નરેન્દ્ર મોદી અને ડૉ. મનમોહન સિંહમાંથી કોણ શ્રેષ્ઠ વડાપ્રધાન? આ રહ્યા આંકડા
નવી દિલ્હી, તા. 27 ડિસેમ્બર, 2024: પૂર્વ પ્રધાનમંત્રી ડૉ. મનમોહન સિંહનું 92 વર્ષની વયે નિધન થયું હતું. તેમને એઈમ્સના ઇમરજન્સી વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા. ડૉ. મનમોહન સિંહે બે વખત ભારતના વડાપ્રધાન તરીકે સેવા આપી હતી. 10 વર્ષના તેમના સમયગાળામાં ભારતે અનેક મુકામ હાંસલ કર્યા હતા.
જીડીપી વૃદ્ધિ દર, ફુગાવો, રાજકોષીય ખાધ, વિદેશી દેવું અને વિદેશી વિનિમય ભંડારના આંકડા તેમના કાર્યકાળ અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શાસનમાં કેવા રહ્યા? આ સરખામણી ડૉ. મનમોહન સિંહ સરકાર (2004-2014) અને મોદી સરકાર (2014-2022) ના આંકડા પર આધારિત છે.
જીડીપી વૃદ્ધિ દર
ઈકોનોમિક ટાઈમ્સના રિપોર્ટ અનુસાર, મનમોહન સરકાર (2004-2014) દરમિયાન સરેરાશ જીડીપી ગ્રોથ રેટ 6.8 ટકા હતો. મોદી સરકાર (2014-2022) હેઠળ સરેરાશ વિકાસ દર 5.25 ટકા હતો. જ્યારે, કોવિડ મહામારી અસરને દૂર કરવા પર, આ દર 6.84% સુધી પહોંચ્યો હતો, જે મનમોહન સરકાર જેટલો છે.
ફૂગાવો
ડૉ. મનમોહન સિંહના શાસનકાળમાં મોંઘવારી દર 7.5 ટકા હતો. જ્યારે મોદી સરકારે તેને સરેરાશ 5% પર જાળવી રાખ્યો હતો.
રાજકોષીય ખાધ અને ચાલુ ખાતાની ખાધ
યુપીએના કાર્યકાળમાં સરેરાશ રાજકોષીય ખાધ 4.3 ટકા અને ચાલુ ખાતાની ખાધ 2.4 ટકા હતી. જ્યારે 2012-2013 માં ચાલુ ખાતાની ખાધ 4.8 ટકા સુધી પહોંચી હતી. મોદી સરકારે રાજકોષીય ખાધને 3.7 ટકા પર જાળવી રાખી હતી. ચાલુ ખાતાની ખાધ પણ 1.6 ટકા રહી હતી.
વિદેશી દેવું
માર્ચ 2014 માં ભારતનું વિદેશી દેવું 440.6 અબજ ડોલર હતું, જે મોદી સરકાર માર્ચ 2023 માં 613 અબજ ડોલર સુધી પહોંચી ગયું હતું.
ઇઝ ઓફ ડુઈંગ
ડૉ. મનમોહન સિંહની સરકાર દરમિયાન ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ ઈન્ડેક્સમાં ભારતનો ક્રમ 132થી ઘટીને 134 પર આવી ગયો હતો. મોદી સરકારે આ ક્ષેત્રમાં સુધારો કર્યો અને ભારત 2022 સુધીમાં 63મા સ્થાને પહોંચી ગયું. આ વિવિધ વ્યવસાયિક સુધારાઓ અને ડિજિટાઇઝેશનના પ્રયાસોનું પરિણામ હતું.
વિદેશી મુદ્રા ભંડાર
ડૉ. મનમોહન સરકારના અંતમાં એટલે કે વર્ષ 2014માં વિદેશી મુદ્રા ભંડાર 304.2 અબજ ડોલર હતો, જ્યારે 2023માં મોદી સરકારે વિદેશી મુદ્રા ભંડાર 595.98 અબજ ડોલર સુધી પહોંચ્યું હતું.
આ પણ વાંચોઃ ડૉ. મનમોહન સિંહે વડાપ્રધાન તરીકે અંતિમ વખત મીડિયાને શું સંબોધન કર્યું હતું? જાણો