હાનિ ન પહોંચાડે તેવી ઈકો ફ્રેન્ડલી થેલી આપવામાં આવે છે. જેના થકી યાત્રાળુઓ ઈકો ફ્રેન્ડલી થેલીમાં પોતના જરૂરી સામાન લઈ શકે.
ભવનાથ સુધી રાઉન્ડ ધી ક્લોક એસ.ટી. બસ સેવા
આ ઉપરાંત બહારગામથી જૂનાગઢ આવતા યાત્રિકોની પરિવહન સુવિધા માટે રાઉન્ડ ધી ક્લોક એસ.ટી. બસ સેવા શરૂ કરવામાં આવી છે. જૂનાગઢના મુખ્ય એસ.ટી. બસ મથક ખાતેથી ભવનાથ જવા માટે એસ.ટી. બસ સેવા શરૂ કરવામાં આવી છે.