ગુજરાતની ચૂંટણીમાં દરેક પક્ષ માટે મહત્તવ છે આદિવાસી સમાજ, જાણો વોટબેંકનું મહત્વ
ગુજરાતમાં 15 ટકા જેટલી વસતી ધરાવતા આદિવાસી સમાજની લગભગ એક કરોડ જેટલી જનસંખ્યા છે. જેમાં વિવિધ સમુદાયમાં વહેંચાયેલો આદિવાસી સમાજ અંબાજીથી ઉમરગામ સુધી વસવાટ કરે છે. તેમજ દક્ષિણ ગુજરાતમાં મોટી સંખ્યામાં આદિવાસ સમાજ વસવાટ કરે છે. પ્રકૃતિ સાથે જોડાયેલો સમાજ રાજ્યના રાજકારણમાં કેટલું મહત્વ ધરાવે છે તે આજે ચર્ચાનો મુદ્દો બન્યો છે. જેમાં તાજેતરમાં અનંત પટેલ પર થયેલા હુમલા બાદ આદિવાસી સમાજમાં આક્રોશ ફેલાયો છે. તેથી આ વખતે ચૂંટણીમાં કોને આ સમાજ વોટ આપશે તેનો સમય બતાવશે. પણ આ સમાજની વોટબેંક વિશે જાણીએ.
ઉનાઈ, નવસારી ખાતે 'ગુજરાત ગૌરવ યાત્રા' અને 'ભગવાન બિરસા મુંડા આદિવાસી વિકાસ યાત્રા'ના શુભારંભ પ્રસંગે મારું સંબોધન. https://t.co/OrJ5BPM4Fo
— Amit Shah (@AmitShah) October 13, 2022
અમિત શાહે ‘બિરસા મુંડા આદિવાસી ગૌરવ યાત્રા’ને શરૂ કરાવી
આજે કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ ઉનાઈ માતાથી ફાગવેલ સુધી ગુજરાત ગૌરવ યાત્રા અને ઉનાઈ માતાથી અંબાજી સુધી ‘બિરસા મુંડા આદિવાસી ગૌરવ યાત્રા’ને શરૂ કરાવી છે. બિરસા મુંડા આદિવાસી ગૌરવ યાત્રાથી ભાજપ ગુજરાતના આદિવાસી મતદારોના પ્રભુત્વ ધરાવતા વિસ્તાર પર પકડ મજબૂત કરવાનો પ્રયાસ કરી રહી છે. ગુજરાતની ચૂંટણીમાં આદિવાસી બેલ્ટ કોંગ્રેસનો ગઢ રહ્યો છે. અહીંથી કોંગ્રેસને છેલ્લી ત્રણેય ચૂંટણીમાં સૌથી વધુ બેઠકો મળી હતી. ભાજપનો આ ચૂંટણીમાં 182 બેઠકો જીતવાનો લક્ષ્યાંક રાખ્યો છે. એવામાં આદિવાસી બેઠકો ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. ત્યારે ભાજપ દ્વારા ઉનાઈથી અંબાજી સુધીની યાત્રા દ્વારા કોંગ્રેસના ગઢમાં પોતાની પકડ મજબૂત કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જેથી આદિવાસી મતદારો સુધી પોતાની પકડ બનાવી શકે.
કુલ વોટ 15 ટકા આદિવાસી વોટબેંક ગુજરાતમાં
કુલ વોટ 15 ટકા આદિવાસી વોટબેંક ગુજરાતમાં છે. તેમનું સમર્થન મેળવવામાં ભાજપ કોઈ કસર છોડવા નથી માગતી. ભરુચ,નર્મદા જિલ્લામાં બીટીપીના ઘણા નેતાઓ ચૂંટણી પહેલા ભાજપમાં જોડાઈ ગયા છે. ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, ભરુચ, તાપી, વલસાડ, નવસારી, ડાંગ, સુરત જિલ્લામાં આદિવાસી સમાજનું સારું એવું પ્રભુત્વ છે. એવામાં ચૂંટણી પહેલા ભાજપની નજર આ જિલ્લાની બેઠકો જીતવા પર છે. આગામી 19 અને 20 ઓક્ટોબરે પ્રધાનમંત્રી ફરી ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે અને તેઓ છોટાઉદેપુરમાં જનસભાને સંબોધી શકે છે. ગુજરાત વિધાનસભાની આપણે વાત કરીએ તો ગુજરાત વિધાનસભામાં 182 સીટોમાંથી આદિવાસીઓની 27 બેઠક છે. આ બેઠકમાં 2007માં કોંગ્રેસે 27માંથી 14 સીટો પ્રાપ્ત કરી હતી. 2012ની ચૂંટણીમાં 16 સીટો પ્રાપ્ત કરી હતી અને 2017ની વાત કરીએ તો કોંગ્રેસ તે વખતે પણ અહીંથી 14 સીટો જીતી હતી અને ભાજપને 9 સીટો જ મળી શકી હતી. જ્યારે બીટીપીના ઉમેદવારોને 2 અને અન્ય ઉમેદવારોને 2 સીટો મળી હતી.