ગુજરાતદક્ષિણ ગુજરાત

ટ્રાન્સપોર્ટરો સાવધાનઃ વાપીમાં ઓનલાઈન પેમેન્ટના નામે 30 ટ્રક ડ્રાઈવરો લૂંટાયા

વલસાડ, 19 ફેબ્રુઆરી 2024, ગુજરાતમાં છેતરપિંડીના અનેક બનાવો બની રહ્યાં છે. વલસાડ જિલ્લાના વાપીમાં અજાણ્યા શખ્સે ટ્રાન્સપોર્ટરો અને ટ્રક ડ્રાઈવરોને ફોન કરી ઓનલાઈન છેતરપિંડી કરતા ફફડાટ ફેલાયો છે. વાપીમાં જ અત્યાર સુધીમાં 30 જેટલા ટ્રક ડ્રાઈવર અને ટ્રાન્સપોર્ટર આ અજાણ્યા ગઠિયાનો ભોગ બન્યાં છે. ટ્રાન્સપોર્ટરોએ કહ્યું હતું કે, અત્યાર સુધીમાં 30 જેટલા ટ્રાન્સપોર્ટર સાથે 12થી 15 લાખ રૂપિયાની છેતરપિંડી થઈ ચૂકી છે. હજી ઘણા એવા લોકો છે જે જાહેરમાં નથી આવ્યા. આ આંકડો બહુ મોટો થાય તેવી શક્યતા છે.મુંબઈ અને સુરતના લોકો સાથે પણ અમારી માફક જ છેતરપિંડી થઈ હોવાનું જાણવા મળ્યું છે.

વાપીમાં ટ્રાન્સપોર્ટરો સાથે 12થી 15 લાખની ઠગાઈ
આ અંગે વાપી ટ્રાન્સપોર્ટ એસોસિએશનના પ્રમુખ ભરત ઠક્કરે મીડિયાને જણાવ્યું હતું કે, અમિત કુમાર નામનો કોઈ શખ્સ ટ્રાન્સપોર્ટરોને ફોન કરી આર્મીના કોઈ અધિકારીનું નામ બોલી તેમનો ઘરસમાન લઈ જવા ટ્રક ભાડે માંગે છે.ટ્રક ડ્રાઈવરનો નંબર લઈ તેને નજીકના કોઈ એકાદ સ્થળે બોલાવવા વાતચીત કરે છે. તેમજ એડવાન્સ પૈસા જમા કરવા એકાઇન્ટ ડિટેઇલ્સ મંગાવે છે. ટ્રક ડ્રાઇવર પોતાના એકાઉન્ટની કે ટ્રાન્સપોર્ટ માલિકની એકાઉન્ટ ડિટેઇલ્સ મોકલે છે. ત્યાર બાદ આ શખ્સ એક બારકોડ મોકલે છે અને તરત જ એકાઉન્ટમાંથી તમામ રકમ ઉપડી જાય છે. આ ઓનલાઈન સાયબર ક્રાઈમ છેલ્લા એક મહિનાથી થઈ રહ્યું છે.આ કોઈ મોટી ગેંગ છે જે ટ્રાન્સપોર્ટરો સાથે છેતરપિંડી કરી રહી છે.

વાપી GIDC પોલીસને રજૂઆત કરવામાં આવી
ટ્રાન્સપોર્ટરો કહી રહ્યાં છે કે, અમિત કુમાર નામના આ ઠગનો ભોગ બનેલા એક ટ્રક ડ્રાઈવરના માલિક અને શિવસાગર ટ્રાન્સપોર્ટના મોહન ભાનુશાળીએ જણાવ્યું હતું કે, આ શખ્સ મુંબઈ જેવા સ્થળોએથી માલ ભરવો છે કે મોકલવો છે તેવું ફોન પર જણાવે છે. તે પીપરિયા વિસ્તારમાં ટ્રક સાથે ડ્રાઈવરને બોલાવવાની વાત કરે છે. એડવાન્સ ભાડું આપવાની વાત કરે છે. ધ્યાનમાં આવેલી વિગતો મુજબ વાપીના અલગ અલગ ટ્રાન્સપોર્ટરોના વિઝિટિંગ કાર્ડ ઉપર પોતાના નામ અને નંબર લખીને એનો પણ ફ્રોડમાં ઉપયોગ કરે છે. આ શખ્સ ટ્રાન્સપોર્ટ લાઈનનો જાણકાર હોય તે રીતે વાતચીત કરે છે. જે બાદ એકાઉન્ટ નંબર મેળવી ઓનલાઈન તમામ પૈસા ઉપાડી લે છે. હાલ આ અંગે વાપી GIDC પોલીસને રજૂઆત કરી સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરાઈ છે.

આ પણ વાંચોઃવડોદરામાં નશામાં ઘૂત યુવકે રોંગસાઈડમાં કાર ચલાવી ચાર રાહદારીઓને અડફેટે લીધા

Back to top button