15 ઓગસ્ટગુજરાતદક્ષિણ ગુજરાત

સુરતમાં 150 થી વધુ ડાયમંડ કંપનીઓના 40 હજાર થી વધુ રત્નકલાકારોની ત્રિરંગાયાત્રા

Text To Speech

સુરતઃ આઝાદી કા અમૃત મહોત્સવની ભવ્ય ઉજવણી નિમિત્તે કેન્દ્ર સરકાર દ્વારા તા.૧૩ થી ૧૫મી ઓગસ્ટ સુધી દેશવ્યાપી હરઘર તિરંગા અભિયાનનો પ્રારંભ થયો છે. ત્યારે કતારગામના અનાથ બાળાશ્રમ ખાતેથી શહેરી વિકાસ મંત્રી વિનોદભાઈ મોરડીયાની આગેવાનીમાં કતારગામ વિસ્તારની 150થી વધુ હીરા કંપનીઓના રત્નકલાકારો તથા શાળાના વિદ્યાર્થીઓ સાથે 4 કિલોમીટરની લાંબી ઐતિહાસિક ‘તિરંગા યાત્રા’ યોજવામાં આવી હતી. ભારતીના જયઘોષથી સમગ્ર વિસ્તાર દેશ પ્રેમના નાદથી ગુંજી ઉઠયો હતો.

તિરંગા યાત્રા
ઠેર-ઠેર લોકોએ કરી પુષ્પવર્ષા

તિરંગા યાત્રા કતારગામના અનાથ બાળઆશ્રમથી પ્રસ્થાન કરી ધનમોરા, વાળીનાથ ચોક, સીંગણપોર ચાર રસ્તા, ડભોલી ચાર રસ્તા થઈને પાટીદાર સમાજની વાડી પહોંચી હતી. જેમાં પદાધિકારીઓ, હીરા ઉદ્યોગકારો, રત્ન કલાકારો, વિદ્યાર્થીઓ મળી અંદાજીત 40,000થી વધુ પદયાત્રીઓએ સ્વયંભુ જોડાઈને યાત્રાને ઐતિહાસિક બનાવી હતી.

તિરંગા યાત્રા
4 કિલોમીટરની લાંબી ઐતિહાસિક ‘તિરંગા યાત્રા’

આ પ્રસંગે મંત્રી વિનોદભાઈ મોરડીયાએ જણાવ્યું કે, વડાપ્રધાન મોદીના ‘હર ઘર તિરંગા’ના આહ્વાનને સુરતની જનતાએ ઝીલ્યું છે. આજની આ તિરંગા પદ યાત્રામાં રત્ન-કલાકારો, વિદ્યાર્થીઓએ જોડાઈને યાત્રાને ચાર ચાંદ લગાવી દીધા છે. દેશના સૌ નાગરિકો માટે તિરંગા યાત્રા દેશભક્તિનો અમૂલ્ય અવસર બન્યો છે. અને પ્રત્યેક નાગરિકોમાં દેશપ્રેમ છલકાયો હોવાનું તેમણે કહ્યું હતું.

આ તિરંગા યાત્રામાં ઠેર-ઠેર લોકોએ પુષ્પવર્ષા કરી તમામ પદયાત્રીઓને આવકાર્યા હતા. રત્ન કલાકારોએ હાથમાં રાષ્ટ્રધ્વજ લઈ માનભેર તિરંગો લહેરાવી દેશભક્તિના નારા લગાવ્યા હતા. દેશભક્તિના ગીતો વચ્ચે સૌએ મોટી સંખ્યામાં તિરંગા યાત્રામાં સહભાગી બની ‘વન્દે માતરમ’ના નારા સાથે રાષ્ટ્રીય ભાવના અને દેશની એકતાનો પરિચય કરાવ્યો હતો. સાથે જ આઝાદીના લડવૈયાઓના વેશભૂષા સાથે બાળકોએ આઝાદીના જંગનું સ્મરણ કરાવ્યું હતું.

વન્દે માતરમ
વન્દે માતરમ’ના નારા લગાવ્યા

આ તિરંગા પદયાત્રામાં પદ્મશ્રી મથુરભાઈ સવાણી, હીરા ઉદ્યોગકાર લાલજીભાઈ પટેલ, કેયુરભાઈ ગોટી, ભરતભાઈ કથીરીયા, વિરજીભાઈ પાલડીયા, સમાજ અગ્રણી મગનલાલ ડોબરીયા, છગનભાઈ માંગુકિયા, રમેશભાઈ બોરડ સહિત સુરત ડાયમંડ એસો.ના હોદ્દેદારો, રત્નકલાકારો, સામાજીક અંગ્રણીઓ, હીરા વ્યાપારીઓ, કોર્પોરેટરો,સંગઠનના હોદ્દેદારો, વિદ્યાર્થીઓ, શિક્ષકગણ સહિત મોટી સંખ્યામાં રાષ્ટ્રપ્રેમીઓ આ તિરંગાયાત્રામાં જોડાયા હતા.

Back to top button