ઑનલાઈન બુક કરી રહ્યાં છો હોટલ કે રૂમ? તો આ બાબતોનું ધ્યાન રાખો

HD ન્યૂઝ ડેસ્ક : જ્યારે પણ આપણે ક્યાંક ફરવા જવાનું વિચારીએ છીએ, ત્યારે આપણે સૌથી પહેલું કામ રહેવાની વ્યવસ્થા શોધવાનું કરીએ છીએ. આજકાલ, મોટાભાગના લોકો હોટેલ અને રૂમ ઓનલાઈન બુક કરાવે છે, જેથી તેમને નવી જગ્યાએ જતી વખતે વધારે મુશ્કેલી ન પડે. પરંતુ કેટલીકવાર હોટેલ પસંદ કરવામાં કેટલીક ભૂલો થઈ જાય છે જેના કારણે પાછળથી પસ્તાવો કરવો પડે છે, જેમ કે હોટેલ ટૂરિસ્ટ પ્લેસથી દૂર છે. આવી સ્થિતિમાં, ટેક્સીમાં લાંબા અંતરની મુસાફરી કરવી અને રસ્તા પરનો ટ્રાફિક ફરવાની મજા બગાડે છે.
આ સમસ્યાઓથી બચવા માટે આપણે હોટલ અને રૂમનું ઓનલાઈન બુકિંગ કરતી વખતે કેટલીક ખાસ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ, જેથી કરીને તમે મુસાફરીનો યોગ્ય રીતે આનંદ લઈ શકો. તમારે હોટેલનું ઓનલાઈન બુકિંગ કરતી વખતે આ બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.
યોગ્ય સાઇટ પસંદ કરો
આજકાલ તમને હોટેલ કે રૂમ બુકિંગ માટે ઘણી ઓનલાઈન સાઈટ મળશે. પરંતુ સૌથી પહેલા એ બાબતનું ખાસ ધ્યાન રાખો કે તમે જે વેબસાઈટ કે એપ દ્વારા હોટલ બુક કરી રહ્યા છો તે ભરોસાપાત્ર છે કે નહિ. અજાણી અથવા અવિશ્વસનીય સાઇટ પરથી બુકિંગ કરવાનું ટાળો. મોટા અને લોકપ્રિય બુકિંગ પ્લેટફોર્મ સામાન્ય રીતે સુરક્ષિત હોય છે. આ સિવાય વેબસાઈટ પર હોટલ અને રૂમ વિશેના રિવ્યુ તથા રેટિંગ વાંચીને તમે ઓનલાઈન સાઈટ પર હોટેલની સેવાઓ, સ્વચ્છતા, સુરક્ષા અને અન્ય સુવિધાઓ વિશે જાણકારી મેળવી શકશો. આ પછી જ, યોગ્ય સાઇટ પરથી તમારા બજેટ અનુસાર હોટેલ પસંદ કરો.
જગ્યાનું ધ્યાન રાખો
હોટેલનું સ્થાન પણ ખૂબ મહત્ત્વનું છે. તેથી, ધ્યાનમાં રાખો કે હોટેલ પર્યટન સ્થળોથી ખૂબ દૂર ન હોવી જોઈએ, તેના બદલે એવા સ્થાનો પર હોટેલ્સ શોધો જે ખાસ પર્યટન સ્થળોની નજીક હોય. આ સિવાય એ જાણવું પણ જરૂરી છે કે હોટેલથી સાર્વજનિક પરિવહન, જેમ કે બસ સ્ટોપ અથવા મેટ્રો સ્ટેશન કેટલું દૂર છે. તેનાથી તમારો સમય અને પૈસા બંનેની બચત થશે.
સેવાઓ વિશે જાણો
કેટલીક હોટલમાં મફત નાસ્તો, પૂલ, ફિટનેસ સેન્ટર, સ્પા અને શટલ સેવા જેવી સુવિધાઓનો સમાવેશ થાય છે, જ્યારે કેટલીક હોટલો આ તમામ સુવિધાઓ માટે વધારાનો ચાર્જ વસૂલ કરે છે. તેથી, આ બધી બાબતો વિશે અગાઉથી માહિતી મેળવો. આ સાથે, તમારી સુરક્ષાને ધ્યાનમાં રાખીને હોટેલનું સ્થાન અને રૂમ પસંદ કરો.
સરખામણી
જો તમને તમારી પસંદગી મુજબ હોટલ કે રૂમ મળે તો તરત જ બુકિંગ કરાવતા પહેલા તેની અન્ય હોટલ સાથે સરખામણી કરો. બંને હોટલના સ્થાન અને સુવિધાઓની સારી રીતે સરખામણી કરો અને તમારી અનુકૂળતા મુજબ હોટેલ બુક કરો.
આ પણ વાંચો : ગૌતમ અદાણી સામે યુએસનો કેસ મજબૂત છે પરંતુ પ્રત્યાર્પણની શક્યતા નથી: નિષ્ણાતો