T20 વર્લ્ડકપટોપ ન્યૂઝવિશેષસ્પોર્ટસ

વર્લ્ડ કપમાંથી ન્યૂઝીલેન્ડની વિદાય સાથે જ બોલ્ટે નિવૃત્ત થવાની જાહેરાત કરી દીધી

Text To Speech

15 જૂન અમદાવાદ: આજે  યુગાંડા સામે ભવ્ય વિજય મેળવ્યા છતાં ન્યૂઝીલેન્ડ હાલમાં વેસ્ટ ઇન્ડિઝ અને યુએસએમાં ચાલી રહેલા ICC T20 World Cup 2024માંથી બહાર નીકળી ગયું છે. ન્યૂઝીલેન્ડની વિદાય સાથે જ તેના લેફ્ટ આર્મ સ્વિંગ બોલર ટ્રેન્ટ બોલ્ટે નિવૃત્ત થવાની જાહેરાત કરી દીધી છે. બોલ્ટ ન્યૂઝીલેન્ડ ઉપરાંત અનેક T20 લીગ્સમાં રમે છે. IPLમાં તે રાજસ્થાન રોયલ્સ વતી રમે છે.

આજની મેચ પત્યા બાદ જ્યારે બોલ્ટ પ્રેસ કોન્ફરન્સ સંબોધી રહ્યો હતો ત્યારે તેણે પોતાની નિવૃત્તિની જાહેરાત કરતાં કહ્યું હતું કે, ‘મને નથી લાગતું કે હું હવે આગામી T20 World Cup રમી શકીશ આથી આ મારો અંતિમ વર્લ્ડ કપ છે.’ ટ્રેન્ટ બોલ્ટે નિવૃત થવાની જાહેરાત કરતાં સ્પષ્ટરૂપે એમ નહોતું કહ્યું કે આ તેની અંતિમ મેચ હતી, પરંતુ તેણે આ પોતાનો અંતિમ વર્લ્ડ કપ હોવાનું કહીને નિવૃત્તિને કન્ફર્મ જરૂર કરી દીધી છે. કારણકે મોટાભાગે ટીમો બે વર્લ્ડ કપ વચ્ચે જ પોતાની ટીમ નક્કી કરી લેતી હોય છે.

આ વર્લ્ડ કપમાં ન્યૂઝીલેન્ડના દેખાવ અંગે બોલતા બોલ્ટે જણાવ્યું હતું કે, ‘અમે ઈચ્છી રહ્યા હતા એવી શરૂઆત અમને આ ટુર્નામેન્ટમાં નહોતી મળી શકી. આ પરિસ્થિતિ પચાવવી અઘરી છે. અમે હવે આ ટુર્નામેન્ટમાં આગળ નથી વધી શકવાના એ જાણીને અમે તમામ ખૂબ નિરાશ છીએ. પરંતુ, જ્યારે પણ તમને તમારા દેશનું પ્રતિનિધિત્વ કરવા મળે ત્યારે એ પળ કાયમ ગર્વની પળ હોય છે.’

ટ્રેન્ટ બોલ્ટનું ભવિષ્ય આમ પણ અધરમાં લટકેલું હતું કારણકે 2022માં જ્યારે ન્યૂઝીલેન્ડ ક્રિકેટે સેન્ટ્રલ કોન્ટ્રેક્ટ્સ જાહેર કર્યા ત્યારે તેમાં બોલ્ટનું નામ ન હતું. ત્યારબાદ બોલ્ટે પોતાનું સમગ્ર ધ્યાન ફ્રેન્ચાઈઝી ક્રિકેટ પર જ કેન્દ્રિત કરી દીધું હતું.

ટ્રેન્ટ બોલ્ટ IPL ઉપરાંત અનેક લીગ્સમાં રમે છે. બોલ્ટ આ પ્રકારના ફોર્મેટમાં પોતાની પહેલી ઓવર નાખવ માટે અત્યંત જાણીતો બન્યો છે. શરૂઆતમાં જ્યારે બોલ નવો હોય ત્યારે ટ્રેન્ટ બોલ્ટની સ્વિંગ બોલિંગ બેટ્સમેનો માટે ખતરનાક બની જતી હોય છે. IPLમાં ટ્રેન્ટ બોલ્ટે તેની મહત્તમ વિકેટો પોતાની પહેલી બે ઓવરોમાં લીધી હોય એવા અસંખ્ય દાખલાઓ છે.

બોલ્ટ હવે જ્યારે નિવૃત્ત થવા જઈ રહ્યો છે ત્યારે એમ કહી શકાય કે પપુઆ ન્યૂ ગિની સામેની ન્યૂઝીલેન્ડની મેચ તેની અંતિમ T20I મેચ બની રહેશે.

Back to top button