વકીલ મેહુલ બોઘરા પર હુમલો કરનાર સાજન ભરવાડના જામીન અરજી નામંજૂર


સુરતમાં વકીલ મેહુલ બોઘરા ઉપર હુમલો કરનાર TRB સુપરવાઇઝર સાજન ભરવાડે કરેલી જામીન અરજી કોર્ટે નામંજૂર કરી છે. કોર્ટે પોતાના ચૂકાદામાં નોંધ્યું હતું કે, આરોપી સામેનો કેસ જોતા તે જામીન માટે હક્કદાર નથી, અને હાલમાં કેસની તપાસ પણ ચાલુ છે ત્યારે આરોપીને જામીન ઉપર છોડી શકાય નહીં.

કોર્ટે પોતાના ચૂકાદામાં નોંધ્યું હતું કે, આરોપી સામેનો કેસ જોતા તે જામીન માટે હક્કદાર નથી, અને હાલમાં કેસની તપાસ પણ ચાલુ છે ત્યારે આરોપીને જામીન ઉપર છોડી શકાય નહીં 18મી ઓગસ્ટના રોજ TRB દ્વારા કરવામાં આવતા ઉઘરાણા અંગે લાઇવ વીડિયો શૂટીંગ કરનાર વકીલ મેહુલ બોઘરા ઉપર સાજન ભરવાડે લાકડાના દંડા વડે માથામાં જીવલેણ હુમલો કર્યો હતો.
મહત્વનું છે કે-સરથાણા પાસે તારીખ 18મી ઓગસ્ટના રોજ TRB દ્વારા કરવામાં આવતા ઉઘરાણા અંગે લાઇવ વીડિયો શૂટીંગ કરનાર વકીલ મેહુલ બોઘરા ઉપર TRBના સુપરવાઈઝર સાજન ભરવાડે લાકડાના દંડા વડે માથામાં જીવલેણ હુમલો કર્યો હતો. લોકોના રોષ બાદ સરથાણા પોલીસે સાજનની સામે હત્યાના પ્રયાસની કલમ ઉમેરી હતી. દરમિયાન જામીન મુક્ત થવા માટે સાજને કોર્ટમાં જામીન અરજી કરી હતી, આ અરજીમાં સરકાર તરફે હાજર થયેલા મુખ્ય જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલાએ દલીલો કરી હતી અને આરોપીની ગુનાહિત માનસિકતાને ધ્યાને રાખીને તેને જામીન નહીં આપવા માટે દલીલો કરી હતી.

આ ઉપરાંત સરકાર તરફે સરકારી વકીલ નીતિન ચોડવડીયા પણ હાજર રહ્યા હતા. આ કેસમાં બંને પક્ષોની દલીલો બાદ કોર્ટે પોતાના ચૂકાદામાં નોંધ્યું હતું કે, હાલમાં આ કેસની તપાસ ચાલુ છે, આ કેસમાં ઊંડાણપૂર્વકની તપાસ થાય તે પણ જરૂરી છે. આ કેસમાં આરોપીની ઘટના સમયે હાજરી અને તેની સંડોવણીને ધ્યાને લેતા આરોપી સાજન ભરવાડ જામીન માટે હક્કદાર નથી. હાલમાં આ કેસની તપાસ ચાલુ છે ત્યારે જો આરોપીને જામીન ઉપર છોડવામાં આવે તો ટ્રાયલ ઉપર તે હાજર રહેશે નહીં અને પુરાવા સાથે ચેડા થાય તેવી શક્યતા છે તેવું ટાંકીને કોર્ટે આરોપી સાજન ભરવાડના જામીન નામંજૂર કરતો હુકમ કર્યો હતો.