ટ્રેન્ડિંગનેશનલ

ત્રિપુરામાં માનવતા શરમાઈ: આડા સંબંધની શંકાએ મહિલા પર બર્બરતા, જૂતાનો હાર પહેરાવી ગામમાં ફેરવી

નવી દિલ્હી: 28 ડિસેમ્બર, 2025: ત્રિપુરાના ધલાઈ જિલ્લામાં એક મહિલા સાથે અત્યંત અમાનવીય વ્યવહારની ઘટના સામે આવી છે. આડા સંબંધની શંકાના આધારે ગ્રામીણોએ એક મહિલાને કૃરતાપૂર્વક માર માર્યો અને ત્યારબાદ તેને જૂતાનો હાર પહેરાવી આખા ગામમાં ફેરવી અપમાનિત કરી હતી. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ પોલીસે તપાસ તેજ કરી છે.

શું છે સમગ્ર ઘટના?

પોલીસના જણાવ્યા અનુસાર, પીડિત મહિલા બે પુત્રોની માતા છે. શનિવારે સવારે કમલપુર પોલીસ સ્ટેશન હેઠળના હરેરખોલા ગામમાં ટોળાએ મહિલાને તેના ઘરમાંથી બહાર ખેંચી કાઢી હતી. ઉશ્કેરાયેલા ગ્રામીણોએ મહિલાને ઢોર માર માર્યો હતો અને તેને પરાણે જૂતાનો હાર પહેરવા મજબૂર કરી હતી.

ઘટનાની જાણ થતા જ પોલીસની એક ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે રસ્તા પર ગંભીર હાલતમાં પડેલી મહિલાને બચાવી હતી અને સારવાર માટે અંબાસાની જિલ્લા હોસ્પિટલમાં ખસેડી હતી. હોસ્પિટલમાં મહિલાનું સીટી સ્કેન કરવામાં આવ્યું છે અને હાલમાં તેની હાલત જોખમથી બહાર હોવાનું કહેવાય છે.

કાયદાકીય કાર્યવાહી અને ધરપકડ

પોલીસે આ મામલે શનિવારે જ કમલપુર પોલીસ સ્ટેશનમાં કેટલાક લોકો સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. અત્યાર સુધીમાં આ ઘટનામાં સંડોવાયેલા એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે અને અન્ય આરોપીઓની શોધખોળ ચાલુ છે.

મહિલા આયોગનો આક્રોશ

ત્રિપુરા મહિલા આયોગ (TCW) ના ચેરપર્સન ઝરણા દેબબર્માએ રવિવારે આ ઘટનાની આકરી શબ્દોમાં નિંદા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, “અમે મહિલા પર થયેલા અત્યાચાર અને અપમાનની સખત નિંદા કરીએ છીએ. કોઈ પણ વ્યક્તિને કાયદો હાથમાં લેવાનો અધિકાર નથી. અમે પોલીસને આ મામલે સંડોવાયેલા તમામ લોકો સામે કડક કાર્યવાહી કરવા આદેશ આપ્યો છે.”

આ પણ વાંચોઃ “હું ભારતીય છું” ની ચીસો છતાં મોત! ત્રિપુરાના વિદ્યાર્થીની હત્યાએ દુનિયાને ઝંઝોળી

આ પણ વાંચોઃ સિક્કિમના પ્રખ્યાત ગોએચા લા ટ્રેકિંગ રૂટ પર ફરી સર્જાઈ દુઃખદ ઘટના: યુપીના ટ્રેકરનું મોત

Back to top button