સુરત-વડોદરા હાઇવે પર ટ્રિપલ અકસ્માત, 2 GEB કર્મચારીઓના મૃત્યુ
- ટ્રક અને બાઇક તથા અન્ય એક વાહન વચ્ચે ભયાનક ટક્કર થઇ
- હાઇવે પર ટ્રિપલ અકસ્માત સર્જાતા ટ્રાફિક જામ સર્જાયો હતો
- પોલીસે હાલમાં અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે
સુરત-વડોદરા હાઇવે પર ટ્રિપલ અકસ્માત સર્જાયો છે. જેમાં 2 GEB કર્મચારીઓના મૃત્યુ થયા છે. ગુજરાત રાજ્યભરમાં દરરોજ અકસ્માતોની સંખ્યા વધી રહી છે. ત્યારે સુરત-વડોદરા હાઇવે પર અવારનવાર અકસ્માત સર્જાય છે. અકસ્માત સર્જાતા આસપાસમાંથી મોટી સંખ્યામાં લોકો દોડી આવ્યા હતા.
હાઇવે પર ટ્રિપલ અકસ્માત સર્જાતા ટ્રાફિક જામ સર્જાયો હતો
હાઇવે પર ટ્રિપલ અકસ્માત સર્જાતા ટ્રાફિક જામ સર્જાયો હતો. જોકે પોલીસે ભારે જહેમત બાદ ટ્રાફિકને દૂર કરી ફરીથી હાઇવે શરૂ કરાવ્યો હતો. સુરત-વડોદરા હાઇવે પર સાવા પાટિયા વિસ્તારમાં પૂરપાટ ઝડપે આવી રહેલી ટ્રક અને બાઇક તથા અન્ય એક વાહન વચ્ચે ભયાનક ટક્કર થઇ હતી. આ અકસ્માતમાં બાઇક પર સવાર બે જીઇબીના કર્મચારીઓના મોત નિપજ્યા હતા. અમોલ પાટીલ અને પ્રજ્ઞેશ પટેલ સુરતથી વડોદરા બદલીનો ઓર્ડર લેવા જઇ રહ્યા તે દરમિયાન અકસ્માતનો ભોગ બન્યા હતા.
પોલીસે હાલમાં અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે
ટ્રક અને બાઇક વચ્ચે ટક્કર થતાં આસપાસમાંથી લોકોના ટોળેટોળા દોડી આવ્યા હતા. મોટી સંખ્યામાં લોકો ભેગા થઇ જતાં અને વાહનોની લાંબી લાઇનો લાગતાં સુરત-વડોદરા હાઇવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. જોકે પોલીસે ઘટનાસ્થળે પહોંચી ભારે જહેમત બાદ રસ્તો ખુલ્લો કરાવી ટ્રાફિકને મેનેજ કરી હાઇવે શરૂ કરાવ્યો હતો. પોલીસે હાલમાં અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો: અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં ઓપરેશન કરનાર ડૉ. પ્રશાંત વજીરાણી 4 દિવસના રિમાન્ડ પર