રાજકોટમાં ટ્રિપલ મર્ડર : યુવકે પત્ની, તેના પ્રેમી અને બાળક ઉપર ટ્રક ચડાવી હત્યા કરી
રાજકોટમાં રવિવારે સમી સાંજે ટ્રિપલ મર્ડરની ઘટના સામે આવી છે. જેમાં આજીડેમ ચોકડી પાસે એક યુવકે ટ્રક માથે ચડાવી તેની પત્ની, તેના પ્રેમી અને 10 વર્ષના બાળકને ચગદી નાખ્યા છે. પ્રારંભિક તપાસમાં આ ઘટના અકસ્માતની હોવાનું ગણવામાં આવતું હતું પણ ત્યારબાદ પોલીસે તપાસ કરતા બનાવ હત્યાનો હોવાનું ખુલતા ખળભળાટ મચી ગયો હતો.
ત્રણેયના મૃતદેહને પીએમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા
મળતી માહિતી મુજબ, રવિવારે સાંજે શહેરના ભાવનગર રોડ ઉપર આવેલ આજીડેમ ચોકડી પાસે એક કન્ટેનર ટ્રકે એક સ્કૂટરને હડફેટે લેતા એક બાળક સહિત ત્રણના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જે અંગેની જાણ થતા આજીડેમ પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને ત્રણેય મૃતકોના મૃતદેહોને પીએમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. પ્રાથમિક તપાસમાં આ બનાવ અકસ્માતનો હોય તેમ જાણી પોલીસે આ અંગે વધુ તપાસ શરૂ કરી હતી.
મૃતક યુવક અને મહિલા કેટરિંગનું કામ કરતા હતા
આ ઘટનામાં પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતકમાં નવનીત રામજીભાઈ વરૂ (ઉ.વ.24) અને પારુલ પ્રવીણભાઈ દાફડા (ઉ.વ.25) નામની મહિલાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત એક મૃતક બાળક જેની ઓળખ પ્રદીપ પ્રવીણભાઈ દાફડા (ઉ.વ.8) હોવાનું જાણવા મળ્યું છે. આ અકસ્માતના પગલે ઘટનાસ્થળે કમકમાટી ભર્યા દ્રશ્યો જોવા મળ્યા હતા. બનાવ અંગે પોલીસ સુત્રોમાંથી જાણવા મળેલ છે કે, મૃતક મહિલા અને પુરુષ કેટરિંગ કામ કરતા હતા.
મૃતક મહિલા અને યુવક વચ્ચે પ્રેમ સંબંધ હતો
આ ઘટના અંગે પોલીસે ઊંડાણ પૂર્વક તપાસ કરતા જાણવા મળેલ કે, બનાવમાં અકસ્માત સર્જનાર ટ્રક ચાલક બીજું કોઈ નહીં પણ મૃતક મહિલા પારુલનો પતિ પ્રવીણ હતો. જેથી પૂછપરછ અને મૃતકોના સગા સંબંધીઓની પૂછપરછમાં ખુલ્યું કે, મૃતક મહિલાને નવનીત રામજીભાઈ વરૂ સાથે પ્રેમ સંબંધ હતો. જેથી આ મામલે પારુલના પતિ સાથે માથાકૂટ ચાલતી હતી. અકસ્માત જોતા પોલીસ નિષ્કર્ષ ઉપર આવી છે કે, પારુલના પતિએ હત્યા કરવાના ઇરાદે ટ્રક સ્કૂટર ઉપર ચડાવી પારુલ, નવનીત અને એક બાળકની હત્યા નિપજાવી છે.
સવારે પત્ની ઘર મૂકીને ચાલી ગયાની અરજી આપી હતી
દરમિયાન આ બનાવ અંગે આજીડેમ પોલીસના પીઆઈ એલ.એલ. ચાવડાના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, મૃતક મહિલા પારુલ અને આરોપી તેના પતિ પ્રવીણને નવનીત સાથેના પ્રેમ સંબંધ બાબતે માથાકૂટ ચાલતી હતી. જેથી આજે સવારે પારુલ તેનું ઘર મૂકી ભાગી ગઈ હતી. જેથી પ્રવીણે ભક્તિનગર પોલીસ મથકે આ અંગે અરજી આપી હતી. જેના આધારે પોલીસે પ્રવીણની પત્નીને નિવેદન માટે બોલાવી હતી.
પારુલે પોતાની મરજીથી ઘર છોડ્યાનું નિવેદન આપ્યું
ભક્તિનગર પોલીસ મથકમાં પ્રવીણે આપેલી અરજીના આધારે પોલીસે પારુલને બોલાવી હતી. પોલીસે બોલાવતા પારુલ ત્યાં હાજર થી હતી. પોલીસની પુછપરછમાં તેણે પોતાની મરજીથી ઘર છોડ્યાનું જણાવ્યું હતું. જેથી પોલીસે પારુલને ત્યાંથી રવાના કરી હતી. બીજી બાજુ પત્નીએ આપેલા નિવેદન બાદ પ્રવીણ પણ હી નીકળી ગયો હતો અને પોતાનો ટ્રક લઈ આજીડેમ ચોકડીએ પહોંચ્યો હતો.
પ્રવીણ ટ્રક લઈને આજીડેમ ચોકડી રાહ જોતો
આજીડેમ ચોકડીએ થોડીવાર રાહ જોયા બાદ પારુલ તેમજ તેનો પ્રેમી નવનીત અને દીકરો પ્રદીપ સ્કૂટર ઉપર નીકળ્યા હતા. જેને જોતા પ્રવીણની માથે પહેલેથી જ ખૂન સવાર હોય તેમ તેણે પોતાનો ટ્રક પુરપાટ ઝડપે હંકાવી મુક્યો હતો અને નવનીત તેમજ પારુલના સ્કૂટર સાથે ધડાકાભેર અથડાવ્યુ હતું અને ત્રણેય ફંગોળાઈ જતા તેની માથે ટ્રક ચડાવી દીધો હતો. જેને કારણે તેને ગંભીર ઇજા પહોંચી હતી. આ અકસ્માતમાં પારુલ તેમજ તેના દીકરાના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જયારે કે નવનીતને ગંભીર હાલતમાં સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જો કે ટૂંકી સારવાર બાદ તેનું પણ મોત થયું હતું. આ બનાવમાં આજીડેમ પોલીસે મૃતક નવનીતના ભાઈની ફરિયાદના આધારે આઇપીસી 302 વગેરે કલમ હેઠળ ગુનો નોંધવા તજવીજ કરી આરોપી પતિની શોધખોળ હાથ ધરી છે.