આંતરરાષ્ટ્રીયટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલબિઝનેસમીડિયા

અમેરિકાના ઉપપ્રમુખ આજથી ભારતની મુલાકાતે

નવી દિલ્હી, 21 એપ્રિલ, 2025: અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તો ટ્રેડ વોર છેડી દીધુ છે. ભૂલ સમજાયા પછી ટ્રમ્પે 90 દેશો પર ટેરિફનો અમલ 90 દિવસ પાછો ઠેલ્યા પછી પીછેહઠ કરી છે, ફરી પાછુ જ્ઞાન આવતા હવે મહત્ત્વના દેશો સાથે વેપાર સોદા માટે વાટાઘાટો શરૂ કરી છે. આ વચ્ચે અમેરિકાના ઉપપ્રમુખ જેડી વેન્સ દ્વિપક્ષીય વેપાર સોદાની વાટાઘાટો માટે આજે ભારત આવી રહ્યા છે. બીજીબાજુ ભારતીય અધિકારીઓ અમેરિકા જઈ રહ્યા છે. આ ઘટનાક્રમ વચ્ચે ટ્રમ્પે ચીન પર 245 ટકા ટેરિફ ઝીંકવાની જાહેરાત કર્યા પછી તેની સાથે વાતચીતની તૈયારી દર્શાવી છે.

જેડી વેન્સની આજથી શરૂ થતી ભારતની ચાર દિવસની મુલાકાત પૂર્વે ભારત અને અમેરિકા વચ્ચે તેમના આગામી દ્વિપક્ષીય વેપાર કરાર માટેના માળખા પર સંમતી સધાઈ ગઈ હોવાનું અને બન્ને દેશો વચ્ચે આ આર્થિક સહયોગની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું લેવાઈ ગયું હોવાનું જણાવાયું છે. આ વેપાર સોદામાં ગુડઝ, સર્વિસિઝ, રોકાણો અને કસ્ટમ પ્રક્રિયા જેવા ક્ષેત્રોને સ્પર્શતા લગભગ 19 સેક્શન-વિભાગોનો સમાવેશ થવાની ધારણા બતાવાઈ રહી છે.

આ દરમિયાન બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય વેપાર વાટઘાટને આગળ વધારવા માટે આગામી સપ્તાહમાં એક વરિષ્ઠ ભારતીય પ્રતિનિધિમંડળ સોદાને અંતિમરૂપ આપવા માટે વોશિંગ્ટન જશે. અધિક સચિવ રાજેશ અગ્રવાલના નેતૃત્વમાં એક ઉચ્ચ સ્તરીય ભારતીય પ્રતિનિધિમંડળ બુધવાર 23, એપ્રિલથી ત્રણ દિવસની મુલાકાત માટે વોશિંગ્ટન પહોંચશે, જ્યાં બંને દેશ વચ્ચે પહેલી વ્યક્તિગત ચર્ચા હાથ ધરાશે. નોંધનીય છે કે રાજેશ અગ્રવાલની ગઈકાલે જ આગામી  વાણિજ્ય સચિવ તરીકે નિમણૂંક થઈ છે. તેઓ ૧, ઓકટોબરથી તેમની નવી ભૂમિકા સંભાળશે.

વધુમાં 25થી 29, માર્ચ દરમિયાનની દક્ષિણ અને મધ્ય એશીયા માટે સહાયક યુ.એસ. વેપાર પ્રતિનિધિ બ્રેન્ડન લિંચની ભારતની તાજેતરની મુલાકાતના અનુસંધાનમાં આગામી ચર્ચાઓ આગળ વધારવામાં આવશે અને એ તાજેતરના રાજદ્વારી આદાનપ્રદાનનો સિલસિલો ચાલુ રાખવાની દિશામાં પહેલ હોવાનું જાણવા મળે છે. અધિકારી સ્તરની આ બેઠકને બન્ને દેશો વચ્ચે સંભવિત દ્વિપક્ષીય વેપાર કરાર તરફ વાટાઘાટોમાં વધતી ગતિના સંકેત તરીકે જાણકારો જોઈ રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે વર્ષ 2021-22 અને વર્ષ 2024-25 દરમિયાન અમેરિકા ભારતનું ટોચનું વેપાર ભાગીદાર રહ્યું છે. વર્ષ 2024-25માં ભારતે અમેરિકા સાથે 41.18 અબજ ડોલરની ગુડઝ ટ્રેડ સરપ્લસ નોંધાવી છે,  જે પાછલા વર્ષના 35.32 અબજ ડોલર અને વર્ષ 2022-23માં 27.7 અબજ ડોલર રહી હતી. જો કે વધતાં અસંતુલનથી વોશિંગ્ટનમાં ચિંતા વધી છે, જેના કારણે ટ્રમ્પ સરકારે ભારતીય નિકાસો એટલે કે અમેરિકામાં થતી આયાત પર બે એપ્રિલથી નવા ટેરિફ જાહેર કર્યા હતા. પરંતુ ત્યાર બાદ આ નવા ટેરિફનો અમલ વાટાઘાટનો  અવકાશ રાખવા માટે ૯, એપ્રિલ સુધી મોકૂફ રાખવામાં આવ્યો છે.

દરમિયાનમાં અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઓવલ ઓફિસમાં જણાવ્યું હતું કે, અમે ચીન સાથે વાટાઘાટો કરી રહ્યા છીએ. ચીને અનેક વખત અમારો સંપર્ક કર્યો છે. મને લાગે છે કે ચીન સાથે અમે ખૂબ જ સારો સોદો કરવા જઈ રહ્યા છીએ. જોકે, ટ્રમ્પે ચીનના પ્રમુખ શી જિનપિંગ સાથે સીધી વાતચીત અંગેના સવાલનો જવાબ આપવાનું ટાળ્યું હતું.

આ પણ વાંચોઃ ઘરે ગેસ સિલિન્ડર નહીં પહોંચે? એલપીજી ડિસ્ટ્રીબ્યુટર્સ પાડી શકે છે હડતાળ, જાણો કેમ

Back to top button