બોરસદ નજીક ત્રિપલ અકસ્માત, કાર બાઈક સાથે અથડાઈને ટ્રકમાં ઘૂસી ગઈ, ત્રણના મૃત્યુ
આણંદ, 8 જાન્યુઆરી 2024, બોરસદમાં રાત્રિના સમયે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ઝારોલા ગામના બસ સ્ટેન્ડ નજીક પુરપાટ ઝડપે પસાર થતી એક કાર આગળ જતા બાઈક સાથે અથડાયા બાદ સામેથી આવતા ટ્રકમાં ઘૂસી ગઈ હતી. આ અકસ્માતમાં કારમાં સવાર ત્રણેય યુવકો ઘટનાસ્થળે જ મૃત્યુ પામ્યા હતાં. જ્યારે બાઈક પર સવાર ત્રણ યુવકોને સામાન્ય ઈજા પહોંચી છે. ભાદરણ પોલીસે કારચાલક સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
ટ્રકની નીચે ઘૂસી જતા કારનો ફૂરચો વળી ગયો
પ્રાપ્ત માહિતી મુજબ આંકલાવ તાલુકાના ગંભીરા ગામમાં રહેતા 22 વર્ષીય જયેશ રબારી તેમના પિતા અને મામા સાથે ગઈ કાલે રાત્રીના સમયે બાઈક લઈને કણભા ગામે માતાજીના માંડવામાં હાજરી આપવા જતાં હતાં. તેઓ બોરસદ તાલુકાના ઝારોલા ગામના બસ સ્ટેન્ડ પાસેથી પસાર થતાં હતાં. તે વખતે માર્ગ પર પાછળથી પુરપાટ ઝડપે આવતી કાર તેમના બાઈક સાથે અથડાઈ હતી. બાઇક સાથે અથડાયા બાદ બેકાબુ બનેલી આ કાર રોંગ સાઇડે જઈને સામેથી આવતી એક રેતી ભરેલી ટ્રક નંબરમાં ધડાકાભેર ઘુસી ગઈ હતી.ગાડીની ટક્કર વાગવાથી બાઇક પર સવાર જયેશભાઈ તેમના પિતા રવાભાઈ અને મામા શંકરભાઈ રોડ પર પટકાતા ત્રણેયને ઇજાઓ પહોંચી હતી. ટ્રકની નીચે ઘૂસી જવાથી કારનો ફૂરચો વળી ગયો હતો અને તેમાં સવાર ત્રણેય યુવકોના ઘટનાસ્થળે જ મૃત્યુ થયા હતા.
પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધ્યો
અકસ્માતને પગલે સ્થળ પર લોકોના ટોળે ટોળા ભેગા થઈ ગયા હતાં અને માર્ગ પર ટ્રાફિકજામ પણ સર્જાયો હતો. બનાવની જાણ થતાં ભાદરણ પોલીસની ટીમ તરત જ સ્થળ પર પહોંચી હતી. પોલીસે જે.સી.બીથી કારના પતરાં ઊંચા કરી તેમાં ફસાયેલા ત્રણેય મૃતદેહોને બહાર કઢાવ્યા હતાં.આ ત્રણેય મૃતકો બોરસદ તાલુકાના જંત્રાલ ગામના હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. આ બનાવ અંગે બાઈકચાલક જયેશભાઇ રવાભાઈ રબારીની ફરીયાદને આધારે ભાદરણ પોલીસે આ અકસ્માત સર્જી મોતને ભેટનાર કારચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચોઃ VGGS 2024: વાયબ્રન્ટ રાજ્યમાં વાયબ્રન્ટ ડબલ ડેકર AC બસ સેવા શરૂ